સુરતમાં રફતારનો કહેર યથાવત જોવા મળ્યો છે. ભાઠેના બિસ્મિલ્લા ચોક પાસે પૂરપાટ ઝડપે જતી રિક્ષા બાઇકચાલક અચાનક વચ્ચે આવતા પલટી મારી ગઈ હતી. અકસ્માતની આ ઘટના CCTVમાં કેદ થઈ ગઈ હતી. જોકે, હાજર લારીચાલકોએ તાત્કાલિક રિક્ષામાં ફસાયેલા લોકોને બહાર કાઢવાનો પ્રયત્ન હાથ ધર્યો હતો અને 108ને બોલાવી 5 ઇજાગ્રસ્તોને સારવાર અર્થે ખસેડ્યા હતા. ભાઠેના બિસ્મિલ્લા ચોક પાસે રીક્ષા પલટી ખાઈ ગઈ
સુરતમાં અકસ્માતોની સંખ્યા દિન-પ્રતિદિન વધી રહી છે. સુરતના ભાઠેના બિસ્મિલ્લા ચોક પાસે અકસ્માતના CCTV ફૂટેજ સામે આવ્યા છે. ગતરોજની રાત્રે 1.30 વાગ્યાના અરસામાં લગ્નનું કામ પૂર્ણ કરી કેટરર્સના 4 કારીગરો સામાન લઇ રીક્ષામાં પરત ફરી રહ્યા હતા. આ દરમિયાન ભાઠેના બિસ્મિલ્લા ચોક પાસે રીક્ષા પલટી ખાઈ ગઈ હતી. આ અકસ્માતની ઘટના ત્યાં લાગેલા CCTVમાં કેદ થઇ ગઈ હતી. બાઇક ચાલક અચાનક આવતાં રિક્ષા ચાલકે સ્ટેરીંગ પરથી કાબૂ ગુમાવ્યો
CCTVમાં જોઈ શકાય છે કે, વાહનોની અવર જવર ન થતી હોય એવા સુમસામ રસ્તા પર પૂરપાટ ઝડપે એક રિક્ષા સામેની બાજુથી આવી રહી છે ત્યારે ત્યાંથી પસાર થતો બાઇક ચાલક અચાનક જ વચ્ચે પડે છે, જેના કારણે રિક્ષા ચાલક સ્ટેરીંગ પરથી કાબૂ ગુમાવે છે અને અકસ્માત સર્જાય છે. અકસ્માતની ઘટનામાં બાઇક ચાલક ફગોળાઈને નીચે પટકાય છે જ્યારે રીક્ષા પલટી ખાઈ જાય છે. રીક્ષામાં સવાર લોકો રીક્ષા નીચે આવી જાય છે. લારીચાલકોએ રિક્ષા નીચે દબાયેલા લોકોને બહાર કાઢ્યા
અકસ્માત થતાં ત્યાંથી પસાર થતાં હાથલારી ચાલકો તાત્કાલિક પોતાની લારીઓ ઉભી રાખી અકસ્માતમાં રિક્ષામાં નીચે દટાયેલા લોકોને બહાર કાઢવાનો પ્રયત્ન કરે છે અને પોલીસને જાણ કરે છે. ઇજાગ્રસ્તોને સારવાર માટે ખસેડવા 108 ને પણ જાણ કરવામાં આવે છે જેથી તાત્કાલિક 108 ની એમ્બ્યુલન્સ ઘટના સ્થળે પહોંચે છે અને 5 જેટલા ઈજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલ ખસેડે છે. પોલીસ દ્વારા સતત લોકોને ટ્રાફિકના નિયમો પાડવા અપીલ
અત્રે ઉલ્લેખનીય છે કે, સુરત શહેરમાં અકસ્માતો સતત વધી રહ્યા છે. જેના પગલે લોકો ઇજાગ્રસ્ત થઈ રહ્યા છે અને ઘણી વખત ભોગ પણ લેવાય છે. અકસ્માતોની સંખ્યા ઘટાડવા માટે સુરત શહેર પોલીસ દ્વારા સતત લોકોને ટ્રાફિકના નિયમો પાડવા અને હેલ્મેટ પહેરવા અંગે અપીલ કરવામાં આવી રહી છે