ન્યૂ ઈન્ડિયા કો- ઓપરેટિવ બેન્કમાં 122 કરોડ રૂપિયા રોકડની ગેરરીતિને લઈને હજારો થાપણદારોને મુશ્કેલીમાં મૂકી દેવાના પ્રકરણમાં મુંબઈ પોલીસની આર્થિક ગુના શાખા (ઈઓડબ્લ્યુ) દ્વારા હવે બેન્કના ઓડિટરોએ ઓડિટ દરમિયાન પ્રત્યક્ષ રીતે બેન્કનાં લોકરોમાં રોકડની તપાસ કરી હતી કે કેમ તે જાણવા માટે ઈન્સ્ટિટ્યૂટ ઓફ ચાર્ટર્ડ અકાઉન્ટન્ટ્સ ઓફ ઈન્ડિયા (આઈસીએઆઈ)ની મદદ લેવામાં આવશે. છેલ્લાં પાંચ વર્ષમાં આ ગોટાળો થયો તે દરમિયાન ઓડિટ કરનારા બેન્કના આંતરિક ઓડિટરોને રૂ. 122 કરોડની રોકડ ગાયબ છે તે બાબત ધ્યાનમાં કેમ નહીં આવી તેની હાલમાં પોલીસ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે. ગુરુવારે પોલીસે 2019-2021 દરમિયાન બેન્કના અકાઉન્ટ્સ ઓડિટ કરનારા અભિજિત દેશમુખનું નિવેદન નોંધ્યું હતું. વારંવાર ઓડિટ કરવા છતાં બેન્કમાંથી મોટે પાયે રોકડની ઉચાપત કરી છે તે ધ્યાનમાં કેમ નહીં આવ્યું તેની હાલમાં તપાસ ચાલી રહી છે. ઓડિટરોએ વોલ્ટમાં પ્રત્યક્ષ રીતે મોજૂદ રોકડ સાથે બેન્કની બેલેન્સ શીટમાં ઉલ્લેખ કરેલી કેશ-ઈન-હેન્ડ અનુરૂપ છે કે નહીં તે ઓડિટરો તપાસતા હોય છે તેની અમને જાણ છે. આ વિશે અમે વિધિસર જવાબ મેળવવા માટે આઈસીએઆઈને પત્ર લખીશું, એમ એક પોલીસ અધિકારીએ જણાવ્યું હતું. વળી, બેન્કની પ્રભાદેવી અને ગોરેગાવ શાખામાં વોલ્ટ્સમાં મોટે પાયે રોકડ મૂકવાની પૂરતી જગ્યા હતી કે કેમ તેની પણ અમે તપાસ કરીશું, એમ તેમણે જણાવ્યું હતું. બીજી બાજુ પોલીસને રૂ. 40 કરોડની ઉચાપત કરનારો સોલારનો વેપારી હજુ હાથ લાગ્યો નથી. આરોપી હિતેશ પ્રવીણચંદ્ર મહેતા અને બિલ્ડર ધર્મેશ પૌન હાલમાં કસ્ટડીમાં છે. આરોપીઓ તપાસમાં સહયોગ આપતા નહીં હોવાથી પોલીસ હિતેશનો લાઈ ડિટેક્ટર ટેસ્ટ લેવાની તૈયારી કરી રહી છે. બીજી બાજુ તેના સાગરીત સોલારના વેપારી ઉન્નીનાથન અરુણાચલ ઉર્ફે અરુણભાઈ હજુ મળતો નહીં હોવાથી પોલીસે તેની વિરુદ્ધ લૂકઆઉટ નોટિસ જારી કરી છે.મહેતાએ રૂ. 122 કરોડની ઉચાપત કરી છે, જેમાંથી બિલ્ડર ધર્મેશ પૌન થકી રૂ. 70 કરોડ ચારકોપમા ઝૂંપડપટ્ટી વિસ્તારમાં પુનઃવિકાસ પ્રકલ્પમાં રોકાણ કરવામાં આવ્યા છે. બાકી રૂ. 40 કરોડ સોલાર પેનલના વેપારી ઉન્નીનાથનને આપવામાં આવ્યા છે. છેલ્લાં પાંચ વર્ષમાં તિજોરીમાંથી ઉચાપત
છેલ્લાં પાંચ વર્ષમાં હિતેશે પ્રભાદેવી અને ગોરેગાવ શાખામાં તિજોરીમાંથી રકમની ઉચાપત કરવાની શરૂઆત કરી હતી. હિતેશ મહેતાએ કોરોના કાળમાં થાપણદારોનાં નાણાં વ્યાજે આપ્યાં હોવાની શક્યતા છે. આ બાબતે તપાસ ચાલી રહી છે. કોવિડકાળમાં અનેક વેપારીઓના ધંધા ઠપ થઈ ગયા હતા. ધંધામાં પ્રચંડ નુકસાન થવાથી વેપારીઓને પૈસાની બહુ જરૂરત છે એવું ધ્યાનમાં આવતાં મહેતાએ વ્યાજે પૈસા આપવાનું શરૂ કર્યું હતું.