દિવ્ય ભાસ્કર તેના વાચકમિત્રો માટે દર ગુરુવારે એક નવી પ્રસ્તુતિ રજૂ કરી રહ્યું છે, જેનું નામ છે ‘ખબરદાર જમાદાર!’. આ વિભાગમાં સમગ્ર રાજ્યના પોલીસબેડામાં જે ગપસપ ચાલી રહી છે એને રમૂજી શૈલીમાં પ્રસ્તુત કરવામાં આવશે. ક્યારેક કોઈ પોલીસ સ્ટેશન તો ક્યારેક કોઈ અમલદારની ઓફિસમાં કોઈ કાનાફૂસી થઈ હશે એને હળવી શૈલીમાં પ્રસ્તુત કરવાનો આ એક પ્રયાસ છે. ફરી રાજ્યમાં IPS અધિકારીઓની થઈ શકે છે બદલી
રાજ્યમાં IPS અધિકારીઓની બદલીઓ માટે હવે ઘડીઓ ગણાય રહી છે. ગૃહ વિભાગ દ્વારા IPS અધિકારીઓની બદલી હવે ગમેતે ઘડીએ કરવામાં આવશે. રાજકોટ સહીત સૌરાષ્ટ્રના મોટા ભાગના જિલ્લાઓમાં ફરજ બજાવતા IPS અધિકારીઓનો આ બદલી લીથામાં સમાવેશ કરવામાં આવશે તેવી પુરી શક્યતા છે અને તેમાં રાજકોટના 2 IPS સહીત 15થી વધુ IPS અધિકારીઓની બદલી કરવામાં આવશે તેવી ચર્ચા પોલીસ વર્તુળોમાં ચાલી રહી છે. આ ઉપરાંત પીએસઆઈથી પીઆઇ પ્રમોશન માટેનો પણ લીથો ગૃહ વિભાગ દ્વારા તૈયાર કરવામાં આવ્યો છે જેને પણ આગામી ટૂંક સમયમાં જાહેર કરવામાં આવે તેવી શક્યતા સેવાઈ રહી છે. IPS અધિકારી એરપોર્ટ પહોંચ્યા ને કોઈ અધિકારી-કર્મચારી ઓળખી ન શક્યા
એક સિનિયર IPS અધિકારી એરપોર્ટ પર આવ્યા હતા. IPS અધિકારી આવ્યા ત્યારે ખૂબ જ મોટી સંખ્યામાં પોલીસ બંદોબસ્ત રાખવામાં આવ્યો હતો. IPS અધિકારી એરપોર્ટ બહાર નીકળીને સાદા કપડામાં જઈ રહ્યા હતા ત્યારે તેઓ થોડો સમય આગળ પાછળ જોઇને ઉભા પણ રહી ગયા પરંતુ કોઇ પોલીસ કર્મચારી કે અધિકારી તેમને ઓળખી ન શક્યા. જેના કારણે IPS અધિકારી ખાનગી ગાડીમાં બેસીને રવાના થઈ ગયા. IPS અધિકારીના ગયા બાદ પોલીસકર્મીઓમાં અંદર અંદર ચર્ચા પણ ચાલી હતી કે, તેઓ અગાઉ અમદાવાદ ફરજ બજાવતા હતા, પરંતુ કોઇપણ પોલીસ અધિકારી કે કર્મચારી તેમને જાણે ઓળખતા ન હોય તે રીતે મળવા પણ ગયા નહોતા. અમદાવાદ પશ્ચિમમાં PI ભલે બદલાયા પણ માણસ તો જૂનો જ રાખવો પડશે
અમદાવાદ શહેરમાં તાજેતરમાં અનેક એવા પોલીસ કર્મચારીઓ હતા જેમને રાજ્યના પોલીસ વડા દ્વારા જિલ્લા બહાર તગેડી દેવામાં આવ્યા હતા. જેમાં ખાસ કરીને આ બધાને જ્યારે બહાર મોકલવામાં આવ્યા ત્યારે કેટલાક પોલીસ કર્મચારીઓ ખેલ કરવા માટે દૂર થઈ ગયા, પરંતુ હવે અમદાવાદના પશ્ચિમ વિસ્તારનું પોલીસ સ્ટેશન ફરી ચર્ચામાં આવ્યું છે. જ્યા પોશ વિસ્તાર હોવાના કારણે લોકોની તેના પર નજર હોય છે, પરંતુ અહીંયા પીઆઇ કોઇપણ બદલાય પરંતુ વ્યવસ્થા ગોઠવવા એક માણસ તો જૂનો જ રાખવો પડે છે. ફરી એક વખત આ પોલીસ સ્ટેશનમાં આ પોલીસકર્મીનો જય જય કાર થઈ ગયો છે અને તેને ફરીથી વ્યવસ્થા આપવામાં આવી છે. આ પહેલાં પણ તે આજ કામ કરતો હતો જે ખરેખર પોલીસનું કામ નથી. અમદાવાદથી બહાર ગયેલા સ્પાના ખેલાડીએ ક્યુઆર કોડથી ખેલ શરૂ કર્યો
કહેવાય છે કે, બદમાશ લોકોને એક વખત સુધરવાનો મોકો મળતો હોય છે, પરંતુ જેની આદત જ હંમેશા ખોટું કરવાની હોય તે ક્યારેય પણ સુધરી શકતો નથી અને અમદાવાદમાં અનેક એવા સ્પાના ધંધા છે જેમાં એક પોલીસકર્મી બેફામ બનીને ખેલ કરતો હતો. જેને આખરે જિલ્લા બહાર મોકલી દેવામાં આવ્યો છે. પરંતુ તે હજી અમદાવાદના આવા બેફામ કારોબાર અને લાખોની આવક છોડવા તૈયાર નથી. તેણે પહેલાં નીચેના લેવલે નવા માણસો ઉભા કર્યા અને તેનો જૂનો કારોબાર ચાલુ કર્યો છે, ત્યારે એવી પણ ચર્ચા છે કે, તે હવે જ્યાંથી રૂપિયા લેવાના હોય ત્યાં પહેલાં ક્યુઆર કોડથી બીજા સ્પાના ક્યુઆર કોડમાં એટલે કે, એકાઉન્ટમાં રૂપિયા ટ્રાન્સફર કરાવે છે અને ત્યાંથી રૂપિયા ત્રીજા વ્યક્તિ પાસેથી ઉઘરાવે છે. આમ આખી ચેઇન જ તેણે ઉભી કરી છે. સુરત પોલીસ પર દબાણ બનાવવા મળતિયાઓએ જ એજન્સી દ્વારા રેડ પડાવી
સુરતમાં છેલ્લા કેટલાક મહિનાથી એક એજન્સી દ્વારા રેડ પાડવામાં આવી રહી છે. સુરત પોલીસ દ્વારા સતત પડતી આ રેડ પાછળ કારણ શું છે તેની માહિતી એકત્ર કરાઈ છે. પોલીસ અધિકારીઓને મળતા મળતિયાઓ દ્વારા આ રેડ પડાવવામાં આવે છે એવું જાણવા મળ્યું છે. આ મળતિયાઓ પોતાના માફિયાઓના અડ્ડાઓઓ શરૂ કરવા માટે પોલીસને ભલામણ કરે છે. જ્યારે પોલીસ અધિકારીઓ સ્પષ્ટ ના પાડી દે ત્યારે આ લોકો એજન્સીના ચોક્કસ અધિકારીઓને શહેરના અલગ અલગ અડ્ડાના ફોટા અને વીડિયો મોકલીને રેડ પડાવી પોલીસ પર પ્રેશર બનાવી રહ્યા છે. આ અંગે ઉચ્ચ અધિકારીઓને જાણ થતા હવે આ મળતિયાઓ પણ પોલીસની રડાર પર આવ્યા છે. પોલીસ અધિકારીના જણાવ્યા મુજબ લગભગ ચારથી પાંચ વખત સુરત રેલવે સ્ટેશન નજીક આવેલા એક વિસ્તારમાં એક વ્યક્તિનો અડ્ડો શરૂ કરવા માટે ભલામણ કરવામાં આવી હતી. એટલું જ નહીં હાલમાં જ એક ઇન્ડસ્ટ્રીયલ વિસ્તારના પોલીસ અધિકારી દ્વારા અડ્ડો શરૂ કરવા માટે ના પાડવામાં આવી હતી. ત્યાર બાદ આ બે પોલીસ મથક વિસ્તારમાં રેડ કરાવવામાં આવી હતી. પોલીસના ઉચ્ચ અધિકારીઓને માહિતી મળી છે કે, આ મળતિયાઓ પોતાના આર્થિક લાભ માટે સુરત પોલીસને સતત બદનામ કરવા અને દબાણ બનાવવા માટે આ કૃત્ય કરી રહ્યા છે. EDની તપાસમાં આવેલા ખેલાડીએ અધિકારી સાથે સંબંધ વધારી બુકી સાથે સેટલમેન્ટ શોધ્યું
થોડા સમય પહેલાં ગુજરાતમાં હવાલા પ્રકરણમાં એક વ્યક્તિની પૂછપરછ થઈ હતી. ED દ્વારા કરવામાં આવેલી પૂછપરછની પાછળ ક્રિકેટ સટ્ટા સાથે કનેક્શન હોવાની વાતો ચર્ચામાં હતી અને વેપારી સાથે કનેક્ટ આ યુવકે આ મુસીબતમાંથી બહાર નીકળીને ફરીથી નવો વેપાર શરૂ કર્યો છે. આ વખતે તેણે આરટીજીએસનો મોટો ખેલ શરૂ કર્યો છે. જેમાં બોગસ એકાઉન્ટ એટલે કે ભાડે આપવાતા એકાઉન્ટ સુધી મદદ કરવાની આખી વ્યવસ્થા ગોઠવી હોવાની તેવી ચર્ચા થઈ રહી છે. બુકીઓના મોઢે ક્યારેય પણ એકાઉન્ટની વાત આવે ત્યારે આ યુવકનું જ નામ સામે આવે અને તેણે આ આપદાને અવસરમાં પલટી નાખી હોય તેવી સ્થિતી ઉભી કરી છે. અકસ્માતના સ્થળે PIને કહેવા છતાં ન પહોંચતા બીજા પીઆઇને મોકલવા પડ્યા
અમદાવાદમાં તાજેતરમાં બે અલગ અલગ જગ્યાએ અકસ્માતના બનાવ બન્યા હતા. જેના કારણે અમદાવાદમાં ખૂબ જ ગરમ માહોલ સર્જાયો હતો. જેમાં એક પીઆઇને બનાવના સ્થળે જવા માટે સતત કહેવામાં આવતું હતું. એક પોલીસ ઇન્સ્પેકટરને જાણ પણ કરી કે તમે ત્યાં જાઓ અને વિગત મેળવો. પરંતુ તેમના પેટનું પાણી હલ્યું નહીં અને તેઓ કહેવા લાગ્યા કે, મેં સૂચના આપી દીધી છે અને તેઓ હાલ મહત્વનું કામ કરી રહ્યા છે. તે સમયે સાહેબ માત્ર કોન્સ્ટેબલ કરે તેવા કામમાં વ્યસ્ત હતા. આખરે એક બીજા પીઆઈને ત્યાં મોકલવામાં આવ્યા હતા. PIની કામગીરી ખરાબ બતાવવા તેમના જ પોલીસકર્મીઓ દ્વારા રાજકારણ
શહેરના એક પોલીસ સ્ટેશનમાં આંતરિક રાજકારણ ચરમસીમાએ છે. સુરત શહેરના એક પોલીસ સ્ટેશનમાં હાલ આંતરિક રાજકારણ તીવ્ર બન્યું છે. ભાગળ વિસ્તાર નજીક આવેલા એક પોલીસ સ્ટેશનમાં વહીવટદારને હટાવી દેવાના કારણે ન માત્ર પોલીસ સ્ટેશનની અંદરના કેટલાક પોલીસકર્મીઓ પણ બહારના મળતિયાઓ પણ પોલીસ ઇન્સ્પેક્ટરને ખરાબ દર્શાવવા માટે સતત પ્રયાસ કરી રહ્યા છે. આ અંગેની જાણ હવે જે તે ઝોનના ઉચ્ચ અધિકારીઓને થઈ છે. એટલું જ નહીં પોલીસકર્મીઓ પોલીસ ઇન્સ્પેકટરને ક્લચમાં લેવા માટે અને કામગીરી ખરાબ દેખાય તે માટે કેટલાક મળતિયાઓની મદદ આ પોલીસ સ્ટેશનના અમુક પોલીસકર્મીઓ કરી રહ્યા હોવાની માહિતી પણ ઉચ્ચ અધિકારીઓને મળી છે. અમદાવાદનો એક પોલીસકર્મી નવાબી ઠાઠ ભોગવવા 4 કિમી દૂરથી ચા મંગાવે છે
અમદાવાદના રિવરફ્રન્ટ વિસ્તારમાં એક પોલીસ કર્મચારી હાલ ખૂબ ચર્ચામાં છે. તે તેના સાથીઓ સાથે જ દરેક જગ્યાએ કામગીરી કરતો જોવા મળે છે, પરંતુ છેલ્લા કેટલાક સમયથી તેની જ્યાં બદલી થઈ છે તે જગ્યા તેને ગમતી નથી અને તે તેનાથી દૂર જઈને નદી કિનારે ઠંડી હવા ખાવા માટે બેઠા હોવાનું અનેક લોકોએ જોયું છે. તેમાં પણ ખાસ કરીને એવું જાણવા મળી રહ્યું છે કે, આ પોલીસ કર્મચારી ત્યાં જાય એટલે તેના માટે માણસો ત્યાં હાજર થઈ જાય છે અને એમને ગમે તે જ કીટલીની ચા ત્યાંથી લાવી અને તો જ પોલીસ કર્મચારીને રાહત મળે છે. અકસ્માત કરનારને બચાવવા પોલીસ સામે કોઈ કાર્યવાહી નહીં
અમદાવાદમાં થોડા સમય અગાઉ એક ચકચારી અકસ્માતમાં એક વ્યક્તિએ જીવ ગુમાવ્યો હતો. અકસ્માત કરનારને બચાવવા એક પોલીસ લખેલી ગાડીમાં કેટલાક શખસો બચાવવા ગયા હતા. જેને લઇને સ્થાનિકોએ રોષના કારણે પોલીસ સ્ટેશનનો ઘેરાવો કર્યો હતો. ત્યારે ટ્રાફિકના અધિકારીઓએ ભીડની સામે મદદ કરનાર પોલીસ સામે કાર્યવાહી કરવાની બાહેંધરી આપી હતી પરંતુ બીજા દિવસે આ મામલે કોઇ તપાસ પણ કરવામાં આવી નહોતી કે કોઇ કાર્યવાહી કરવામાં આવી નહોતી. ટ્રાફિકના અધિકારીઓ આ અંગે જાણતા હોવા છતાં અજાણ્યા બને છે.