ભારતીય ટીમ આજે બાંગ્લાદેશ સામેની મેચથી ICC ચેમ્પિયન્સ ટ્રોફી 2025માં પોતાના અભિયાનની શરૂઆત કરશે. બંને ટીમનો ગ્રૂપ-Aમાં સમાવેશ થાય છે. ટીમ ઈન્ડિયા ઓસ્ટ્રેલિયા સાથે ટુર્નામેન્ટની સૌથી સફળ ટીમ છે. બંનેએ 2-2 ટાઇટલ જીત્યા છે. દરમિયાન, બાંગ્લાદેશ તેના પ્રથમ ટાઇટલની શોધમાં છે. ટુર્નામેન્ટના ઇતિહાસમાં બંને ટીમ ફક્ત એક જ વાર એકબીજા સામે ટકરાઈ છે. આ મેચ 2017માં છેલ્લી ચેમ્પિયન્સ ટ્રોફી દરમિયાન રમાઈ હતી. બર્મિંગહામમાં રમાયેલી સેમિફાઈનલમાં ભારતીય ટીમે બાંગ્લાદેશને 9 વિકેટથી હરાવીને ફાઈનલમાં જગ્યા બનાવી હતી. આમાં કેપ્ટન રોહિત શર્માએ 123 રનની અણનમ ઇનિંગ રમી હતી. મેચ ડિટેઇલ્સ, બીજી મેચ
IND Vs BAN
તારીખ: 20 ફેબ્રુઆરી
સ્ટેડિયમ: દુબઈ ઈન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમ
સમય: ટૉસ – બપોરે 2:00 વાગ્યે, મેચ શરૂ – બપોરે 2:30 વાગ્યે ભારત હેડ ટુ હેડમાં આગળ
એકંદરે, બંને ટીમ ODIમાં 41 વખત એકબીજાનો સામનો કરી ચૂકી છે. આમાં ભારતે 32 મેચ અને બાંગ્લાદેશે 8 મેચ જીતી હતી. જ્યારે 1 મેચનું પરિણામ નક્કી આવી શક્યું નથી. બંને ટીમે છેલ્લે 2023 વર્લ્ડ કપ દરમિયાન ODIમાં એકબીજાનો સામનો કર્યો હતો. ભારતે આ મેચ 7 વિકેટથી જીતી લીધી. ગિલ આ વર્ષે ટીમનો ટૉપ સ્કોરર
ભારતનો વાઇસ-કેપ્ટન શુભમન ગિલ આ વર્ષે વન-ડેમાં ટીમનો સૌથી વધુ સ્કોરર છે. તેણે 3 મેચમાં 259 રન બનાવ્યા છે. શ્રેયસ અય્યર બીજા નંબરે છે. તેણે 3 મેચમાં 181 રન બનાવ્યા છે. બોલિંગમાં ફાસ્ટ બોલર હર્ષિત રાણા ટોચ પર છે. આ વર્ષે તેણે 3 મેચમાં 6 વિકેટ લીધી છે. સ્પિન ઓલરાઉન્ડર રવીન્દ્ર જાડેજા 2 મેચમાં 6 વિકેટ સાથે બીજા સ્થાને છે. ટીમ તરફથી મહમુદુલ્લાહે સૌથી વધુ રન બનાવ્યા
આ વર્ષે બાંગ્લાદેશ માટે મહમુદુલ્લાહે સૌથી વધુ રન બનાવ્યા છે. તેણે 9 મેચમાં 337 રન બનાવ્યા છે. આ સમયગાળા દરમિયાન ઝડપી બોલર તસ્કીન અહેમદ સૌથી વધુ વિકેટ લેનાર બોલર છે. તસ્કીને 7 મેચમાં 14 વિકેટ લીધી છે. પિચ અને ટૉસ રિપોર્ટ
દુબઈની પિચ પહેલા ખૂબ જ ધીમી હતી. પણ, હવે એવું નથી. રિપોર્ટ અનુસાર, દુબઈમાં ભારતને જે પિચ મળશે તે નવી હશે. દુબઈ સ્ટેડિયમમાં બે નવી પિચ છે જેનો ઉપયોગ તાજેતરમાં કોઈ મેચ માટે કરવામાં આવ્યો નથી. રિપોર્ટમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે પિચ થોડી ઝડપી હશે, જેનો ફાયદો સ્પિનરોને થશે. અહીં બીજી બેટિંગ કરનારી ટીમનો જીતનો રેકોર્ડ વધુ સારો છે, તેથી ટૉસ જીતનાર ટીમ પહેલા ફિલ્ડિંગ કરવાનો નિર્ણય લઈ શકે છે. અત્યાર સુધીમાં અહીં 58 વન-ડે રમાઈ ચૂકી છે. પ્રથમ બેટિંગ કરનારી ટીમે 22 મેચ જીતી અને બીજી ઇનિંગમાં બેટિંગ કરનારી ટીમે 34 મેચ જીતી. તે જ સમયે, એક-એક મેચ અનિર્ણિત રહી અને એક ટાઈ રહી છે. અહીંનો સૌથી વધુ સ્કોર 355/5 છે, જે ઇંગ્લેન્ડે 2015માં પાકિસ્તાન સામે બનાવ્યો હતો. દુબઈનું વેધર રિપોર્ટ
ભારત-બાંગ્લાદેશ મેચમાં વરસાદ વિક્ષેપ પાડી શકે છે. 20 ફેબ્રુઆરીએ દુબઈમાં વરસાદની 55% શક્યતા છે. બપોરે તડકો સાથે કેટલીક જગ્યાએ વરસાદની શક્યતા છે. તાપમાન 20 થી 27 ડિગ્રી સેલ્સિયસની આસપાસ રહેવાની ધારણા છે. તે જ સમયે, પવન 11 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ફૂંકાશે. બન્ને ટીમની સંભવિત પ્લેઇંગ-11
ભારત (IND): રોહિત શર્મા (કેપ્ટન), શુભમન ગિલ, વિરાટ કોહલી, શ્રેયસ અયયર, કેએલ રાહુલ (વિકેટકીપર), હાર્દિક પંડ્યા, અક્ષર પટેલ, રવીન્દ્ર જાડેજા, કુલદીપ યાદવ, મોહમ્મદ શમી અને હર્ષિત રાણા/અર્શદીપ સિંહ. બાંગ્લાદેશ (BAN): નઝમુલ હુસૈન શાંતો (કેપ્ટન), સૌમ્ય સરકાર, તન્જીદ હસન, તૌહીદ હૃદોય, મુશફિકુર રહીમ, મહમુદુલ્લાહ, મેહદી હસન મિરાઝ, તન્ઝીમ હસન સાકિબ, રિશાદ હુસૈન, તસ્કીન અહેમદ અને મુસ્તફિઝુર રહેમાન.