આગામી તા.27થી બોર્ડની પરીક્ષાઓ ચાલુ થઈ રહી છે. ત્યારે પરીક્ષાને લઈ તૈયારીઓ માટે જિલ્લા કલેક્ટર સહિતના વહીવટી તંત્રને શિક્ષણમંત્રીએ વીડિયો કોન્ફરન્સીંગ દ્વારા માહિતી મેળવી સૂચનાઓ આપી હતી.આ બેઠકમાં શિક્ષણમંત્રી દ્વારા જીલ્લા કક્ષાએ કંટ્રોલરૂમ, સતત વીજપુરવઠો શરૂ રહે તે માટેનું આયોજન, પોલીસ ગાર્ડ, સ્ટ્રોગરૂમ ઉપર પોલીસ બંદોબસ્ત, પરીક્ષા દરમ્યાન કોઈ વિદ્યાર્થી અથવા પરીક્ષામાં રોકાયેલ કર્મચારીઓને પરીક્ષાર્થીઓ માટે જરૂર પડે પ્રાથમિક આરોગ્ય કીટની વ્યવસ્થાઓ પૂરી પાડવા, ગ્રામ્ય વિસ્તારમાંથી આવતા વિદ્યાર્થીઓ માટે બસ વાહનવ્યવહારની સગવડ કરવા વગેરે બાબતે સમીક્ષા કરવામાં આવી હતી. જામનગર જીલ્લા કલેકટરએ સબંધિત અધિકારીઓ સાથે પરીક્ષાના સંપૂર્ણ આયોજન બાબતે ચર્ચા કરી હતી જેમાં, કાયદો અને વ્યવસ્થા, પરીક્ષા કેન્દ્રો પર વીજ પુરવઠો જળવાઈ રહે, વિદ્યાર્થીઓ સમયસર પરીક્ષા સ્થળે પહોચી શકે તે માટે એસ.ટી.બસોની વ્યવસ્થા, આરોગ્યની સુવિધાઓ, ટ્રાફિક વ્યવસ્થા, કાઉન્સિલિંગ સેન્ટર બાબતે ચર્ચા કરી વિદ્યાર્થીઓ ભય મુક્ત વાતાવરણમાં પરીક્ષા આપી શકે તે દિશામાં કામગીરી કરવા જણાવ્યું હતું. જામનગર જિલ્લામાં 27628 વિદ્યાર્થીઓ બોર્ડની પરીક્ષા આપશે ઉલ્લેખનીય છે કે ધો.10ની પરીક્ષાઓ તા.27 ફેબ્રુઆરી થી તા.10 માર્ચ, ધો.12 સામાન્ય પ્રવાહની પરીક્ષાઓ તા.27 ફેબ્રુઆરીથી તા.17 માર્ચ અને વિજ્ઞાન પ્રવાહની પરીક્ષાઓ તા.27 ફેબ્રુઆરીથી તા.10 માર્ચ સુધી યોજાશે. જામનગર જીલ્લામાં ધો.10માં 17232 વિદ્યાર્થીઓ, ધો.12 સામાન્ય પ્રવાહમાં 8618 તથા વિજ્ઞાન પ્રવાહમાં 1738 વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે.