જામનગરના દિગ્વિજય પ્લોટ વિસ્તારમાં વાસણની દુકાનમાંથી ત્રાંબાના વાસણોની ચોરી થઈ હતી. જે ચોરોએ આ વાસણો રાજકોટ વેચવાની પેરવી કરતા પોલીસના ઝપટે ચડી ગયા હતા. જેથી જામનગર પોલીસે બંનેનો કબજો રાજકોટ પોલીસ પાસેથી લઈ રિમાન્ડ પર લેવા તજવીજ હાથ ધરી છે. જામનગરના દિગ્વિજય પ્લોટ વિસ્તારમાં બલારામ રૂપચંદભાઈ પારવાણીના વાસણ ના ગોડાઉનના દરવાજાના તાળા તોડી બીએસએ અંદર પ્રવેશ કર્યો હતો તેમાં રહેલા ત્રાંબાના 48 નંગ બેડા અને ત્રાંબાની 110 બોટલ અને પીત્તળની તપેલી સહિતનો મુદ્દામાલની આરોપીઓ ચોરી કરી ગયા હતા. ત્યારબાદ તાંબા-પીતળના વાસણોનો માલ સામાન વહેચવા માટે બે શખ્સો નાનામવા મેઇન રોડ લક્ષ્મીનગરના નાલાથી લક્ષ્મીનગર તરફ જતા રોડ ઉપર ઉભેલ છે, તેવી ચોક્કસ બાતમીના આધારે સ્ટાફે બાતમીના સ્થળે દોડી જઈ બંને શખ્સોના નામ પૂછતાં પોતાનું નામ વીજય મુકેશ ઉર્ફે મનસુખ સોલંકી (ઉ.વ.21), (રહે.કોઠારીયા રોડ હુડકો ચોકડી પાસે આશાપુરાનગર શેરી નં.2 રાજકોટ, મુળ માળીયા હાટીના) અને રાકેશ ઉર્ફે રાહુલ મુકેશ ઉર્ફે મનસુખ સોલંકી (ઉ.વ.25), (રહે. જેતપુર નદીના સામાકાંઠે રેલ્વે પુલ ઇટોના ભઠ્ઠા પાસે આશાપુરા ચોક) જણાવ્યું હતું. રાજકોટ પોલીસે બંને શખ્સોને માલવાહક વાહનમાં તાંબા પીતળના વાસણો સાથે પકડી પાડી વાસણોના બીલ કે આધાર બાબતે પુછપરછ કરતા કોઇ સંતોષકારક જવાબ આપેલ નહી અને તાંબા પીતળના વાસણો ચોરી કરી મેળવેલ હોવાનુ સામે આવ્યું હતું. બંને શખ્સોની પૂછતાછ કરતાં ગઇ તા.17ના રાત્રીના અઢી વાગ્યાની આસપાસ જામનગરમાંથી ચોરી કરી હોવાની કબુલાત આપતા બંને શખ્સોની ધરપકડ કરી તાંબાના બેડા 48, પિતળની તપેલી 36, તાંબાની પાણીની બોટલ 110નો મુદ્દામાલ જપ્ત કરાયો હતો. ઉલ્લેખનીય છે કે, જામનગર પોલીસે રાજકોટ પોલીસ પાસેથી આરોપીનો કબ્જો મેળવ્યો છે અને તેના રિમાન્ડ મેળવવા તજવીજ હાથ ધરી છે.