મુંબઈમાં ડ્રગ્સની હેરાફેરીનું પ્રમાણ વધી રહ્યું છે. વિવિધ તપાસ એજન્સીઓ દ્વારા ઠેર ઠેર વ્યાપક કાર્યવાહી કરીને અનેક તસ્કરોને જેલભેગા કર્યા છે, કરોડોનું ડ્રગ્સ પકડી પાડ્યું છે. આમ છતાં ડ્રગ્સની હેરાફેરી ઓછું થવાનું નામ લેતી નથી. આ વખતે મુંબઈ પોલીસે ડ્રગ્સ ખરીદદાર બનીને બે તસ્કરોને ઝડપી લીધા છે. મુંબઈ ક્રાઈમ બ્રાન્ચના બાંદરા યુનિટના પ્રભારી દયા નાયકની આગેવાનીમાં દાદર પૂર્વ રેલવે સ્ટેશન નજીક હોટેલમાંથી બુધવારે મોડી રાત્રે તસ્કરોને ઝડપી લીધા છે. પોલીસે સમર લેન્ડ ગેસ્ટ હાઉસ હોટેલમાં રૂમ બુક કરાવી રાખ્યો હતો. હકીકતમાં પોલીસે શંકા નહીં જાય તે માટે બે દિવસ પૂર્વે જ રૂમ બુક કરાવી લીધો હતો. પોલીસ ખરીદદાર બની ગયા હતા. તેમને તસ્કરો ડ્રગ્સ વેચવા આવ્યા ત્યારે રંગેહાથ ઝડપી લીધા હતા. આરોપીઓમાં સેનુલ જુલુમ શેખ (28) અને જહાંગીરશા આલમ શેખ (29)નો સમાવેશ થાય છે. આરોપીઓ પાસેથી રૂ. 10.08 કરોડનું એમડી ડ્રગ્સ (પાર્ટી ડ્રગ્સ) જપ્ત કરવામાં આવ્યું છે. આ અંગે માટુંગા પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરીને વધુ કાર્યવાહી કરવામાં આવી રહી છે. જહાંગીરશા ગોવંડીનો રહેવાસી છે. તેના પરિવારના સભ્યનો આરોપ છે કે ખબરીએ જહાંગીરને દાદરની હોટેલમાં બોલાવીને સપડાવ્યો છે.