રાજકોટ જિલ્લા કલેકટર કચેરી ખાતે આજે કલેકટર પ્રભવ જોશીના અધ્યક્ષ સ્થાને અપીલના કેસોનું બોર્ડ યોજાયું હતું. જેમાં 22 કેસમાં સુનાવણી હાથ ધરવામાં આવી હતી. જેમાં શહેરમાં ખેતીની જમીન બિન ખેતી કરાવ્યાં વિના ત્યાં તન્ના સ્પોર્ટ્સ એકેડમી ધમધમે છે અને તેનો કોમર્શિયલ ઉપયોગ થાય છે. જે મામલે પણ જમીન માલિકનું હિયરીંગ રાખવામાં આવ્યું હતું. શરત ભંગના આ કેસમાં સુનાવણી પૂર્ણ થઈ ચૂકી છે અને હવે 5 દિવસમાં આ એકેડેમી સામે દંડ સહિતની કાર્યવાહીનો આદેશ કરવામાં આવશે. ગેરકાયદેસર સ્પોર્ટ્સ એકેડમી ખડકી દેવાઈ
રાજકોટમાં TRP ગેમ ઝોન અગ્નિકાંડની દુર્ઘટનામાં 27 લોકો જીવતા ભૂંજાઇ ગયા હતા. જે ઘટના બાદમાં એવું સામે આવ્યું હતું કે રહેણાંક હેતુની તે જગ્યા ઉપર કોમર્શિયલ ઉપયોગ શરૂ કરી દેવામાં આવ્યો હતો, ત્યારે અઠવાડિયા પહેલા જ શહેરના યુનિવર્સિટી રોડ પર આકાશવાણી ચોક પાસે ખેતીની 4 એકર જમીન પર હેતુ ફેર વિના ગેરકાયદેસર સ્પોર્ટ્સ એકેડમી ખડકી દેવાયાનું સામે આવતા જિલ્લા કલેકટર દ્વારા શરતભંગની નોટિસ ફટકારવામાં આવી હતી. જે બાદ પ્રથમ હિયરિંગ તો પૂર્ણ થઈ ગયું હતું પરંતુ એકેડેમીના સંચાલકોએ પોતાના ખુલાસાઓ રજૂ કરવા માટે વકીલ મારફત વધુ સમય માગવામાં આવ્યો હતો. જેથી કલેકટર પ્રભવ જોશી દ્વારા સમય આપવામા આવ્યો હતો અને આજે હિયરીંગ હતું. હિયરિંગ પૂર્ણ થતાં ચાર-પાંચ દિવસમાં ચુકાદો
રાજકોટ જિલ્લા કલેકટર પ્રભવ જોશીએ દિવ્ય ભાસ્કરને જણાવ્યું હતું કે, તન્ના સ્પોર્ટ્સ લોન્સ ખેતીની જમીન પર ઊભું હોવાના મામલે હિયરીંગ પૂર્ણ થઈ ચૂક્યું છે. હવે આ કેસમાં ચાર-પાંચ દિવસમાં ચુકાદો આપવામાં આવશે. જેમાં દંડ સહિતની કાર્યવાહી કરવામાં આવનાર હોવાનું જાણવા મળી રહ્યું છે. શરત ભંગની નોટિસ ફટકારવામાં આવી હતી
ઉલ્લેખનીય છે કે, રાજકોટ શહેરના યુનિવર્સિટી રોડ ઉપર આવેલી નામાંકિત તન્ના સ્પોર્ટ્સ લોન્સ કે જે 4 એકર જગ્યામાં પથરાયેલી છે તે ખેતીની જમીન છે. જોકે તેનો હેતુ ફેર વિના વાણિજ્યક ઉપયોગ કરવામાં આવતો હોવાથી અગાઉ રાજકોટ કલેકટર પ્રભવ જોશી દ્વારા શરત ભંગની નોટિસ ફટકારવામાં આવી હતી. જે મામલે તેમણે અગાઉ જણાવ્યું હતું કે, તન્ના એકેડેમી શરત ભંગ કેસમાં સંચાલકો દ્વારા પોતાનો પક્ષ રજૂ કરવા માટે વધુ સમય માગવામાં આવ્યો હતો અને તેથી સમય આપવામાં આવ્યો હતો. જોકે હવે ચુકાદો આપવામા આવશે.