ગુજરાત હાઇકોર્ટમાં 15 વર્ષની અને 5 મહિનાની દુષ્કર્મ પીડિતાના 19 સપ્તાહના ગર્ભના ગર્ભપાતનો મામલો આવ્યો છે. પીડિતા તરફથી હાઇકોર્ટ સમક્ષ અરજી કરીને ગર્ભપાતની માગ કરવામાં આવી હતી. હાઇકોર્ટ દ્વારા આ મામલે પીડિતાની તબીબી તપાસ કરવાનો આદેશ સોલા સિવિલ હોસ્પિટલના નિષ્ણાંત તબીબોને આપવામાં આવ્યો છે. સાથે જ આદેશ કર્યો છે કે, 24 ફેબ્રુઆરીના રોજ પીડિતાની તપાસ કર્યા પછીનો રિપોર્ટ કોર્ટ સમક્ષ રજૂ કરવામાં આવે. ભ્રુણના ટીસ્યુના DNA સાચવવાનો આદેશ કરવામાં આવે
આ સમગ્ર મામલે પીડિતાના વાલી તરફથી હાઇકોર્ટમાં ગર્ભપાતની માગ સાથે અરજી કરવામાં આવી છે. જેમાં એવી રજૂઆત કરવામાં આવી છે કે, પીડિતા માત્ર 15 વર્ષ અને 5 મહિનાની છે અને તે રેપ જેવા જધન્ય ગુનાનો ભોગ બની છે. તેની નાની ઉંમર, શારીરિક સ્વાસ્થ્ય અને તેની સાથે બનેલી રેપની ઘટનાને ધ્યાને લઇ તેને શક્ય એટલી ઝડપે ગર્ભપાતની મંજૂરી આપવી જોઇએ. એટલું જ નહીં આ મામલે વાડજ પોલીસ સ્ટેશનમાં પોક્સોના કાયદા ઉપરાંત વિવિધ ધારા હેઠળ ગુનો નોંધાયો હોવાથી ગર્ભપાત બાદ ભ્રુણના ટીસ્યુના DNA સાચવવાનો આદેશ કરવામાં આવે. 24મી ફેબ્રુઆરીના રોજ વધુ સુનાવણી હાથ ધરાશે
આ અરજીમાં હાઇકોર્ટે આદેશ કરતાં નોંધ્યું હતું કે પીડિતાને 19 સપ્તાહનો ગર્ભ હોવાથી તેના ગર્ભપાતની મંજૂરી માગવામાં આવી છે. આ અંગેનો રિપોર્ટ તેને ડોક્ટરો તરફથી આપવામાં આવ્યો છે. રાજ્ય સરકાર તરફથી જણાવવામાં આવ્યું હતું કે, આ પ્રકારના કેસોમાં પીડિતાની તબીબી તપાસ માટેની વ્યવસ્થા સોલા સિવીલ હોસ્પિટલ ખાતે ઉપલબ્ધ છે. ઉક્ત રજૂઆતને ધ્યાનમાં લેતાં પીડિતાને સોલા સિવિલમાં તેના વાલી સાથે જઇ તપાસ કરાવવાનો આદેશ કરવામાં આવ્યો છે. હોસ્પિટલના નિષ્ણાંત તબીબો દ્વારા પીડિતાનું ગર્ભપાત શક્ય છે કે કેમ અને શક્ય છે તો એમાં કેટલું જોખમ રહેલું છે તે અંગેની તપાસ કરીને કોર્ટ સમક્ષ રિપોર્ટ રજૂ કરવાનો રહેશે. આ અંગે સરકારી વકીલને પણ જાણ કરવાની રહેશે, જેથી તેઓ કોર્ટને જરૂરી માહિતી આપી શકે. હાઇકોર્ટના આદેશ બાદ હવે આ કેસમાં 24મી ફેબ્રુઆરીના રોજ વધુ સુનાવણી હાથ ધરાશે.