સુરતમાં RTO ની બોગસ રસીદ બનાવી સરકારને ચૂનો ચોપડયો હોવાની ઘટના સામે આવી છે. સુરતમાં ટ્રાફિક પોલીસે ઝડપેલા વાહનો ત્રણ યુવાનો એક વર્ષથી બોગસ રસીદ બતાવી છોડાવી જતા હતા. જોકે આરટીઓમાં ભરવામાં આવેલા દંડની રસીદનો QR કોડ સ્કેન કરતા ભાંડો ફૂટ્યો હતો. આ મામલે ટ્રાફિક જવાન દ્વારા સરથાણા પોલીસ મથકમાં ત્રણ ઈસમો સામે ફરિયાદ નોંધાવવામાં આવી છે. મળતી માહિતી પ્રમાણે, ટ્રાફિક પોલીસનો જવાન જીગ્નેશગીરી જગદીશગીરી સરથાણા ગોડાઉન ખાતે ફરજ ઉપર હાજર હતા. ત્યારે એક ઓટો રીક્ષા નં.GJ-05-CV-2046 છોડાવવા માટે ત્રણ ઇસમો વિશાલ,ક્રિષ્ના અને સુનિલ આવ્યા હતા. જે પૈકી વિશાલે RTOમાં દંડ ભર્યાની સ્લીપ રજુ કરિ અને તેની પાસે રીક્ષાના માલિક તરીકે સાબિતી માટે RC બુક અને આઇ.ડી પ્રુફની માંગણી કરતાં તેઓએ રજું કરેલ RC બુક અને આધાર કાર્ડ જોતા ઓટો રીક્ષાના માલિક બીજા હોવાનું જણાયુ હતું. જેથી તેને રીક્ષા સુપરત કરી નહી અને રીક્ષા માલિકને રીક્ષા છોડાવવા આવવા માટે જણાવ્યુ હતું. ત્રણેય ઇસમોની ચાલ-ચલગત બાબતે શંકા જતાં ટ્રાફિક જવાને તેની રીતે અંગત જાણકારી મેળવતાં જાણવા મળ્યું હતું કે RTO માં દંડ ભર્યા અંગેની અસલ રસીદ હોય તો, રસીદ ઉપર આપવામાં આવેલ QR કોડ સ્કેન કરવામાં આવે તો RTO ના રેકોર્ડ ઉપર ડિજીટલ સ્લીપ જોઇ શકાતી હોય છે. જે મુજબ તેને ઓટો રીક્ષા નં.- GJ-05-CV-2046 ના રજુ કરેલા RTO માં દંડ ભરેલ સ્લીપ રસીદ ઉપર આપવામાં આવેલ QR કોડ સ્કેન કરતાં કોઇ વિગતો ખુલી નહી. જેથી અન્ય એક ટુવ્હિલરની રસીદની ઉપર આવેલ QR કોડ સ્કેન કરતાં તુરંત જ તે રસીદની વિગતો વાળી ડિઝીટલ રસીદ જોવા મળી હતી. રીક્ષા નં GJ-05-CV-2046 ના આર.ટી.ઓ. દંડ ભર્યા બાબતે વધુ ખરાઇ કરવા ગોડાઉનના મોટર વ્હીકલ એક્ટ 207મુજબ જમાં લેવામાં આવેલ અને છુટી ગયેલ વાહનો સંબધે રજુ થયેલ RTO દંડ ભર્યા અંગેની રસીદો ઉપર આવેલ QR કોડ સ્કેન કરતા બીજા કુલ 29 જેટલા અલગ-અલગ વાહન ચાલકો દ્વારા રજુ કરેલ RTO દંડ ભર્યા અંગેની રસીદોના QR કોડ સ્કેન કરતાં ડિજીટલ રસીદ ખુલી નહતી. જેથી ઉપરી અધિકારીને વાહનો બાબતે સુરત RTO માં તપાસ કરાવતાં RTO ના રેકોર્ડમાં આ પ્રકારનો કોઇ દંડ ભરાયેલ ન હોવાનું અને આ રસીદો RTO સુરત તરફથી ઇશ્યુ થયેલ ન હોવાનું સામે આવ્યું હતું. જેથી ગત 9 જાન્યુઆરી 2025ના રોજ અને પહેલાના એકાદ વર્ષના સમયગાળા દરમ્યાન રીક્ષા નં. GJ-05-CV-2046 ની છોડાવવા આવેલ વિશાલ, ક્રિષ્ના સંદિપે કુલ 29 વાહનોના માલિકો કે કબ્જેદારોએ અલગ-અલગ સમયે સુરત શહેર ટ્રાફિક રીજીયન-1 વિસ્તારમાંથી M.V.ACT-207 મુજબ જમાં લેવામાં આવેલ વાહનો પોતાના અગંત આર્થિક ફાયદા માટે સુરત RTO કચેરીના અધિકારીની બોગસ સહી સિક્કાવાળી રસીદો બનાવી તેનો સાચા તરીકે ઉપયોગ કરી સરકારી તીજોરીને 2.38 લાખનું નુકસાન પહોંચાડયુ હતું. સરથાણા ટ્રાફિક ગોડાઉન ખાતેથી વાહનો છોડાવી જતા સરથાણા પોલીસ સ્ટેશન ખાતે કાયદેસરની ફરીયાદ આપવામાં આવતા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.