આજથી ગરમીનો પારો વધશે રાજ્યમાં મહત્તમ અને લઘુતમ તાપમાનને લઈને હવામાન વિભાગે આગાહી કરી છે કે, રાજ્યમાં આગામી પાંચ દિવસ દરમિયાન ગુજરાતભરમાં મહત્તમ અને લઘુતમ તાપમાનમાં કોઈ મોટો ફેરફાર નહીં થાય. આમ રાજ્યમાં શુષ્ક હવામાનની સંભાવના હોવાની હવામાન વિભાગે આગાહી કરી છે. હાલ ગુજરાતમાં ગરમીનો પ્રકોપ વર્તાઈ રહ્યો છે, હવામાન વિભાગની આગાહી મુજબ, ઉત્તર પશ્રિમથી ઉત્તર દિશાના પવનો નીચલા સ્તરે હોવાથી તાપમાનમાં નજીવી વધઘટ જોવા મળી રહી છે, ત્યારે રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં સૌરાષ્ટ્રના ભાગોમાં દિવસના તાપમાનમાં વધારો નોંધાયો છે. જેમાં કચ્છ-સૌરાષ્ટ્રના સામાન્ય તાપમાનથી વધુ ડિગ્રી અને અન્ય વિસ્તારોમાં તાપમાન સામાન્ય રહ્યું છે. ગીર-સોમનાથ કલેક્ટર પર પૂર્વ BJP સાંસદના આક્ષેપો ગુજરાતમાં ભ્રષ્ટાચારના આરોપો ફરી એકવાર ચર્ચાનો વિષય બન્યા છે. ગાંધીનગરના પૂર્વ કલેક્ટર લાંગા વિરુદ્ધના કેસ પછી હવે ગીર-સોમનાથ જિલ્લાના કલેક્ટર દિગ્વિજયસિંહ જાડેજા પર ગેરરીતિ અને ભ્રષ્ટાચારના ગંભીર આરોપો લગાવવામાં આવ્યા છે. ભાજપના પૂર્વ સાંસદ અને ધારાસભ્ય દિનુ બોઘા સોલંકીએ જણાવ્યું હતું કે, આ કલેક્ટર ગીર-સોમનાથમાં પોતાની સત્તાનો દુરુપયોગ કરીને ગરીબોનાં મકાનો અને ખેતરો દૂર કરી રહ્યા છે. ન્યારી ડેમના કિનારા પાસે આવેલ આદિરાજ ફાર્મ કે જેની માલિકી ગીર સોમનાથ જિલ્લા કલેકટરની છે. આ કલેકટર ગીર સોમનાથમાં દિવસ અને રાત ભ્રષ્ટાચાર કરે છે. અગાઉ મહમદ ગઝનવી સોમનાથને લૂંટતો હતો ત્યારે આ કલેક્ટર આધુનિક લૂંટારો છે. આ બાબતે સરકારમાં અગાઉ રજૂઆત કરેલી છે. દિનુ બોઘા સોલંકીએ તેમની સામે આરોપો મૂકીને રાજકોટ જિલ્લા કલેક્ટર સમક્ષ તપાસની માંગણી કરી હતી. આ મામલે રાજકોટ કલેકટર પ્રભવ જોશીએ જણાવ્યું હતું કે, દિનુ બોઘા સોલંકીની રજૂઆત બાબતે પડધરી મામલતદારને તપાસ સોંપવામાં આવેલી છે, તેમની તપાસના રિપોર્ટમાં શું સામે આવે છે? તેના આધારે આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવશે. બજેટ ચીલાચાલુ અને ગામડાને તોડનારુંઃ અમિત ચાવડા ગઈકાલે રજૂ થયેલા ગુજરાત 2025-26ના બજેટ અંગે કોંગ્રેસના ધારાસભ્ય અમિત ચાવડાનું નિવેદન સામે આવ્યું છે. તેમણે આજે રજૂ થયેલા બજેટને ચીલાચાલુ બજેટ ગણાવ્યું. તેમણે કહ્યું આ બજેટ ગામડા તોડવા માટેનું બજેટ છે. ગુજરાતની જનતાને આશા હતી મોંઘવારીમાં રાહત મળશે પણ આશા ઠગારી નીવડી છે. યુવાઓને આશા હતી રોજગારી મળશે નોકરી મળશે, ફિક્સ વેતન દૂર થશે પણ યુવાઓની આશા ઠગારી નીકળી છે. બાળકી રમતાં-રમતાં સેફ્ટી પિન ગળી ગઈ 8 મહિનાની બાળકી રમતાં-રમતાં સેફ્ટી પિન ગળી ગઈ… બાળકીને 3 દિવસથી લોહીની ઊલટી થતાં માતા-પિતા તપાસ માટે વડોદરાની સયાજી હોસ્પિટલમાં લાવ્યા જ્યાં ડૉક્ટરે બાળકીનો એક્સ-રે કરાવતાં જાણ થઈ કે બાળકીની અન્નનળીમાં ખુલ્લી સેફ્ટી પિન ફસાયેલી છે. જે બાદ ડૉક્ટરે તાત્કાલિક ઇસોફેગોસ્કોપી સર્જરી કરી બાળકીનો જીવ બચાવી લીધો છે. ગુજરાત યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ એકસાથે 2 ડિગ્રી ભણી શકશે ગુજરાત યુનિવર્સિટી દ્વારા ડ્યુઅલ ડિગ્રી પ્રોજેક્ટની જાહેરાત કરવામાં આવી. તેનો હવે આવનાર શૈક્ષણિક વર્ષથી અમલ કરવામાં આવશે. વિદ્યાર્થીઓ બી.એ.,બી.કોમ,બીએસસી જેવા કોર્સ સાથે બીજી ડિગ્રીમાં પણ એડમિશન લઈ શકશે. ગુજરાત યુનિવર્સિટી દ્વારા 20 જેટલી ડ્યુઅલ ડિગ્રીના પ્રોગ્રામની જાહેરાત કરવામાં આવી છે. આ ઉપરાંત ગુજરાત યુનિવર્સિટી દ્વારા કેટલાક કોર્સમાં ફીમાં 1800થી 2250 સુધીનો વધારો કરવામાં આવ્યો છે. ગુજરાત યુનિવર્સિટીમાં જે વિભાગમાં સિનિયર અધ્યાપક નિવૃત્ત થવાના હોય અને આ વિભાગમાં માત્ર એક જ સિનિયર અધ્યાપક હોય તો તે વિભાગમાં ડેપ્યુટેશનના ધારા ધોરણ મુજબ અધ્યાપકની નિમણૂક કરવામાં આવશે. મહિલાની છેડતી કરનાર રેલવે કર્મીને સજા ભાવનગર રેલવે કોર્ટે મહિલા સાથે છેડતીના કેસમાં રેલવે કર્મચારીને દોષિત ઠેરવ્યો છે. કોર્ટે આરોપીને બે વર્ષની સખત કેદની સજા અને રૂપિયા 25 હજારનો દંડ ફટકાર્યો છે. દંડ ન ભરવાની સ્થિતિમાં વધુ 6 માસની કેદની સજા થશે. આ કેસની વિગત મુજબ એક યુવતી ભાવનગર મુખ્ય રેલવે ટર્મિનસથી ધોળા જવા માટે વેઇટિંગ રૂમમાં બેઠી હતી. આ દરમિયાન રેલવે કર્મચારીએ તેને સ્પેશિયલ રૂમમાં બેસવાનો આગ્રહ કર્યો હતો. સ્પેશિયલ રૂમમાં યુવતી સાથે શારીરિક અડપલાં કરી બીભત્સ માંગણી કરી હતી. પીડિત યુવતીએ રેલવે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. રેલવે કોર્ટે માત્ર 6 માસના ટૂંકા ગાળામાં કેસની કાર્યવાહી પૂર્ણ કરી. જજે લેખિત-મૌખિક જુબાની, દસ્તાવેજી પુરાવા અને સરકારી વકીલની દલીલો ધ્યાનમાં લઈને આરોપીને દોષિત જાહેર કર્યો છે. પ્રેમપ્રકરણમાં મિત્રએ કરી મિત્રની હત્યા જાંબુઘોડા તાલુકાના ડુમા ગામે એક પરિણીતા સાથેના પ્રેમસંબંધની શંકામાં મિત્રએ મિત્રની હત્યા કરી નાખી. આરોપીએ તેના મિત્રો સાથે મળી યુવકને માથામાં કડું મારી જમીન પર ઢાળી દીધો, અને પછી ગળું દબાવી મોતને ઘાટ ઉતાર્યો. જે બાદ પુરાવાનો નાશ કરવા ત્રણેયે મળી યુવકના મૃતદેહને પોટલામાં ભરી નહેરમાં ફેંકી દીધો હતો. પોલીસને 16 ફેબ્રુઆરીએ હાલોલના રામેશરા વિસ્તારમાંથી સુરેશનો મૃતદેહ મળ્યો હતો. જે અંગે તપાસ કરતા આ કેસમાં મુખ્ય આરોપી ઉપરાંત સ્થાનિક દારૂ વેચનાર આનંદ નાયક અને તેના કર્મચારી ગણપત તડવીની પણ સંડોવણી સામે આવી હતી. હાલ તો પોલીસે ત્રણ યુવકની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.