ગીર સોમનાથ જિલ્લામાં જળ સંરક્ષણને પ્રોત્સાહન આપવા માટે એક મહત્વપૂર્ણ પહેલ કરવામાં આવી છે. જિલ્લા જળસ્ત્રાવ વિકાસ એકમ દ્વારા પ્રધાનમંત્રી કૃષિ સિંચાઇ યોજના અંતર્ગત વેરાવળ તાલુકાના ગુણવંતપુર અને ઈન્દ્રોઈ ગામમાં વોટરશેડ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું. જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક યોગેશ જોશીએ વોટરશેડ કાર્યક્રમની વિસ્તૃત માહિતી આપી. તેમણે ચેકડેમ, ખેતરપાળા, પરકોલેશન ટેન્ક અને કંટૂર ટ્રેન્ચના ફાયદાઓ સમજાવ્યા. અગ્રણી મહેન્દ્રભાઈ પીઠિયાએ જળસંચયની અગત્યતા પર ભાર મૂક્યો. ગુણવંતપુર ગામમાં કપિલા નદી પર ૩.૮૦ લાખ રૂપિયાના ખર્ચે ચેકડેમનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું. કાર્યક્રમમાં શાળાના બાળકો માટે જળ સંરક્ષણ અને પર્યાવરણ જાગૃતિ માટે ચિત્ર અને નિબંધ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું. જળ સંરક્ષણ ક્ષેત્રે ઉત્કૃષ્ટ કામગીરી કરનાર ખેડૂતોને પ્રમાણપત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા. કાર્યક્રમમાં ગ્રામજનોએ જળસંચય અંગેની ફિલ્મ પણ નિહાળી. લુંભા, મંડોર, કોડિદ્રા, ભેટાળી અને પંડવા સહિતના આસપાસના ગામોના સરપંચો, તાલુકા અને જિલ્લા પંચાયતના સભ્યો, ખેડૂતો અને મોટી સંખ્યામાં ગ્રામજનોએ જમીન અને જળ સંરક્ષણની પ્રતિજ્ઞા લીધી. આ કાર્યક્રમથી વિસ્તારમાં જળ સંરક્ષણ અંગે જાગૃતિ વધશે અને ભૂગર્ભ જળસ્તર ઊંચું આવશે તેવી આશા છે.