ગાંધીનગરના સરગાસણ ખ રોડ ઉપર હડમતીયા નજીક ગુરુવાર (તા. 20/02/2025)ની રાત્રે હોન્ડા સીવીક કારમાં સવાર નબીરાઓએ પૂરપાટ ઝડપે કાર હંકારતા કાર ડિવાઇડર કૂદીને સામેના રોડ પરથી પસાર થતી અલ્ટો કાર તેમજ પીકઅપડાલાને ધડાકાભેર અથડાઈ હતી. આ ગમખ્વાર અકસ્માતમાં એક નબીરા તેમજ વૃદ્ધાનું મોત નીપજ્યું છે. જ્યારે ગંભીર ઈજાગ્રસ્ત અન્ય ચારેક લોકોને સારવાર અર્થે દાખલ કરવામાં આવ્યા છે. આ અંગે સેકટર-7 પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. ખ રોડ પર મોડી રાત્રે અકસ્માત સર્જાયો
આ ગંભીર અકસ્માત અંગે મળતી માહિતી મુજબ, ગાંધીનગરના સેકટર – 26 માં રહેતા અનિલભાઈ નવીનચંદ્ર જાની તેમનાં પત્ની રીટાબેન (ઉ.વ. 53) તેમજ મલેક નાઝમલ અનવરહુસેન (રહે. સરખેજ) ગુરુવારે રાત્રે અલ્ટો કારમાં અમદાવાદથી સેકટર-26 તરફ જઈ રહ્યા હતા. જેઓ ખ રોડ પરથી પસાર થઇ રહ્યા હતા. જ્યારે સરગાસણ પ્રમુખ એબોર્ડમાં રહેતો મીતેશ ભગવાનભાઈ પટેલ પણ પીકઅપડાલું લઈને સરગાસણ નાયરા પેટ્રોલ પંપથી પ્રમુખ ગ્રીન પાર્ટી પ્લોટ તરફ જઈ રહ્યો હતો. કારનો કચ્ચરઘાણ વળી ગયો
આ દરમ્યાન મહાત્મા મંદિર તરફથી પૂરપાટ ઝડપે આવી રહેલી હોન્ડા સિવિક કારના ચાલકે કાર પરનો કાબુ ગુમાવી દેતા કાર ડિવાઇડર કૂદીને અલ્ટો અને પીકઅપડાલાને ધડાકાભેર અથડાઈ હતી. જેમાં કેવિન હેમલભાઈ ધંધુકીયા અને આર્ય જીગ્નેશભાઈ દવે (બંને રહે. સહજાનંદ શ્લોક, સરગાસણ) સવાર હતા. આ અકસ્માતમાં નબીરાઓની કાર એટલી સ્પીડમાં હતી કે તેમની કારનો કચ્ચરઘાણ વળી ગયો હતો. સેકટર-7 પોલીસ ઘટનાસ્થળે દોડી ગઈ
અકસ્માતના પગલે મોટી સંખ્યામાં આસપાસના લોકો એકઠા થઈ ગયા હતા અને સેકટર-7 પોલીસ પણ ઘટનાસ્થળે દોડી ગઈ હતી. બાદમાં ઉપરોક્ત તમામ ઈજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર અર્થે ગાંધીનગર સિવિલ લઈ જવાયા હતા. જ્યાં ફરજ પરના તબીબે આર્ય દવે (ઉ. 25)ને મૃત જાહેર કર્યો હતો અને ગંભીર ઈજાગ્રસ્ત કેવિનને વધુ સારવાર અર્થે અમદાવાદ સિવિલ ટ્રાન્સ્ફર કર્યો હતો. બેના મોત, ચાર ગંભીર ઇજાગ્રસ્ત
આ ગંભીર અકસ્માતમાં અનિલભાઈ અને તેમના પત્ની રીટાબેનને પણ ગંભીર ઈજાઓ થઈ હોવાથી સેકટર-6ની ખાનગી હોસ્પિટલમાં લઈ જવાયા હતા. જ્યાં ટૂંકી સારવાર દરમિયાન રીટાબેનનું પણ મોત નીપજ્યું હતું. તેમજ મલેક તેમજ મીતેશને દાખલ કરી સારવાર ચાલી રહી છે. આમ આ ગંભીર અકસ્માતમાં બે લોકોના મોત થયા છે, જ્યારે ચાર લોકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા છે. આ અંગે સેકટર-7 પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.