કઠલાલ નગરપાલિકાના ભાજપ શાસક અને કારોબારી ચેરમેન જીગ્નેશભાઈ ભાવસારે ગંભીર આરોપ લગાવ્યા છે. તેમણે ગૃહમંત્રી હર્ષ સંઘવીના ફેસબુક પેજ પર કોમેન્ટ કરીને શહેરમાં ચાલતા દારૂના અવૈધ વેચાણ અંગે ફરિયાદ કરી છે. જીગ્નેશભાઈએ આરોપ મૂક્યો છે કે કઠલાલ શહેરમાં ખુલ્લેઆમ દારૂ અને નશીલા પદાર્થોનું વેચાણ થઈ રહ્યું છે. પોલીસના ડી સ્ટાફ જમાદાર હપ્તા લઈને આ અવૈધ વેચાણને છાવરી રહ્યા છે. તેમણે યુવાધનને બચાવવા માટે આ મુદ્દો ઉઠાવ્યો છે. કારોબારી ચેરમેન તરીકે પોતાની જવાબદારી સમજાવતા જીગ્નેશભાઈએ કહ્યું કે તેઓ શહેરના યુવાનોને બરબાદ થતા જોઈ શકતા નથી. તેમણે ઉમેર્યું કે ગુજરાતમાં દારૂબંધી હોવા છતાં રાજ્યભરમાં દારૂનું વેચાણ થઈ રહ્યું છે. ઉલ્લેખનીય છે કે જિલ્લામાં અગાઉ નશીલા સીરપ કાંડમાં અનેક લોકોના મોત થયા હતા. આ ઘટનાઓને પગલે પોલીસ પાસે પારદર્શક કામગીરીની માંગ ઊઠી છે.