શનિવારે અમદાવાદમાં એક સહકારી બેન્કના કાર્યક્રમમાં ભાગ લેવા આવેલા ભાજપના સહકારી આગેવાન મહેશ પટેલ સાથે દુષ્કર્મ પીડિતા મહિલાએ બોલાચાલી કરી હતી. ચર્ચા દરમિયાન મહિલાએ ઉશ્કેરાઈને મહેશ પટેલ સાથે ઝપાઝપી કરી તેમના કપડાં ખેંચ્યાં હતાં. આ ઘટનાનો વીડિયો આ કાર્યક્રમમાં ભાગ લેવા આવેલી એક વ્યક્તિએ ઉતારી લીધો હતો, જે સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો. ભાજપના પ્રાંતિજના ધારાસભ્ય ગજેન્દ્રસિંહ પરમાર પર દુષ્કર્મનો આક્ષેપ કરનારી મહિલાએ મહેશ પટેલને પરમાર સંદર્ભે કેટલીક વાત કરી હતી. આ દરમિયાન પટેલે મહિલાને સમજાવવાનો પ્રયાસ કર્યો હતો. જો કે મામલો ઉગ્ર બનતા મહિલાએ મહેશ પટેલે પહેરેલું જેકેટ ઉતારવાનો પ્રયાસ કર્યો હતો. હાજર સુરક્ષા કર્મીઓએ મામલો થાળે પાડવાનો પ્રયાસ કર્યો હતો. આ પછી પોલીસ બોલાવવામાં આવી હતી.