પ્રયાગરાજમાં અંદાજિત 57 કરોડથી વધુ લોકો સંગમમાં ડૂબકી લગાવી ચૂક્યા છે, જેના કારણે શહેરના સ્થાનિક લોકોને ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડી રહ્યો છે. લોકો એક રીતે પોતાનાં ઘરોમાં ‘લોક’ થઈ ગયા છે. શહેરના એક ચાર રસ્તાથી બીજા ચાર રસ્તા સુધી જવા માટે લોકોને કલાકો લાગી રહ્યા છે. આ ઉપરાંત દૂધ અને બ્રેડ જેવી દૈનિક જરૂરિયાતની વસ્તુઓ મેળવવામાં ઘણી મુશ્કેલી પડે છે. પહેલા આ તસવીર જુઓ… પ્રયાગરાજના 50 વર્ષીય વિદ્યાસાગર મિશ્રાએ કહ્યું… મારા જીવનમાં આજસુધી ક્યારેય મારા ઘરની બહારની શેરીમાં ટ્રાફિકજામ થયો નથી. હું લગભગ 50 વર્ષથી આ શહેરમાં રહું છું, પરંતુ હવે પરિસ્થિતિ એવી છે કે અમે ઘરની બહાર પગપાળા પણ નીકળી શકતા નથી. હવે મહાકુંભનો પ્રચાર બંધ કરી લોકોને અહીં આવતા અટકાવવા જોઈએ. આ દરેકના હિતમાં છે. ફક્ત વિદ્યાસાગર મિશ્રા જ પોતાની પરેશાનીઓ શેર નથી કરી રહ્યા, પરંતુ હવે પ્રયાગરાજમાં વર્ષોથી રહેતા લોકો પણ ખુલ્લેઆમ આ વિશે વાત કરી રહ્યા છે. છેલ્લા કેટલાક દિવસોથી મહાકુંભને કારણે ટ્રાફિકજામના કારણે લોકો પરેશાન થઈ રહ્યા છે. વિવિધ સ્થળોએ બેરિકેડિંગને કારણે લોકો તેમનાં રોજિંદા કામ કરી શકતા નથી. એવું માનવામાં આવતું હતું કે અમૃત સ્નાન પૂર્ણ થયા પછી શહેરમાં ભીડ ઓછી થશે, પરંતુ આવું થયું નહિ. દરરોજ એક કરોડથી વધુ ભક્તો આવી રહ્યા છે. વાંચો પ્રયાગરાજ શહેરના લોકો કઈ સમસ્યાઓનો સામનો કરી રહ્યા છે… શાળાઓ બંધ, કોલેજો અને યુનિવર્સિટીઓ સુધી પહોંચવામાં વિલંબ
શહેરની લગભગ બધી શાળાઓ બંધ છે. બે મહિનાથી આ સ્થિતિ છે. ઓનલાઈન વર્ગો ચાલી રહ્યા છે. વહીવટીતંત્રે પણ જાહેરાત કરી છે કે જો પરીક્ષા ચૂકી જશો તો એ બીજી તારીખે લેવામાં આવશે. વિદ્યાર્થીઓ અને શિક્ષકો સમયસર કોલેજો અને યુનિવર્સિટીઓ પહોંચી શકતા નથી, જેના કારણે અભ્યાસ પર અસર પડી રહી છે. વિદ્યાર્થીઓ કહે છે કે ફક્ત સ્ટડી મટીરિયલથી અભ્યાસ કેમ થશે, જ્યાં સુધી યોગ્ય વર્ગો નહીં ચાલે. વિદ્યાર્થિની હિમાંશી ઉપાધ્યાય કહે છે- મને કોલેજ જવામાં મોડું થાય છે. ઘણાં બાળકો તો જામને કારણે આવી પણ શકતાં નથી. એપ્રિલમાં અમારી પરીક્ષાઓ છે. પ્રોફેસરો પણ સમયસર પહોંચી શકતા નથી, અમારા અભ્યાસમાં મુશ્કેલી પડી રહી છે. ઓટોરિક્ષા પણ મળતી નથી
સ્થાનિક લોકો સામે બીજી એક મોટી સમસ્યા છે. જ્યારે તેમને જરૂર હોય ત્યારે તેમને ઓટો અને ઈ-રિક્ષા પણ મળતી નથી. આ કારણે, તેઓ ક્યાંય જઈ શકતા નથી. વિદ્યાર્થી ઝૈનબ કહે છે, “ઘણી સ્પર્ધાત્મક પરીક્ષાઓ યોજાઈ રહી છે, જેનાં કેન્દ્રો 10 કિમીની અંદર આપવામાં આવ્યાં છે. એ કેન્દ્રો સુધી પહોંચવા માટે લોકોને પરિવહનના અનેક માધ્યમો બદલવા પડે છે. એ પછી પણ કેટલાક લોકો સમયસર પહોંચી શકતા નથી. ઉપરાંત ભારે ભીડ અને ટ્રાફિકજામને કારણે ડિલિવરી એપ્સ પણ શહેરમાં માલ પહોંચાડી રહી નથી. હવે જ્યારે કોઈની તબિયત બગડે છે ત્યારે હોસ્પિટલ પહોંચવું એ એક પડકારથી ઓછું નથી. લોકોને સારવાર લેતાં પહેલાં દસ વાર વિચારવું પડે છે. અતુલ ન્યાયાધીશ કહે છે કે સ્થાનિક લોકો માટે સૌથી વધુ સમસ્યા એ છે કે તેઓ બહાર જઈ શકતા નથી, ના તો કોઈ કામ માટે કે ના કોઈ ફરવા માટે. જો નીકળી પણ શકે તો એક ચાર રસ્તાથી બીજા ચાર રસ્તા સુધી પહોંચવામાં 4-5 કલાક લાગે છે. આ ખૂબ જ મોટો મુદ્દો છે. અતુલ કહે છે કે શહેરમાં ગાડી કાઢવી ખૂબ મુશ્કેલ બની ગઈ છે. ઘણી જગ્યાએ બાઇક ચલાવવી પણ મુશ્કેલ બની ગયું છે. આ ઉપરાંત અહીંના સ્થાનિક લોકો બહારથી આવતા લોકોનું સ્વાગત કરવામાં કોઈ કસર છોડતા નથી. દરેક વ્યક્તિ શક્ય એટલી મદદ કરી રહી છે. જામ અને રસ્તા બંધ થવાને કારણે ધંધો ઠપ, ખરીદદારો મળતા નથી
દુકાનદારોને પણ અનેક પ્રકારની સમસ્યાઓનો સામનો કરવો પડી રહ્યો છે. ઘણી વખત માલના અભાવે તેમને દુકાનો બંધ કરવી પડે છે. ભીડમાં અચાનક વધારો થવાને કારણે દુકાનોમાં સ્ટોક ખતમ થવાના આરે છે. રોજિંદા ઉપયોગની વસ્તુઓ દુકાનો સુધી પહોંચી શકતી નથી. આ કારણોસર મોટા ભાગના દુકાનદારોને તેમની દુકાનો બંધ કરવાની ફરજ પડી છે. દુકાનદાર ધર્મેન્દ્ર ત્રિપાઠી કહે છે, ‘આટલી બધી ભીડને કારણે ધંધામાં ઘણી સમસ્યા આવી રહી છે.’ બધા રસ્તાઓ સીલ કરી દેવાયા છે, કારણ કે બધી ગલીઓ સ્ટેશન તરફ જાય છે. જેના કારણે અવરજવરમાં ઘણી મુશ્કેલી પડે છે. અમારે લાંબો રસ્તો લઇને ફરીને જવુ પડે છે. ઉપરાંત, માલ મગાવવામાં પણ ઘણી સમસ્યા થઈ રહી છે. તેમનું કહેવું છે કે જે કંઈપણ નાની-મોટી વસ્તુઓ લાવી શકાય છે એ પગપાળા લાવવામાં આવે છે, પરિવહનનું બીજું કોઈ સાધન નથી. બધી શેરીઓની શરૂઆતમાં બેરિકેડ્સ લગાવવામાં આવ્યાં છે, જેના કારણે ગ્રાહકો આવી શકતા નથી. હાલમાં ફક્ત 10% વ્યવસાય ચાલી રહ્યો છે. દુકાનદાર અનુજ જયસ્વાલ કહે છે કે જામની સમસ્યા ગંભીર છે. એક મહિનાથી દુકાનમાં કોઈ સામાન નથી આવ્યો. આખી દુકાન ખાલી થઈ ગઈ છે. જો આવું થશે તો લોકોને ખોરાક મેળવવામાં પણ સમસ્યાનો સામનો કરવો પડી શકે છે. આ કારણોસર માલનું કાળાબજાર પણ થઈ રહ્યું છે. દુકાનદારોને ઊંચા ભાવે માલ મળી રહ્યો છે, જેના કારણે તેમને મોટું નુકસાન થઈ રહ્યું છે. લગભગ બધી જ દુકાનો ખાલી છે, ફક્ત દૂધ અને બ્રેડ જ ઉપલબ્ધ છે. વેપારી રાજેશ ચૌરસિયાએ જણાવ્યું હતું કે પ્રયાગરાજની ટ્રાફિક વ્યવસ્થા સંપૂર્ણપણે અસ્તવ્યસ્ત બની ગઈ છે. હવે આટલી મોટી સંખ્યાને જોતાં લાગે છે કે આ આખો મહિનો આ રીતે જ પસાર થશે. 29 જાન્યુઆરીના રોજ મૌની અમાવસ્યાના દિવસે મેળામાં જે ભીડ હતી, તે જ ભીડ આજે પણ જોવા મળે છે. જનતા માની નથી રહી. તેમણે કહ્યું હતું કે અમે જનતાને હાથ જોડીને વિનંતી કરીએ છીએ કે તેઓ આવવાનું ઓછું કરી દે. માતા ગંગા ક્યાંય જવાનાં નથી. તમે બધા પછી આવો અને સંગમમાં સ્નાન કરો. આ સમયે બધે જ ભારે ભીડ છે. પરિવહનના સાધનો ઉપલબ્ધ નથી. પ્રયાગરાજના દુકાનદારોએ ભક્તોની સેવા માટે પોતાનાં વાહનો રસ્તા પર ઉતારી દીધાં છે. શ્રદ્ધાળુઓને પણ ખાવા-પીવા અને ચાલવા અંગે સમસ્યાઓનો સામનો કરવો પડી રહ્યો છે. નોકરી કરતા લોકોને ચારથી પાંચ કલાક વધુ લાગી રહ્યા છે ઓફિસ જતા કર્મચારીઓને બે કલાક વહેલા નીકળવું પડે છે. પાછા ફરવામાં પણ બેથી ત્રણ કલાક વધુ લાગે છે. આવી સ્થિતિમાં સામાન્ય માણસની સામાન્ય કામ કરવાની શિફ્ટ 13-14 કલાકની થઈ ગઈ છે. મેડિકલ સ્ટાફ પૂજા કહે છે, “મહાકુંભને કારણે મારે દરરોજ ઓછામાં ઓછા 7-8 કિલોમીટર કે તેથી વધુ ચાલવું પડે છે. આ કારણે અમે સમયસર હોસ્પિટલ કે ઘરે પહોંચી શકતા નથી. જેના કારણે દર્દીઓને પણ ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. અમે ક્યારેય આટલા બધા ટ્રાફિકની કલ્પના પણ નહોતી કરી. કોર્ટ સુનાવણીમાં પણ મુશ્કેલી વકીલોને જિલ્લા કોર્ટ અને હાઇકોર્ટ સુધી પહોંચવામાં ઘણી મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. આ કારણે કેસોની સુનાવણીમાં પણ સમસ્યાઓ આવી રહી છે. અધિકારીઓ સામે દરરોજ ગંભીર વોરંટ જારી કરવામાં આવી રહ્યા છે અને તેમની સુનાવણીમાં મુશ્કેલીઓ આવી રહી છે. વકીલોનું કહેવું છે કે સરકાર ન તો પ્રયાગરાજમાં ટ્રાફિકજામનો ઉકેલ લાવી રહી છે અને ન તો અહીં આવતા લોકોને સાચો રસ્તો બતાવવામાં સક્ષમ છે. આ સમાચાર પણ વાંચો… મહાકુંભમાં સ્નાન કરતી મહિલાઓના વીડિયો બનાવી વેચ્યા: 60-70 હોસ્પિટલોના ગાયનેકોલોજિસ્ટના CCTV હેક કર્યા; પ્રયાગરાજના યુટ્યૂબર સહિત 3ની ધરપકડ પ્રયાગરાજના એક યુટ્યૂબર સહિત ત્રણ લોકોની શુક્રવારે ગુજરાત પોલીસે ધરપકડ કરી હતી. તેમના પર મહાકુંભમાં સ્નાન કરતી મહિલાઓના વીડિયો બનાવવાનો અને એને યુટ્યૂબ અને ટેલિગ્રામ પર અપલોડ કરવાનો આરોપ છે. પોલીસને શંકા છે કે આ લોકોએ દેશની 60-70 હોસ્પિટલોના સીસીટીવી કેમેરા હેક કર્યા છે. તેઓ ત્યાંના ગાયનેકોલોજિસ્ટની ચેમ્બરમાં મહિલાઓના ચેકઅપના વીડિયો લીક કરે છે. વાંચો સંપૂર્ણ સમાચાર