રાજકોટમાં માધાપર ચોકડી નજીક આયોજિત સર્વજ્ઞાતિય સમૂહલગ્નમાં લગ્ન સમયે જ આયોજકો ગાયબ થઈ જતાં અને લગ્નસ્થળે કોઈ વ્યવસ્થા ન હોવાથી પરણવા આવેલાં વરવધૂ અને તેમનાં પરિવારજનો મુશ્કેલીમાં મુકાયાં હતાં. રાજકોટ ઉપરાંત આસપાસના જિલ્લાઓમાંથી લોકો જાન જોડીને પરણવા પહોંચ્યા હતા, પરંતુ અહીં કોઈ વ્યવસ્થા જ ન હતી અને આયોજકો પણ ગાયબ હતા, જેના કારણે જાન લીલા તોરણે જ પરત ફરવા લાગતાં કન્યાઓ રડી પડી હતી. તો બીજી તરફ પરિવારજનોએ હોબાળો મચાવતાં રાજકોટ પોલીસ દોડી આવી હતી અને માનવતાવાદી વલણ અપનાવી લગ્નની વિધિ સંપન્ન કરાવવાની જવાબદારી લીધી હતી. રાજકોટ પોલીસે લગ્નવિધિ શરૂ કરાવ્યા બાદ જે આયોજક સામે આક્ષેપો થયા તેની સામે ગુનો નોંધવાની તજવીજ શરૂ કરી છે. તો બીજી તરફ આયોજક ચંદ્રેશ છત્રોલાએ પોતાની તબિયત સારી ન હોવાથી હોસ્પિટલમાં એડમિટ હોવાનું ંસ્ટેટસ મૂક્યું હોવાનું જાણવા મળ્યું છે. સમૂહલગ્નના આયોજકોએ વર અને કન્યાપક્ષ પાસેથી 15થી 40 હજાર રૂપિયા ફી પેટે લીધા હોવાનું સામે આવ્યું છે. સમૂહલગ્ન માટે રૂપિયા 15થી 40 હજારની ફી વસૂલવામાં આવી હતી
પ્રાપ્ત વિગત મુજબ, રાજકોટનાં માધાપર ચોકડી નજીક આવેલી ADB હોટલ સામે આવેલા ગ્રાઉન્ડમાં ઋષિવંશી સમાજના નામે 28 સર્વજ્ઞાતિય દીકરીનાં સમૂહલગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું. આ માટે બધા પરિવારો પાસેથી રૂ. 15થી 40,000 ઊઘરાવી લેવામાં આવ્યા હતા જોકે આજે લગ્નના દિવસે સવારથી પરિવારો આવ્યા તો કોઈપણ આયોજકો હાજર હતા નહીં. એના કારણે આ અંગે પોતાની સાથે છેતરપિંડી થયાનો અહેસાસ થતાં આ અંગે પોલીસને જાણ કરવામાં આવી હતી. બનાવની જાણ થતાં હાલ પોલીસ દોડી આવી છે અને સૌપ્રથમ જે લોકોનાં લગ્ન અટક્યાં હોય એ લગ્નો પૂર્ણ કરાવવા માટે પોલીસ દ્વારા કવાયત શરૂ કરવામાં આવી છે. પોલીસે ઘટનાસ્થળે પહોંચી લગ્નવિધિ શરૂ કરાવી
સમૂહલગ્ન સ્થળ પર હોબાળો થતાં રાજકોટનાં એસીપી રાધિકા ભારાઈ, ડીસીપી સજ્જનસિંહ પરમાર સહિતનો પોલીસકાફલો લગ્નસ્થળ પર પહોંચ્યો હતો. આ સમયે કેટલાક વરઘોડિયા તો લીલા તોરણે પરત ચાલ્યા ગયા હતા. પોલીસે સ્થિતિને પારખીને પોતે જ લગ્નવિધિ સંપન્ન કરાવવાની જવાબદારી લીધી હતી અને જે વરઘોડિયા પરત ગયા હતા તેમને બોલાવ્યા હતા અને લગ્નવિધિ શરૂ કરાવી હતી. એસીપી રાધિકા ભારાઈએ કહ્યું હતું કે આયોજકો સામે ગુનો નોંધવામાં આવશે. આયોજક ચંદ્રેશ છત્રોલાએ પોતે હોસ્પિટલમાં દાખલ હોવાનું સ્ટેટસ મૂક્યું
રાજકોટમાં સમૂહલગ્નમાં આવેલા લોકો અને પોલીસ જે આયોજકને લઈ પરેશાન થઈ છે તે આયોજક ચંદ્રેશ છત્રોલાએ સ્ટેટસ મૂકી પોતાની તબિયત સારી ન હોવાનું અને હોસ્પિટલમાં એડમિટ હોવાનો ફોટો મૂક્યો છે. આયોજક સામે કડક પગલાં લેવામાં આવે-વિઠ્ઠલભાઈ
રાજકોટથી દીકરાના લગ્ન કરવા આવેલા વિઠ્ઠલભાઈએ પોતાની વ્યથા ઠાલવતાં જણાવ્યું હતું કે સમૂહલગ્નના નામે આવું ન કરવું જોઈએ. કોઈપણ પ્રકારની વ્યવસ્થા નથી. આયોજકો ફરાર થઇ ચૂક્યા છે. અમારી પાસેથી 40 હજાર રૂપિયા લીધા હતા, પરંતુ અત્યારે લોકોની જાન લીલા તોરણ સાથે પછી ફરવા મજબૂર બની છે. ત્યારે આવા લોકો સામે કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે એ જરૂરી છે. મેં દીકરાના લગ્ન માટે વ્યાજે રૂપિયા લઈને આ લોકોને 40 હજાર રૂપિયા આપ્યા હતા, પણ આયોજકો ફરાર થઈ ગયા છે. અમને કહ્યું હતું- 6 વાગ્યે આવશો એટલે બધું તૈયાર હશે- શિલ્પાબેન
જેઠની દીકરીના લગ્નમાં આવેલાં શિલ્પાબેન બગથરિયા દ્વારા જણાવાયું હતું કે આયોજકોએ બંને પક્ષ પાસેથી રૂ 15-15 હજાર લીધા હતા અને લગ્ન કરવાની સાથે જ મસમોટો કરિયાવર આપવાની વાતો કરી હતી. સવારમાં 6 વાગ્યે અહીં આવશો એટલે બધું તૈયાર હશે. એવી વાતો કરવામાં આવી હતી, પણ અહીં આવ્યા ત્યારે કોઈપણ પ્રકારની વ્યવસ્થા જોવા મળી નહોતી. અને આયોજકો પૈકી કોઈપણ નહીં હોવાથી જાનો પાછી ગઈ હતી અને બધાના અરમાનો પર પાણી ફરી વળ્યું હતું. લગ્ન કરાવવા આવેલા બ્રાહ્મણો પણ પાછા ચાલ્યા ગયા છે. આ અંગે આયોજકો સામે કાર્યવાહી કરવામાં આવે અને તમામ દીકરીઓનાં લગ્ન કરીને કરિયાવર આપવામાં આવે એવી અમારી માગ છે. બધા પાસેથી રૂ. 15થી 30 હજારની ફી લીધી હતી- જયસુખભાઈ
દડવાથી ભાણેજના લગ્ન માટે આવેલા જયસુખભાઈએ જણાવ્યું હતું કે આયોજકોએ 27 દીકરીનાં લગ્નનુ આયોજન કર્યું હતું અને બધા પાસેથી રૂ. 15થી 30 હજાર લીધા હતા, જોકે સવારે અહીં આવ્યા ત્યારે આ સ્થળે પાણીની પણ વ્યવસ્થા નહોતી. કોઈ આયોજક કે કાર્યકરો દેખાયા નહિ. એને લઈને લગ્નના ઉત્સાહ સાથે આવેલા લોકો વીલા મોઢે પરત ફરવા માટે મજબૂર બની ગયા છે. આવા લોકો સામે કડકમાં કડક પગલાં લેવાય એ જરૂરી છે. હાલ પોલીસ આવી છે અને કેટલાક પોલીસ પાસે ફરિયાદ લખાવવા માટે ગયા છે. ત્યારે પોલીસ હવે શું કાર્યવાહી કરે છે એ જોવું રહ્યું. અમે હવે ભત્રીજાના લગ્નની બાકીની વિધિ મંદિરમાં પૂર્ણ કરીશું- મનીષાબેન
ભત્રીજાના લગ્ન માટે આવેલાં મનીષાબેને જણાવ્યું હતું કે અમે 30 હજાર રૂપિયા આયોજકોને આપ્યા હતા. અહીં આવ્યા તો કોઈપણ પ્રકારની વ્યવસ્થા ન હોવાથી પરત ફરીએ છીએ. હવે કોઈ મંદિરમાં જઈને ફેરા સહિત બાકીની વિધિ પૂર્ણ કરાવીશું. આ ખરેખર ખૂબ જ મોટો અન્યાય છે. આ માટે જવાબદારો સામે કડક કાર્યવાહી કરવામાં આવે એ જરૂરી છે. હાલ પોલીસ આવી છે અને પૂછપરછ કરવામાં આવી રહી છે. શિવાજી સેનાની ટીમે કરિયાવરની જવાબદારી લીધી
ઘટનાની જાણ થતા શિવાજી સેનાના પ્રમુખ વિક્રમ સોરાણી ઘટનાસ્થળ પર પહોંચ્યા હતા અને તમામ વરવધૂને જે કરિયાવર આપવાનું થાય છે તે પોતાના તરફથી આપવાની જાહેરાત કરી હતી.