તાલુકાના રાજપારડી પાસે ગુજરાત મિનરલ ડેવલપમેન્ટ કોર્પોરેશન (જીએમડીસી)ની લિગ્નાઇટની ખાણ 9 મહિનાથી બંધ છે અને તેને ધરાર ચાલુ ન કરવાના પ્રયત્નો થઈ રહ્યા હોવાની ગંધ આવી રહી છે. 9 મહિના પહેલાં જમીન ધસી પડવાની દુર્ઘટના બની હતી અને તેમાં એક મશીન ઓપરેટર મશીન સાથે જ જમીનમાં ધસી ગયો હતો અને મૃત્યુ પામ્યો હતો. આ કારણ આગળ ધરીને જીએમડીસીના અધિકારીઓએ આખો પ્રોજેક્ટ જ બંધ કરી દીધો હોવાનો ટ્રાન્સપોર્ટરોએ આક્ષેપ કર્યો છે. બીજી તરફ ખાણમાં હવે કોલસો જ ન હોવાથી કામ બંધ કર્યું હોવાનું એક અધિકારી કહી રહ્યા છે. આમ જુદાં જુદાં કારણો આપીને ખાણકામ બંધ કરાવતાં જીએમડીસી અને તેના અધિકારીઓ શંકાના ઘેરામાં આવ્યા છે. સામે પક્ષે ટ્રાન્સપોર્ટરોનું કહેવું છે કે ખાણમાં હજી પણ 4 લાખ મૅટ્રિક ટન કોલસો છે. 9 મહિનાથી કામ બંધ હોવાથી 4થી 5 હજાર લોકો બેરોજગાર બની ગયા છે અને છેક સુરત અને વાપી સુધી કોલસો પૂરો પાડતાં 400થી વધુ ટ્રકનાં પૈડાં થંભી ગયાં છે. એ સિવાય સરકારને પણ 200 કરોડથી વધુનું નુકસાન થઈ રહ્યું છે. 12 મિલિયન મૅટ્રિક ટનથી વધુ કોલસો કઢાયો, 200 કરોડનું નુકસાન
ખાણમાંથી 2007થી અત્યાર સુધીમાં 12 મિલિયન મૅટ્રિક ટનથી વધારે કોલસો કાઢવામાં આવ્યો છે. 9 મહિનાથી ટ્રકો બંધ પડી જતાં અનેક પરિવારો બેકાર બની ગયા. સરકારને પણ 200 કરોડનું નુકસાન થયું છે.