આગામી 27 ફેબ્રુઆરીના રોજ ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષા શરૂ થઈ રહી છે. ત્યારે પરીક્ષા દરમિયાન વિદ્યાર્થીઓને પડતી મુશ્કેલીઓ અને તણાવને લઈ કેટલાક વિદ્યાર્થીઓ મૂંઝવણમાં હોય છે. આ મૂંઝવણે દૂર કરવા અને પરીક્ષા પૂર્વે અને દરમિયાન ઉદ્ભવતા કેટલાક સવાલો માટે વડોદરા જિલ્લા શિક્ષણાઅધિકારી દ્વારા 11 નિષ્ણાતોની ટીમ બનાવવામાં આવી છે. જેમાં 9 શિક્ષણવિધ અને 2 સાયકોલોજિસ્ટની કાઉન્સિલિંગ ટીમ કામ કરી રહી છે. બાળકો અને વાલીઓના મનમાં ઉદ્ભવતા સવાલોનું નિરાકરણ સાયકોલોજિસ્ટ જોડે મળતું હોય છે. ત્યારે દિવ્ય ભાસ્કર સાયકોલોજિસ્ટ અને કાઉન્સિલર ડૉ. પૂર્વીબેન ભીમાણી પાસે પહોંચ્યું હતું અને તેઓની પાસે આવતા સવાલો અંગે પુછતા ચોંકાવનારી વિગતો સામે આવી હતી. જેમાં વિદ્યાર્થીઓના સૌથી વધુ કોલ માતા-પિતાના પ્રેશર અંગેના મળ્યા હતા. સોશિયલ મીડિયા અને સોસાયટી પ્રેશર ભણતર બગાડે છે
સાઇકોલોજિસ્ટ અને કાઉન્સિલર ડો.પૂર્વીબેન ભીમાણીએ જણાવ્યું હતું કે, હાલમાં આવતા સવાલોમાં સૌથી વધુ સવાલો માતા-પિતાના પ્રેશર વધારે હોવાના આવી રહ્યા છે. આજે સોશિયલ મીડિયાના કારણે માતા-પિતા હોડમાં ઉતરી ગયા છે કે, મારા બાળકનું રીઝલ્ટ સરસ આવે અને હું તેને સોશિયલ મીડિયામાં મૂકી દઉં. આજે બાળકો પર ન માત્ર ભણવાનું પણ પ્રેશર હોય છે સાથે સાથે તેઓ સોશિયલ મીડિયાના ટ્રેપમાં પણ છે એટલે ભણતા ભણતા ખલેલ પહોંચે છે જેના કારણે પહેલાં જેવું ભણાતું નથી. અત્યારે સોશિયલ મીડિયા અને સોસાયટી પ્રેશર ખૂબ જ બાળક ઉપર છે જેના કારણે આવા કોલ મળી રહ્યા છે. ઘરે પહોંચી દીકરીનું કાઉન્સિલિંગ કર્યું
વધુમાં જણાવ્યું હતું હતુ કે, જ્યારે વિદ્યાર્થીઓ વધારે પડતાં સ્ટ્રેસમાં આવી જાય છે ત્યારે વાલીઓના ફોન વધારે આવતા હોય છે. હાલના જ એક વાલીનો કોલ હતો તેમની દીકરી છેલ્લા ત્રણ દિવસથી રૂમની બહાર નહોતી નીકળી ત્યારે તે દીકરીનું અમે ઘરે જઈ કાઉન્સિલિંગ કર્યુ હતું. આ દીકરી ભણવામાં ખુબ જ હોશિયાર હતી, પરંતુ તે એક ડરમાં આવી અને સ્ટ્રેસમાં જતી રહી હતી. જેથી તે ન તો સરખું સૂઈ શકી કે ન તે સરખું ખાઈ શકી જેના કારણે તેને ખૂબ અશક્તિ આવી ગઈ અને મનમાં સતત મારા સપનાનું શું થશે તે સવાલ આવતા. આ અંગેનો કોલ આવતા અમે તાત્કાલિક તેમના ઘરે પહોંચી દીકરીનું કાઉન્સિલિંગ કર્યું હતું. પ્રયત્ન સારો હશે તો ચોક્કસ પરિણામ સારું આવશે
વધુમાં કહ્યું કે, હાલમાં આ દીકરીને અમે સ્ટ્રેસ ફ્રી કરી છે. પરીક્ષા દરમિયાન ડર લાગતો જ હોય છે, પરંતુ આ સમયે હાલમાં બાળકો અને વાલીઓએ સમજવું પડશે કે જે થવાનું છે તે આપણે પ્રયત્નો કરવામાં છે. કોઈ પણ રિઝલ્ટ સાથે ઘણાબધા કરિયર હોય છે. જો ડરથી પરીક્ષા આપીશું તો ચોક્કસ સારા રિઝલ્ટની અપેક્ષા નહીં કરી શકાય, પરંતુ જો મનોબળ મક્કમ કરીશું અને જો પ્રયત્ન સારો હશે તો ચોક્કસ પરિણામ સારું આવશે. પેપર ખરાબ જવાના ડરે આત્મહત્યા સુધીનું પગલું ભરે છે
પરીક્ષામાં પેપર ખરાબ જાય તો વિધાર્થીઓ હતાશ અને નિરાશ થાય છે અને કેટલીક વાર આત્મહત્યા સુધીનું વિચારી લે ત્યારે આ અંગે તેઓએ કહ્યું કે, આવા કિસ્સાઓ ગત વર્ષે આવ્યા હતા, એકાદ પેપર ખરાબ જવાથી નિરાશ થઈ જાય છે અને બાળકોને એવું થાય છે કે, આગળના પેપર ખરાબ જશે તેવું વિચારી વિદ્યાર્થીઓ આવું પગલું ભરતા હોય છે, પરંતુ જીવન એક લાંબો રસ્તો છે જ્યાં અલ્પવિરામ છે પૂર્ણવિરામ નથી. આજે એક પેપર ખરાબ ગયું ત્યારે આવતી કાલનું પેપર સારું જઈ શકે છે. એક પેપર ખરાબ જવાથી બધું જ ખરાબ થવાનું નથી અને જો આખી પરીક્ષા ખરાબ જાય છે, તો પણ શું થશે એ પરીક્ષા તો ફરી આવવાની જ છે. અંદાજિત 80થી વધુ કોલ મળી રહ્યા છે
જીવનમાં કોઈ પણ પ્રકારની પરીક્ષાઓ હોય તેના માટે આપણે માનસિક તૈયાર રહી પરીક્ષા આપવી જોઈએ. આ અંગે અમને રોજના 7થી 8 કોલ આવી રહ્યા છે અને અમારી ટીમમાં 11 વ્યક્તિ છે એટલે રોજના અંદાજિત 80થી વધુ કોલ મળી રહ્યા છે.