પલસાણા વિસ્તારમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. જેમાં એક એપાર્ટમેન્ટમાં રહેતા પરિવારની ત્રણ વર્ષની બાળકી ઘર નીચે રમી રહી હતી. ત્યારે પરિવારના પરિચિતે તેનું અપહરણ કર્યું હતું. એટલું જ નહિ, આરોપીએ પરિવારને ફોન કરી માંગણી કરી હતી કે, તેણે બાળકીના પરિવારને આપેલા 8 લાખ રૂપિયા પરત કરો અથવા બાળકીની માતા સાથે લગ્ન કરાવી આપો. બાળકીની માતા સાથે લગ્ન કરવાની આરોપીની માગ
મળતી માહિતી મુજબ, પલસાણા વિસ્તારમાં એપાર્ટમેન્ટમાં રહેતા પરિવારની 3 વર્ષની બાળકી ઘરની નીચે રમી રહી હતી. આ દરમિયાન પરિવારનો પરિચિત આરોપી જાનમહંમદ શાહ બાળકીને મોટરસાઈકલ પર બેસાડી તેનું અપહરણ કરી લઇ ગયો હતો. જે બાદ આરોપીએ પરિવારને ફોન કરી બાળકીની માતા સાથે લગ્ન કરવાની માંગણી કરી હતી. તેણે જણાવ્યું હતું કે, તેણે બાળકીના પરિવારને આપેલા 8 લાખ રૂપિયા તેને પરત કરવામાં આવે અથવા તો બાળકીની માતા સાથે તેના લગ્ન કરાવી આપવામાં આવે. રૂપિયા આપવાના બહાને બોલાવી દબોચ્યાં
પરિવારે આ અંગે પોલીસમાં જાણ કરતાં પલસાણા પોલીસ અને સુરત જિલ્લા એલસીબીએ તાત્કાલિક કાર્યવાહી કરી હતી. પોલીસે બાળકીના પરિવાર સાથે સતત સંપર્કમાં રહી આરોપીઓને પકડવા માટે યોજના બનાવી હતી. જે યોજના મુજબ આરોપીઓને કામરેજ ચાર રસ્તા પર રૂપિયા આપવાના બહાને બોલાવવામાં આવ્યા હતા. જ્યાં પોલીસે તેમની ધરપકડ કરી બાળકીને સુરક્ષિત રીતે તેના પરિવારને સોંપી હતી. ત્યાર બાદ પોલીસે મુખ્ય આરોપી જાન મંહમદ જહુદ્દીશાહ (ઉં.32, મૂળ યુપી) અને તેના મિત્ર દિલીપ પરસિંગ કટારા (મૂળ રાજસ્થાન)ની ધરપકડ કરી હતી. જૂની અદાવતમાં અપહરણ
સુરત ગ્રામ્ય પોલીસવડા હિતેશ જોયસરે જણાવ્યું હતું કે, પલસાણા પોલીસની હદમાં આવેલા એપાર્ટમેન્ટ નીચે ત્રણ વર્ષની બાળકી રમી રહી હતી. તે દરમિયાન પરિવાર સાથે અવારનવાર સંપર્કમાં રહેતા જાન મહમંદ શાહે બાળકીને ફોસલાવીને પોતાની બાઇક પર બેસાડી તેનું અપહરણ કર્યું હતું. જેને પગલે પરિવારે પોલીસનો સંપર્ક કર્યો હતો. જેથી સુરત ગ્રામ્ય પોલીસ તુરંત કામે લાગી હતી. જૂની અદાવતમાં આ અપહરણ કર્યું હોવાનું સામે તપાસમાં આવ્યું હતું. ફરિયાદીએ આરોપી સાથે તેમની દીકરીના લગ્ન કરાવવાની વાત કરી હતી પણ લગ્ન કર્યા ન હતા. આ સાથે જ આરોપીએ ફરિયાદીને 8 લાખ જેટલી રકમની મદદ કરી હતી. જેથી આરોપીએ પૈસા અથવા લગ્ન કરાવવાની માગ સાથે આ કૃત્ય કર્યું હોવાનું સામે આવ્યું હતું. પોલીસે તાત્કાલિક ધોરણે ફરિયાદી પરિવારની સાથે રહી ગણતરીની કલાકોમાં જ દીકરી હેમખેમ પરિવારને પરત કરી હતી. જે અનુસંધાને પોલીસે બે આરોપીની ધરપકડ કરી છે.