કમાવવા ગયા હતા ડૉલર પણ ક્રિમિનલની જેમ પાછા આવ્યા. જમીન-મકાન વેચીને પૈસા ભેગા કરી અમેરિકામાં વસવાના સપના જોયા પણ નસીબમાં ખાલી હાથ હતા. જંગલ-નદી પાર કરી જીવ જોખમમાં મૂકી યુએસ પહોંચ્યા પણ જિંદગી તો વતનમાં જ ગુજારવી પડશે. આ વ્યથા અનેક ગુજરાતીઓની છે, જેમને અમેરિકાથી ભારે હૃદયે પાછા આવવું પડ્યું છે. ડૉલરિયા દેશ અમેરિકામાં હાલ તણાવનો માહોલ છે. પ્રેસિડન્ટની ચૂંટણીમાં આપેલા વચન મુજબ ડોનાલ્ડ ટ્રમ્પે ગેરકાયદે લોકો પર સખત કાર્યવાહી શરૂ કરી દીધી છે. ગેરકાયદે લોકોને સાંકળ બાંધી ક્રિમિનલની જેમ ટ્રીટ કરીને તેમના દેશમાં નિકાલ કરવામાં આવી રહ્યા છે. છેલ્લાં કેટલાક વર્ષોથી ભારતીયો અને તેમાંય ખાસ કરીને ગુજરાતીઓને યુએસનો જબરદસ્ત ચસ્કો લાગ્યો છે. એક અંદાજ પ્રમાણે હાલ અમેરિકામાં 7.75 લાખ ઇલીગલ ભારતીયો વસી રહ્યા છે. દર વર્ષે અંદાજે 90 હજાર ભારતીયો અમેરિકી બોર્ડર પર ઘૂસતા ઝડપાય છે. ટ્રમ્પ સરકારની ઐતિહાસિક કાર્યવાહીથી ગેરકાયદે વસતા લોકોમાં જબરદસ્ત ફફડાટ ફેલાયો છે. ત્યારે દિવ્ય ભાસ્કરे પાંચ એપિસોડની ખાસ સિરીઝ ‘ડૉલર ડ્રીમ્સ’ તૈયાર કરી છે. આવતી કાલ 24મી ફેબ્રુઆરી, સોમવારથી સતત પાંચ દિવસ સુધી વિવિધ વિષયો પર એક્સક્લૂસિવ સ્ટોરી વાંચવા મળશે.