એડવોકેટ અમિતા સચદેવે નવી દિલ્હી પોલીસને એક ઈ-મેલ મોકલીને પોપ્યુલર કોમેડિયન અને ‘બિગ બોસ 17’ ના વિજેતા મુનાવર ફારૂકી વિરુદ્ધ ફરિયાદ નોંધાવવાની માગ કરી છે. તેઓએ કોમેડિયન પર અશ્લીલતા ફેલાવવાનો અને ધાર્મિક લાગણીઓને ઠેસ પહોંચાડવાનો આરોપ લગાવ્યો છે. એડવોકેટ અમિતા સચદેવે પ્લેટફોર્મ X (અગાઉ ટ્વિટર) પર પોસ્ટ કરીને ફરિયાદ વિશે માહિતી આપી છે. તેમણે લખ્યું છે. મુનાવર ફારૂકી વિરુદ્ધ ફરિયાદ દાખલ કરવામાં આવી છે. મેં જિયો હોટસ્ટાર પર પ્રસારિત થતા તેના શો ‘હપતા વસૂલી’ માટે રીઢા ગુનેગાર મુનાવર ફારુકી વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે.’ ‘અમે ભારતીય દંડ સંહિતાની કલમ 196, 299 અને 353 હેઠળ ફરિયાદ નોંધાવી છે, ઉપરાંત અશ્લીલતા ફેલાવવા, અનેક ધર્મોની મજાક ઉડાવવા, સાંસ્કૃતિક મૂલ્યોની મજાક ઉડાવવા અને લોકોને ગેરમાર્ગે દોરવા બદલ IT કલમો પણ દાખલ કરી છે.’ ફરિયાદી અમિતાએ કહ્યું છે કે, તેમણે આ ફરિયાદ નવી દિલ્હી પોલીસને મેલ દ્વારા આપી છે, તેઓ સોમવારે તેની નકલ પોતે સબમિટ કરશે. અમિતાએ પોતાની પોસ્ટમાં લખ્યું છે કે, જો મુનાવર સામે કાર્યવાહી નહીં થાય તો તે કોર્ટમાં જશે અને ન્યાયની માગ કરશે. સોશિયલ મીડિયા પર શો ‘હપ્તા વસૂલી’ પર પ્રતિબંધ મૂકવાની માગ થઈ છેલ્લા કેટલાક સમયથી, શોની ઘણી ક્લિપ્સ વાયરલ થઈ રહી છે, જેમાં મુનાવર ફારુકી અપશબ્દોનો ઉપયોગ કરતો અને અશ્લીલ ટિપ્પણીઓ કરતો જોવા મળે છે. ઘણા લોકો આ શોની ટીકા કરી રહ્યા છે અને તેના પર પ્રતિબંધ મૂકવાની માગ કરી રહ્યા છે. એક યુઝરે લખ્યું છે કે,- ‘હિન્દુઓની ભાવનાઓ પર હુમલો થઈ રહ્યો છે. રીઢા ગુનેગાર મુનાવર ફારૂકીનો હિન્દુ સંસ્કૃતિ અને દેવી-દેવતાઓ પર હુમલો કરવાનો રેકોર્ડ છે. Jio Hotstar ને હિન્દુ ભાવનાઓનું સન્માન કરીને ‘હપ્તા વસૂલી’ શો બંધ કરવાની અપીલ છે. જ્યારે બીજા એક યુઝરે લખ્યું છે કે, અમે Jio Hotstar પર સ્ટ્રીમ થઈ રહેલા Hafta Vasooli પર તાત્કાલિક પ્રતિબંધ મૂકવાની અપીલ કરીએ છીએ. આ શોમાં, મુનાવર અપશબ્દોનો ઉપયોગ કરી રહ્યો છે, જે લોકોના દૃષ્ટિકોણથી અસ્વીકાર્ય છે. સ્ટ્રીમિંગ પ્લેટફોર્મ્સે જવાબદારીપૂર્વક કાર્ય કરવું જોઈએ. મુનાવર આ કારણોસર વિવાદોથી ઘેરાયેલો રહ્યો છે- ગયા વર્ષે, એક સ્ટેન્ડ-અપ કોમેડી શો દરમિયાન, મુનાવર ફારુકીએ કોંકણી સમુદાય વિરુદ્ધ વાંધાજનક ટિપ્પણી કરી હતી. ભાજપના નેતાએ મુનાવરને માર મારનાર વ્યક્તિને 1 લાખ રૂપિયા આપવાની જાહેરાત પણ કરી. વિવાદ વધતાં, કોમેડિયનએ એક વીડિયો જાહેર કર્યો અને માફી માગી હતી. ગયા વર્ષે મુંબઈના એક હુક્કા પાર્લરમાં દરોડા પાડીને મુનાવરની ધરપકડ કરવામાં આવી હતી. જોકે, પૂછપરછ બાદ તેને છોડી દેવામાં આવ્યો હતો. મુનાવર ફારુકીને ઇન્દોરના એક કાફેમાં બોલાવવામાં આવ્યો હતો. આ વાતની જાણ થતાં જ, હિન્દુ સંગઠનોના નેતાઓએ યુટ્યુબ પર હિન્દુ ધર્મ પરની તેમની કોમેડી અને ધાર્મિક લાગણીઓ ભડકાવનાર શો જોઈને ટિકિટ ખરીદી અને શોમાં હાજરી આપી. આ શોમાં સ્ટેન્ડ અપ કોમેડી માટે, પ્રિયમે પોતે શહેરના આરાધ્ય દેવ વિશે વાહિયાત કોમેડી કરવાનું શરૂ કર્યું. શો શરૂ થતાંની સાથે જ હિન્દુ સંગઠન હિન્દુ રક્ષકના નેતાઓએ કોમેડિયન મુનાવર સહિત તમામ કોમેડી આર્ટિસ્ટને માર માર્યો અને પોલીસ સ્ટેશન લઈ ગયા. જે બાદ બધાને જેલમાં મોકલી દેવામાં આવ્યા અને ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. નોંધનીય છે કે, ‘હપ્તા વસૂલી’ એ ન્યૂઝ બુલેટિન ફોર્મેટમાં એક કોમેડી રોસ્ટ શો છે. આ શોમાં મુનાવર સાથે સાકિબ સલીમ પણ જોવા મળે છે. આ શો 14 ફેબ્રુઆરીથી Jio Hotstar પર સ્ટ્રીમ થઈ રહ્યો છે. 2022 માં, મુનાવરે કંગના રનૌતના રિયાલિટી શો ‘લોક અપ’ માં ભાગ લીધો હતો. તે તેની સિઝન 1 નો વિજેતા પણ રહ્યો હતો. આ પછી, તે ગયા વર્ષે ‘બિગ બોસ 17’નો વિજેતા પણ બન્યો.