રાજકોટ મહાનગરપાલિકા દ્વારા તાજેતરમાં વર્ષ 2025-26નું રૂ. 3118 કરોડનું બજેટ મંજુર કરવામાં આવ્યું છે. જેમાં ભાજપનાં શાસકો દ્વારા રૂ. 150 કરોડનો વધારાનો કરબોજ હટાવી લેવામાં આવ્યો છે. આ સાથે જ કેટલાક મહત્ત્વનાં નિર્ણયો લેવામાં આવ્યા છે. જે અંતર્ગત તારીખ 1 એપ્રિલથી જન્મ લેનાર દરેક બાળકનાં નામનું એક વૃક્ષ રોપવામાં આવનાર છે. રાજકોટમાં દરવર્ષે 30-35 હજાર બાળકો જન્મ લે છે. આ તમામ બાળકોનાં નામનું એક વૃક્ષ રોપવામાં આવતા દર વર્ષે ઓછામાં ઓછા 30-35 હજાર નવા વૃક્ષો રોપવામાં આવશે. જીયો ટેગીંગનાં માધ્યમથી જે-તે બાળકના પરિવારને આ અંગેની જાણ કરવામાં આવશે. તેમજ મનપા દ્વારા વૃક્ષનું જતન કરીને દર ત્રણ મહિને વૃક્ષનાં વિકાસ અંગેનો પ્રોગ્રેસ રિપોર્ટ પણ મોકલવામાં આવશે. બાળકના નામનું એક વૃક્ષ રોપવામાં આવશે
સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન જયમીન ઠાકરે જણાવ્યું હતું કે, રાજકોટ મનપા દ્વારા નવા નાણાકીય વર્ષમાં મહત્ત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. જે અંતર્ગત રાજકોટમાં જન્મ લેનાર પ્રત્યેક બાળકનાં નામ સાથે જ એક વૃક્ષ વાવવામાં આવશે. રાજકોટ શહેરમાં દરવર્ષે 30થી 35,000 જેટલા બાળકોનો જન્મ થાય છે. જેના બર્થ સર્ટીફીકેટ મનપામાં ઇશ્યુ થાય છે. આ બર્થ સર્ટીફીકેટ સાથે જ બાળક અને બાળકીના નામનું એક વૃક્ષ મનપાનાં ભાજપનાં શાસકો દ્વારા રોપવામાં આવશે. એટલું જ નહીં તેનું જતન પણ અમારા દ્વારા કરવામાં આવશે. જીયો ટેગીંગનાં માધ્યમથી બાળકના પરિવારને જાણ કરાશે
વધુમાં તેમણે જણાવ્યું કે, જીયો ટેગીંગનાં માધ્યમથી બાળકના પરિવારને જાણ કરવામાં આવશે કે કઈ જગ્યા ઉપર તેમના બાળકના નામનું વૃક્ષ રોપાયું છે. એટલું જ નહીં દર ત્રણ મહિને પરિવારને આ વૃક્ષનાં વિકાસ અંગે જાણકારી આપવામાં આવશે. અમારો ઉદ્દેશ રાજકોટને ગ્રીન અને ક્લીન બનાવવાનો છે જેના માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે. આ નિર્ણયથી લોકો પણ અમારી સાથે જોડાશે. આવા હકારાત્મક અભિગમ સાથે અમે આગામી 1 એપ્રિલથી જન્મ લેનાર તમામ બાળકોના નામની પ્લેટ સાથેનું વૃક્ષ રોપીશું. બાળકોના નામની તકતી સાથે વૃક્ષારોપણ કરી જતન કરાશે
આ પ્રકારના વૃક્ષો વાવવાથી પર્યાવરણને તો લાભ થશે જ પણ જ્યારે આ બાળક જ્યારે મોટું થાય ત્યારે પુત્ર હોય કે પુત્રીને પણ એમ થશે કે મારા નામનું વૃક્ષ સરકાર એટલે કે મનપાએ રોપ્યું છે. કોઈપણ સરકારી કચેરીઓ પ્રજાના પૈસે ચાલતી હોય છે. ભાજપ શાસકો ખુરશીને હંમેશા સેવાનું માધ્યમ ગણે છે. ત્યારે વધુમાં વધુ લોકો સ્વયંભૂ રીતે અમારી સાથે જોડાય તેના માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે. આ માટે કોઈ ચોક્કસ જગ્યા નક્કી કરવામાં આવી નથી, પરંતુ રાજકોટ શહેરમાં જ્યાં પણ જગ્યા મળશે ત્યાં જન્મ લેનારા બાળકોના નામની તકતી સાથે વૃક્ષારોપણ કરી તેનું જતન કરવામાં આવશે. 1 એપ્રિલથી બજેટમાં થયેલી જોગવાઈઓ અમલમાં આવશે
ઉલ્લેખનીય છે કે, સૌપ્રથમ મ્યુ. કમિશ્નર તુષાર સુમેરા દ્વારા રૂ. 150 કરોડના વધારાના કરબોજ સાથેનું કુલ રૂ. 3112 કરોડનું બજેટ રજૂ કરવામાં આવ્યું હતું. જોકે સ્ટેન્ડિંગ કમિટી દ્વારા કરબોજ હટાવી લઈને કેટલીક મહત્ત્વની યોજનાઓ સામેલ કરવામાં આવી હતી. બજેટનું કદ વધારીને રૂ. 3118 કરોડનું કરવામાં આવ્યું હતું. આ બજેટને જનરલ બોર્ડ દ્વારા પણ બહાલી આપી દેવામાં આવી છે. જેને લઈને આગામી 1 એપ્રિલથી આ બજેટમાં થયેલી તમામ જોગવાઈઓનો અમલ પણ શરૂ કરી દેવામાં આવશે. જેમાં સૌપ્રથમ જન્મનાર બાળકના નામનું વૃક્ષ રોપવાના આ નિર્ણયનાં અમલનો પ્રારંભ કરવામાં આવશે.