ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા 27 મી ફેબ્રુઆરીથી ધોરણ 10 અને 12 ની પરીક્ષા શરૂ થઈ રહી છે ત્યારે આજે રાજકોટના ચૌધરી હાઈસ્કૂલ ખાતે આવેલા સ્ટ્રોંગ રૂમ પરથી સૌરાષ્ટ્ર અને કચ્છના 11 જિલ્લાના 25 ઝોનના 2 લાખ જેટલા પ્રશ્નપત્રોનું આજે સવારથી એસટી બસોમાં વિતરણ શરૂ કરવામાં આવ્યું હતું. જેમાં જે – તે જિલ્લા સુધીની એસટી બસમાં પ્રશ્નપત્રો અને પરીક્ષાલક્ષી સાહિત્યના બંધ સીલ પેક કવરમાં વિતરિત કરવામાં આવ્યા હતા જેમાં એક બસમાં એક પોલિસ જવાન બંદોબસ્ત માટે રાખવામાં આવ્યો હતો. ગુજરાત રાજ્યના શિક્ષણ વિભાગના પૂર્વ નાયબ નિયામક અને સૌરાષ્ટ્ર ઝોનના પ્રશ્નપત્રોના રાજકોટથી વિતરણ માટેના ઇન્ચાર્જ આર. એસ. ઉપાધ્યાયે જણાવ્યું હતું કે, ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા બોર્ડની પરીક્ષા માર્ચના બદલે ફેબ્રુઆરી એન્ડમાં લેવાનો અભૂતપૂર્ણ નિર્ણય કર્યો છે. જેથી વિદ્યાર્થીઓના ધોરણ 10 અને 12 ના પરિણામો પણ વહેલા આવશે. આ વખતે બોર્ડની પરીક્ષા આપતા તમામ વિદ્યાર્થીઓને શુભેચ્છા આપી હતી. સૌરાષ્ટ્ર-કચ્છના 11 જિલ્લાઓમાં પ્રશ્નપત્રો રવાના કરાયા
આ સાથે જ તેમણે જણાવ્યું હતું કે રાજકોટના ચૌધરી હાઈસ્કૂલ ખાતે આવેલા 4 જેટલા સ્ટ્રોંગ રૂમમાં સૌરાષ્ટ્ર – કચ્છના 11 જિલ્લાના બોર્ડના પ્રશ્નપત્રો સિલ કરી સાથે રાખવામાં આવ્યા હતા. જેનું આજે સવારથી વિતરણ શરૂ કરાયું હતું જેમાં અમરેલી, ભાવનગર, જામનગર, જૂનાગઢ, ગીર સોમનાથ, દેવભૂમિ દ્વારકા, કચ્છ, સુરેન્દ્રનગર અને પોરબંદર જિલ્લાના ધોરણ 10 ના પ્રશ્નપત્રો આજે આખા દિવસ દરમિયાન મોકલવામાં આવશે તો આવતીકાલે સવારથી રાજકોટ અને મોરબી જિલ્લા ખાતે પોલીસ બંદોબસ્ત સાથે એસટી બસમાં પ્રશ્નપત્રો મોકલવામાં આવશે. રાજકોટમાં 65 કેન્દ્રો પર પરીક્ષા યોજાશે
ઉલ્લેખનીય છે કે, રાજકોટમાં 65 કેન્દ્રોના 308 બિલ્ડિંગના 2,753 બ્લોક પરથી 76,312 વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે. જે સંખ્યા ગત વર્ષે 80,956 હતી એટલે કે ગત વર્ષની તુલનામાં આ વર્ષે 4,644 નો ઘટાડો નોંધાયો છે. તમામ પરીક્ષા કેન્દ્રો સીસીટીવીથી સજ્જ છે. એક પણ પરીક્ષા કેન્દ્ર ઉપર ગેરરીતિ ન થાય તે માટે જિલ્લાના વર્ગ 1 અને 2 ના અધિકારીઓને ફરજ સોંપવામાં આવશે. જેઓએ પૂરો સમય એટ્લે કે પરીક્ષા શરૂ થાય ત્યારથી પૂર્ણ થાય ત્યાં સુધી હાજર રહેવાનો આદેશ છે. જ્યારે રાજકોટ જિલ્લા કંટ્રોલ રૂમની સાથે હેલ્પ લાઈન નંબર પણ જાહેર કરવામાં આવેલા છે. રાજકોટમાં 27 મી ફેબ્રુઆરીથી બોર્ડની પરીક્ષા શરૂ થવાની છે. જેમાં ધોરણ 10 માં 40 કેન્દ્રોના 180 બિલ્ડીંગના 1,583 બ્લોક પરથી 45,421 વિદ્યાર્થીઓ, વિજ્ઞાન પ્રવાહમાં 6 કેન્દ્રોના 91 બિલ્ડિંગના 781 બ્લોક પરથી 7,684 વિદ્યાર્થીઓ તથા સામાન્ય પ્રવાહમાં 19 કેન્દ્રોના, 37 બિલ્ડિંગના 389 બ્લોક પરથી 23,207 વિદ્યાર્થીઓ પરીક્ષા આપવાના છે. એટ્લે કે 65 કેન્દ્રોના 308 બિલ્ડિંગના 2,753 બ્લોક પરથી 76,312 વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે.ગત વર્ષે ધોરણ 10 માં 45,680, ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહમાં 8,015 અને રીપીટર 609, જ્યારે ધોરણ 12 માં સામાન્ય પ્રવાહમાં 26,652 એટ્લે કે કુલ 80,956 વિદ્યાર્થીઓએ બોર્ડની પરીક્ષા આપી હતી. ધોરણ 10 અને 12 સાયન્સની પરીક્ષા 27 ફેબ્રુઆરીથી 10 માર્ચ સુઘી ચાલશે. જયારે 27 ફેબ્રુઆરીથી 17 માર્ચ સુધી ચાલશે. પરીક્ષા દરમિયાન કોઈપણ પ્રકારની ગેરેરીતિ ન થાય તે માટે બોર્ડની ખાસ સ્કવોર્ડ રાખવામાં આવશે. આ ઉપરાંત જિલ્લાના વર્ગ 1 અને 2 ના અધિકારીઓની ખાસ તકેદારી અધિકારી તરીકે નિમણૂક કરવામાં આવશે. આ ઉપરાંત જિલ્લાના કંટ્રોલ રુમનો નંબર જાહેર કરવામાં આવેલો છે. જે કરણસિંહજી સ્કૂલ ખાતે 26 ફેબ્રુઆરીથી 17 માર્ચ સુધી રજાના દિવસો સિવાય સવારે 7 થી 1.30 અને બપોરે 1.30 થી રાત્રે 8 વાગ્યા સુધી કાર્યરત રહેશે જેનો નંબર 76229 21173 રાખવામાં આવેલો છે. બોર્ડની વેબ સાઈટ, સ્ટેટ કંટ્રોલ રુમ નંબર, ટોલ ફ્રી નંબર જાહેર બોર્ડની વેબસાઈટ : www.gseb.org Toll Free: 1800-233-5500 જીવન આસ્થા Toll Free: 1800-233-3330 સ્ટેટ કંટ્રોલ રૂમ સંપર્ક નંબર: 99090 38768, 079-23220538 રાજકોટ જિલ્લાના વિદ્યાર્થીઓ માટે શહેર અને તાલુકા વાઇસ 10 હેલ્પ લાઈન સેન્ટર અને સંયોજકના નંબર જાહેર મહર્ષી ભારદ્વાજ સંકુલ – ઉપલેટા – પરેશભાઇ એમ પટેલ, વી. પી ઘેટીયા હાઇસ્કૂલ, ઉપલેટા (94292 43888) મહર્ષી ગૌતમ સંકુલ – રાજકોટ – સંજયભાઇ પંડયા, શ્રી હ. લ. ગાંધી વિદ્યાલય રાજકોટ (99250 30310) મહર્ષી વશિષ્ટ સંકુલ – જેતપુર – વી. ડી. નૈયા. જલારામ હાઇસ્કુલ, વિરપુર (92283 69794) મહર્ષી વિશ્વામિત્ર સંકુલ- ગોંડલ, કોટડા સાંગાણી – એસ સી બરોચીયા, અમૃતિયા હાઇસ્કુલ, ત્રાકુડા, (98795 33069) મહર્ષી મૈત્રય સંકુલ – જસદણ, વિંછીયા – જી. ડી. પટેલ સ.મા.શાળા દેવપરા (97276 97670) સ્વામિ વિવેકાનંદ સંકુલ – રાજકોટ – ડૉ. સોનલબેન ફળદુ, શ્રીમતી સરોજીની નાયડુ ગર્લ્સ હાઇસ્કુલ, રાજકોટ (92282 74695) મહર્ષી સાંદીપની સંકુલ – રાજકોટ – જલ્પાબેન ચાવડા. શ્રી લાલ બહાદુર શાસ્ત્રી કન્યા વિદ્યાલય, રાજકોટ (98248 29655) મહર્ષી ભગીરથ સંકુલ – રાજકોટ શહેર, તાલુકો – શૈલેષભાઇ વોરા, માસુમ વિદ્યાલય, રાજકોટ (92275 90333) મહર્ષિ દધિચિ સંકુલ – ધોરાજી, જામકંડોરણા – મહેશકુમાર મકવાણા, ભગવતસિંહજી હાઇસ્કુલ, ધોરાજી (98252 95016) મહર્ષિ જમદગ્નિ સંકુલ-રાજકોટ, પડધરી, લોધીકા – જે પી વસોયા, એ એસ ચૌધરી હાઇસ્કુલ, રાજકોટ (94279 04609)