રાજકોટમાં ગઈકાલે (22 ફેબ્રુઆરી) ઋષિવંશી સમાજ સેવા સંઘના નેજા હેઠળના સર્વજ્ઞાતિ સમૂહલગ્ન હતાં. 28 વરઘોડિયા સાથેની જાન જ્યારે લગ્ન સ્થળે પહોંચી ત્યારે અહીં કોઈપણ પ્રકારનું આયોજન નહોતું. જાન લઈને આવેલા લોકોએ તપાસ કરતા સમૂહલગ્નના આયોજકો પૈસા લઈને ફરાર થઈ ગયાની જાણ થઈ હતી. ભારે હોબાળો થતા પોલીસ દોડી આવી હતી અને કેટલાંક વર-વધુના લગ્ન કરાવ્યાં હતાં. આ સમયે વરઘોડિયા સાથે આવેલા જાનૈયાને કેવી રીતે જમાડવા તે પ્રશ્નો ઉઠ્યો હતો. ત્યાં જ બોલબાલા ટ્રસ્ટ મદદે આવ્યું હતું અને લગ્નમાં પીરસવામાં આવે તે પ્રકારનું ભોજન 570 લોકોને પીરસાયું હતું. આ એજ ટ્રસ્ટ છે જેને કોરોના કાળમાં લોકડાઉન દરમિયાન 20 લાખ લોકોને ભોજન પીરસી વર્લ્ડ રેકોર્ડનો એવોર્ડ જીત્યો હતો. રાજકોટવાસીઓનું સંકટ અમારુ ગણાય: જયેશભાઈ
રાજકોટના મિલપરામાં 35 વર્ષથી કાર્યરત બોલબાલા ટ્રસ્ટના સંચાલક જયેશભાઈ ઉપાધ્યાય દિવ્ય ભાસ્કરને જણાવ્યું હતું કે, રાજકોટવાસીઓ પર આવતા સંકટ એ અમારા પરના સંકટ ગણાય. કુદરતી આપત્તિઓ આવે કે અન્ય કોઈપણ બાબત, દરેક વખતે બોલબાલા ટ્રસ્ટની સેવાની સુવાસ રાજકોટ શહેરમાં કાયમ ફેલાતી રહે છે. કોરોના જેવા કપરા કાળમાં આ ટ્રસ્ટ દ્વારા અનેક સેવાકીય કાર્યો કરવામાં આવ્યા હતા. જેમાં લોકડાઉન દરમિયાન 20 લાખ લોકોને ભોજન આપી ગિનીસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડનો એવોર્ડ મેળવેલો છે. અહીં દરરોજ 3000 લોકોનું ભોજન બનાવી શકાય તેવું રસોડુ છે અને તેમાં 35થી વધુ રસોઈયા સહિતના કાર્યકર્તાઓ છે. કોરોના કાળમાં ઑક્સિજનના બાટલાની અછત હતી, ત્યારે દર્દીઓ માટે રાહત દરે ઓક્સિજનના સિલિન્ડર પણ આપવામાં આવ્યા હતા. ‘45 મિનિટમાં ભોજન સાથે અમારા કાર્યકર્તાઓ પહોંચ્યાં’
ગઈકાલે પણ જ્યારે સવારે 11:00 વાગ્યે અમને ખબર પડી કે, સમૂહ લગ્નમાં આવેલા 28 વર- કન્યા સાથેની જાન આયોજકો ભાગી જવાને કારણે મુશ્કેલીમાં મુકાઈ ગઈ છે. તો ત્યારે થોડો પણ વિલંબ કર્યા વિના 45 મિનિટ બાદ બોલબાલા ટ્રસ્ટના કાર્યકર્તાઓ ભોજન સાથે ત્યાં પહોંચી ગયા હતા અને જાનૈયાઓ સહિત 570 જેટલા લોકોને રોટલી, દાળ-ભાત, શાક, ફ્રૂટ ડીશ, ટોમેટો સૂપ, જાંબુ સહિતના વ્યંજનો સાથેની ડીશ જમાડવામાં આવી હતી. આ ભોજન તૈયાર કરવા માટે 35 કાર્યકર્તાની ટીમ કામે લાગી હતી. જેમાં અમારે દરરોજ 3000 લોકોનુ ભોજન તો બને જ છે તે ભોજન આ જાનૈયાઓ માટે કામ આવી ગયું. હરતું ફરતું દવાખાનું રૂ. 10માં કરે છે સારવાર
રાજકોટનું બોલબાલા ટ્રસ્ટ છેલ્લા 35 વર્ષથી સેવાની સુવાસ ફેલાવી રહ્યું છે. 200 કાર્યકર્તાઓ સાથેની ટીમ દ્વારા દરરોજ 3000 લોકોનું ભોજન તૈયાર કરવામાં આવે છે અને તે સ્લમ વિસ્તારમાં લોકો સુધી પહોંચાડવામાં આવે છે. આ સાથે 70 જગ્યાએ આવેલા રોટી બેંકના સેન્ટર થકી 3000થી વધુ રોટી એકત્રિત થાય છે, જે સ્લમ વિસ્તારના ગરીબ લોકો સુધી પહોંચાડવામાં આવે છે. હરતું-ફરતું અન્ન ક્ષેત્રની 5 વાન રાજકોટ શહેરના સ્લમ વિસ્તારમાં ફરે છે અને ત્યાં ગરીબો અને મજૂર વર્ગને દરરોજ ભોજન પૂરું પાડે છે. આ ઉપરાંત મેડિકલ ડિસ્પેન્સરી છે. એટલે કે, હરતું ફરતું દવાખાનું છે, જે સ્લમ વિસ્તારમાં ફરે છે અને તેમાંથી રૂ. 10માં કોઈ પણ રોગની 3 દિવસની દવા આપવામાં આવે છે. દર્દીના પરિવાર માટે રૂ. 4માં રહેવા-જમવાની વ્યવસ્થા
રાજકોટમાં ગરીબ વર્ગના દર્દીઓ અને તેના સગાઓ માટે જયુબેલી પાસે પથિક આશ્રમમાં રૂ. 2માં રહેવાનું અને રૂ. 2માં ભોજનની સુવિધા પૂરી પાડવામાં આવે છે. જ્યાં 70 લોકો રહે છે. આ ઉપરાંત ઘર વિહોણા લોકોનુ ગુજરાતનુ સૌથી મોટું રેન બસેરા છે, જ્યાં 124 ગરીબો વસવાટ કરી રહ્યા છે, જે જયુબેલીમાં મોચી બજાર કોર્ટ પાસે આવેલું છે. 200 કાર્યકરોની ટીમ અનેક સેવાકાર્યો કરી ગરીબો અને જરૂરિયાતમંદોની વહારે આવે છે.