સનાતન ધર્મના દેવી-દેવતાઓના અપમાન કરવા અંગે આજે (23 ફેબ્રુઆરી) સનાતન ધર્મના ધર્માવલંબીઓની અને સંતો વચ્ચે ગોષ્ઠીનું આયોજન અમદાવાદના મીઠાખળી ખાતે થયું હતું. સ્વામિનારાયણ સંપ્રદાય દ્વારા અવારનવાર જે રીતે સનાતન ધર્મના દેવી-દેવતાઓનું અપમાન કરવામાં આવે છે, તેને લઈને સ્વામિનારાયણ સંપ્રદાયના 14 ફિરકાઓને એક અઠવાડિયામાં નોટિસ આપવામાં આવશે. સનાતન ધર્મ અને દેવી-દેવતાઓના અપમાનને લઈને કાર્યવાહી કરવામાં આવશે. સાળંગપુરમાં હનુમાનજીની પ્રતિમાના વિવાદ અને અન્ય કેટલાક તથ્યો સામે આવતા હવે કાયદેસર રીતે આગળ વધવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. ધર્મના લોકોએ ધર્મ વિશે વાહિયાત વાતો કરીઃ જ્યોતિર્નાથ મહારાજ
સનાતન ધર્મ સમિતિ રાષ્ટ્રીય અધ્યક્ષ જ્યોતિર્નાથ મહારાજે જણાવ્યું હતું કે, સનાતન ધર્મના આપણાં જ આપણને નડ્યા છે. પરધર્મીઓએ ક્યારેય આપણા ધર્મનું અપમાન કરવાની કોશિશ કરી નથી. આપણાં જ ધર્મના લોકો ધર્મ વિશે વાહિયાત વાતો કરી છે. સાળંગપુરનો વિવાદ હોય કે પછી અન્ય કોઈ વિવાદ હોય સનાતન ધર્મની મૂળભૂત પરંપરાઓને તોડવાની વાત છે. ત્રિદેવ અને દેવી-દેવતાઓને નુકસાન પહોંચાડવાની જ્યારે વાત છે, ત્યારે આ તમામની સામે કેવી રીતે આગળ વધવું તે અંગે વિચારણા કરવામાં આવી હતી. ‘સ્વામિનારાયણ સંપ્રદાયના 14 ફિરકાને નોટીસ પાઠવીશું’
આજે મળેલી કોર કમિટીમાં નિર્ણય લેવામાં આવ્યો છે કે, આ એક અઠવાડિયામાં સ્વામિનારાયણ સંપ્રદાયના 14 ફિરકાઓને અમે નોટીસ પાઠવીશું. તેઓએ ધર્મને હાની કરી છે. પુસ્તકો, વેદો અને બાળવાર્તાઓની વાતો લઈને તેમના પાત્રો ગોઠવી દીધા છે. ઘનશ્યામ પાંડેને સર્વોપરી બતાવવાની કોશિશ કરી છે. ઘનશ્યામ પાંડેને સર્વોપરી માનવામાં આવે તેની સામે કોઈ વાંધો નથી, પરંતુ સનાતન ધર્મના જે દેવી-દેવતાઓનું અપમાન કરવામાં આવ્યું છે. જે સૃષ્ટિની પરંપરા છે, જેને દરેક ધર્મના લોકોએ સ્વીકારી છે તે મૂળભૂત પરંપરાને નાશ કરી છે અને કોઈપણ પ્રગટ બ્રહ્મ સ્વરૂપ બની જાય છે. અમે લીગલ એક્શન માટે આગળ વધવા જઈ રહ્યા છીએ. સનાતન ધર્મને હાનિક કરનારા તત્વોને સમાજમાંથી બહાર કાઢવા અને પાઠ ભણાવવામાં આવશે. સંતો-મહંતોએ તમામ બાબતો પર ગહન અભ્યાસ કર્યોઃ ડો. વસંત પટેલ
સમાજ સુધારક ડો. વસંત પટેલે જણાવ્યું હતું કે, સાળંગપુરમાં હનુમાનજીની પ્રતિમાથી વિવાદ શરૂ થયો છે. ઘણા બૌદ્ધિક લોકોને સનાતન ધર્મના સંતો-મહંતોએ આ તમામ બાબતો ઉપર ગહન અભ્યાસ કર્યો છે. સંતો-મહંતો અને પ્રબુદ્ધ લોકોના અભ્યાસના અંતે સ્વામિનારાયણ સંપ્રદાયના 100થી વધુ પુસ્તકોમાં ઘણા પુરાવા મળ્યા છે. જેમાં સનાતન ધર્મના દેવી-દેવતાઓ પર સાહિત્ય એવી રીતે રજૂ કરવામાં આવ્યા છે, જે સત્યથી દૂર છે. બાળ સાહિત્યથી રજૂ કરવામાં આવે છે, જેથી બાળક નાનું હોય ત્યારથી જ તેને ગેરમાર્ગે દોરવાનો પ્રયાસ કરવામાં આવે છે. ‘પુસ્તકોમાં તેમના પાત્રો ગોઠવી દેવી-દેવતાઓનું અપમાન’
દેશમાં લોકશાહીનો અધિકાર મળ્યો છે. લોકો પોતાના ધર્મ અને સંપ્રદાયનો પ્રચાર-પ્રસાર કરી શકે છે, એની સામે કોઈ વાંધો નથી. મૂળભૂત જે સનાતન ધર્મ છે, તેના દેવી-દેવતાઓને નીચા બતાવવાનો અને તેમનું અપમાન કરવામાં આવે છે. પુસ્તકોમાં તેમના પાત્રો ગોઠવી દેવાના એવા તમામ વિષય ઉપર પહેલી બેઠક સાધુ-સંતોની લીંબડીમાં થઈ હતી. બીજી જુનાગઢ, સુરત અને રાજકોટના ત્રંબામાં થઈ હતી. આ તમામ મિટિંગોના અંતે જુદી-જુદી સમિતિઓની રચના થઈ હતી. જોકે નક્કર પરિણામ સુધી ગયા નહોતા. ખુલાસા નહિ આવે તો ન્યાયિક ઢબે કોર્ટ કાર્યવાહી કરાશે
આજે અમદાવાદના મીઠાખળી ખાતે સનાતન ધર્માવલંબીઓની બેઠક મળી હતી. ડો. જ્યોતિનાથજી મહારાજ, અન્ય સંતો-મહંતો અને આગેવાનીમાં સલાહ-સૂચન મુજબ ચોક્કસ રણનીતિ તૈયાર કરવામાં આવી છે. ટૂંક જ સમયમાં જે તમામ પુરાવાઓ છે તેની સાથે ખુલાસાઓની માંગણી કરવામાં આવશે. જો નિયત સમયમાં ખુલાસાઓ નહીં મળે તો લોકશાહી અને ન્યાયિક ઢબે કોર્ટમાં કાર્યવાહી કરવામાં આવશે. પુસ્તકોમાં પંચદેવ વિશે ઘણું જેમ-તેમ લખેલું હતુંઃ ડો. કૌશિક ચૌધરી
“કોણ સ્વામી અને કોણ નારાયણ” પુસ્તક લખનાર ડો. કૌશિક ચૌધરીના પુસ્તકનું પણ આજે વિમોચન કરવામાં આવ્યું હતું. તેઓએ જણાવ્યું હતું કે, હિન્દુઓને આજદીન સુધી અંધારામાં રાખવામાં આવ્યા અને છેતરવામાં આવ્યા છે. ધર્મની જ્યારે પુસ્તકો જોઈ ત્યારે તેમાં પંચદેવ વિશે ઘણું જેમ તેમ લખેલું હતું. તમામ બાબતો પર જ્યારે તપાસ કરી તો ખબર પડી કે તેઓ આપણા ભગવાન જ નથી. વિષ્ણુ ભગવાનન નામ સાથે તેમના નામ નારાયણ, શ્રીજી અને હરી એવા જોડ્યા છે અને ચોર્યા છે. નામ ચોરીને 200 વર્ષ પહેલા જેઓ તેમના સ્થાપક છે, તેઓને તેમને નારાયણ કહે છે. ભગવાન શિવ, વિષ્ણુ વગેરે જે આપણા પંચદેવ છે, તેમને તેઓએ નીચે લાવી દીધા છે. ‘હિન્દુત્વ ઉપર જ સરકાર ચૂંટાઈ છે’
આપણે ઈશ્વર એક જ છે, પરંતુ પંચદેવ જે સાકાર સ્વરૂપે થાય છે ત્યારે પાંચ ઈશ્વર રૂપે થાય છે. તેમને એકમાત્ર સર્વોપરી ઈશ્વર બતાવી દીધા છે. તેઓએ ૐ હટાવી દીધો છે. અરબી સમાજ સાથે અલ્લાહ વાળી જે વાત કરવામાં આવી છે, તેવી વાત હિન્દુ ધર્મ સાથે અહીંયા કરવાની કોશિશ કરવામાં આવી છે. ઇરાદો ઇસ્લામ વાળો છે, પરંતુ સ્વરૂપ ખ્રિસ્તી વાળું છે. હિન્દુ સંગઠનો છે અને હિન્દુત્વ ઉપર જ સરકાર ચૂંટાઈ છે. હિન્દુ ધર્મની રક્ષાની વાત છે. આપણા સનાતન ધર્મને નુકસાન કરવાવાળા છે, તેઓ આપણા દુશ્મન છે. લોકોમાં જાગૃતિ લાવવા અને સમજાવવા માટે આજે મળ્યા છીએ.