પાકિસ્તાનની કરાંચી જેલમાં રહેલા ગુજરાતના 18 સહિત ભારતના 22 જેટલા માછીમારોને છોડવામાં આવ્યા હતાં. જે પૈકી આ તમામ માછીમારો આજે ગોલ્ડન ટેમ્પલ ટ્રેન મારફતે વડોદરા આવી પહોંચ્યા હતા અને અહીંથી આ માછીમારોને તેમના વતનમાં જવા વિદાય આપવામાં આવી હતી. 150 માછીમારોએ પોતાની વેદના ઠાલવતો દર્દભર્યો પત્ર મોકલ્યો
આ સિવાયના હજુ પણ પાકિસ્તાનમાં સડી રહેલા 150 માછીમારોએ પોતાની વેદના ઠાલવતો દર્દભર્યો પત્ર લખીને તેમના સાથી મિત્રો સાથે મોકલ્યો છે. આ પત્રમાં માછીમારોએ લખ્યું છે કે, પાકિસ્તાની જેલમાં ભારતીય માછીમારોની દુર્દશા તમને જણાવી રહ્યા છીએ. અમે અહીં 150 માછીમારો છીએ. બે વર્ષ પહેલા અહીંની સુપ્રીમ કોર્ટ દ્વારા અમને અમારી સજામાંથી મુક્ત કરી દીધા છે તેમછતાં અમે અહીં કેદ છીએ. અહીંથી બહાર ન નીકળવાના ટેન્શનમાં લગભગ બધા માછીમારો માનસિક રીતે બીમાર થઈ ગયા છીએ. પ્રેશરની બીમારી, શ્વાસ લેવામાં તકલીફ અને ચામડીની બીમારીને કારણે ખૂબ પરેશાન છીએ તેમછતાં અહીંથી માત્ર 22 માછીમારોને મુક્ત કરવામાં આવ્યા છે. અમારા 150 માછીમારો સાથે અન્યાય થઈ રહ્યો છે. અહીં અમારી પરિસ્થિતિ સમજવાવાળું કોઈ નથી. અહીં આપણી સરકારનો કોઈ ડર નથી એવું લાગી રહ્યું છે. મોદી સરકારના અભિમાનમાં અમારો અને અમારા પરિવારનું જીવન બગડી ગયું છે. તમને એ વિનંતી છે કે, અમારી આ દુર્દશાને સરકાર સુધી જલ્દી પહોંચાડો અને અમને આ નર્કમાંથી જલદી બહાર કઢાવો. જય ભારત, જય હિન્દ. લિ. ભારતીય માછીમારો. 22 સાગરખેડૂઓને મુક્ત કરવામાં આવ્યા હતા
રાજ્ય સરકાર દ્વારા ભારત સરકારને વિનંતી કરવામાં આવી હતી અને વિદેશ મંત્રાલય દ્વારા પાકિસ્તાનની જેલમાં બંધ માછીમારોને છોડવા માટે પ્રયત્નો કરવામાં આવ્યા હતા. જેના પરિણામ સ્વરૂપ કરાંચીની જેલામાં બંધક રહેલા 22 સાગરખેડૂઓને મુક્ત કરવામાં આવ્યા હતા. આ માછીમારો વાઘા બોર્ડરથી ભારતમાં પ્રવેશ મેળવ્યો હતો અને ત્યાં તેમનું મેડિકલ ચેકઅપ કરાવી ટ્રેન મારફત વતનમાં પહોંચવા રવાના કરવામાં આવ્યા હતા. તેમાંથી 22 માછીમારોનો સમૂહ વડોદરા સ્ટેશન આવી પહોચ્યો હતો. જ્યાં તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું. ગીર સોમનાથના 14, દેવભૂમિ દ્વારકાના 3, રાજકોટનો 1, દીવના 3 અને ઉત્તર પ્રદેશના 1 માછીમારને બસ મારફત વેરાવળ તરફ જવા વિદાય આપવામાં આવી હતી. વતન પરત ફરીને મને ખૂબ જ ખુશી થઈ રહી છે
પાકિસ્તાનથી પરત આવેલા માછીમારે જણાવ્યું હતું કે, હું સાડા ત્રણ વર્ષ પહેલા માછીમારી કરવા નીકળ્યો ત્યારે પાકિસ્તાન મરીન સિક્યુરિટીના હાથે પકડાઈ ગયો હતો. આજે અમે 22 લોકો વતન પરત ફરી રહ્યા છીએ. અમે બધા બીમાર છીએ. બાકી ઘણા લોકો હજી કરાંચી જેલમાં છે. અમે વિનંતી કરીએ છીએ કે, એ લોકોને ઝડપથી છોડાવવા માટે સરકાર પ્રયાસ કરવામાં આવે કારણ કે, ત્યાં જેલમાં ખાવાપીવાની ખૂબ જ તકલીફ છે. પાકિસ્તાનમાં ખૂબ ગરીબી છે, જેથી ખાવા પીવાનું મળતું નથી. ત્યાં જેલમાં કામ કરીને આપણા લોકો ગુજારો કરે છે. આજે વતન પરત ફરીને મને ખૂબ જ ખુશી થઈ રહી છે. 22 ભારતીય માછીમારોને અટારી બોર્ડર મારફતે ભારત લવાયા હતા
જામનગર ફીસરીસ વિભાગના આસિસ્ટન્ટ ડાયરેક્ટર જે. પી. તોરણીયાએ જણાવ્યું હતું કે, પાકિસ્તાની મરીન સિક્યુરિટી દ્વારા છોડવામાં આવેલા 22 ભારતીય માછીમારોને અટારી બોર્ડર મારફતે ભારત લાવવામાં આવ્યા હતા. તેઓને આજે ગોલ્ડન ટેમ્પલ ટ્રેનમાં વડોદરા લાવવામાં આવ્યા છે. આ માછીમારો એપ્રિલ 2021થી લઈને ડિસેમ્બર 2022 દરમિયાન માછીમારી કરતી વખતે પકડાયેલા હતા. આ તમામ માછીમારોને વેરાવળ ખાતે લઈ જઈને તેમના સ્વજનોને સોંપવામાં આવશે.