ગુજરાતમાં TET-TAT પાસ ઉમેદવારોએ શિક્ષક ભરતી પ્રક્રિયાને લઈને આજે ગાંધીનગર સત્યાગ્રહ છાવણીએ ઉગ્ર આંદોલનનું એલાન કર્યું હતું. આજે મોટી સંખ્યામાં ઉમેદવારો ગાંધીનગર સિવિલની બહાર ભેગા થયા હતા. જે સત્યાગ્રહ છાવણીએ ઉમટે એ પહેલાં પોલીસે અટકાયત કરતાં ઉમેદવારો અને પોલીસ વચ્ચે ઘર્ષણના દૃશ્યો સર્જાયા હતા. પોલીસે અઢીસોથી વધુ ઉમેદવારોની ટીંગાટોળી કરી અટકાયત કરી છે. ઉમેદવારોની મુખ્ય માંગણીઓમાં શિક્ષણ સહાયક (9થી12)નું PML અને DV શિડ્યૂલ જાહેર કરવાનો સમાવેશ થાય છે. ધોરણ 1થી8 વિદ્યા સહાયકમાં કેટેગરી અને વિષય મુજબ જગ્યાઓની યાદી જાહેર કરવાની માંગ છે. આ ઉપરાંત, 5700 જૂના શિક્ષકો અને 1200 આચાર્યની બદલી બાદ ખાલી પડનારી જગ્યાઓ વર્તમાન ભરતીમાં ઉમેરવાની માંગણી છે. ગત વર્ષે મંજૂર થયેલા 2750 વિદ્યા સહાયકની જગ્યાઓ પણ વર્તમાન ભરતીમાં સામેલ કરવા માંગ કરાઈ છે. ઉમેદવારોની પાંચમી મુખ્ય માંગણી ઉનાળુ વેકેશન પહેલાં સંપૂર્ણ ભરતી પ્રક્રિયા પૂર્ણ કરી નિમણૂક પત્રો આપવાની છે.