અમદાવાદના મણિનગરમાં આવેલી હેબ્રોન સ્કૂલમાં ધો. 7માં અભ્યાસ કરતા વિદ્યાર્થીને ગુજરાતીના શિક્ષિકા દ્વારા બેફામ માર મારવામાં આવ્યો હતો. વિદ્યાર્થીને માર મારતા વિદ્યાર્થીની પીઠ લાલ થઈ ગઈ છે. આ અંગે વાલીએ DEO કચેરીએ ફરિયાદ કરતા જિલ્લા શિક્ષણાધિકારી દ્વારા સ્કૂલ સામે તપાસના આદેશ આપવામાં આવ્યા છે અને શિક્ષિકાને પણ તાત્કાલિક છૂટા કરવામાં આવ્યા છે. શિક્ષિકાએ વિદ્યાર્થીને ઢોર માર માર્યો
મણિનગરમાં આવેલી હેબ્રોન સ્કૂલમાં ગુજરાતી વિષયના શિક્ષિકા રૂબીનાએ ધો. 7માં અભ્યાસ કરતા વિદ્યાર્થીને કોઇ કારણસર ઢોર માર માર્યો હતો. વિદ્યાર્થીએ આ અંગે ઘરે જઈને વાત કરી હતી. ત્યાર બાદ વિદ્યાર્થીને માર મારતા તેની પીઠ લાલ થઈ ગઈ હતી. જેથી વાલીએ વિદ્યાર્થીના ફોટા અને લેખિતમાં DEO કચેરીને ફરિયાદ કરી છે. વાલીએ ફરિયાદ કરીને શિક્ષિકા સામે કડક પગલાં લેવાની પણ માગ કરી છે. DEOએ સ્કૂલને નોટિસ ફટકારી ખુલાસો માગ્યો
વાલીની ફરિયાદને ધ્યાનમાં રાખીને અમદાવાદ શેહર DEO દ્વારા સ્કૂલને તાત્કાલિક નોટિસ કરવામાં આવી છે. સ્કૂલ પાસેથી લેખિતમાં એક દિવસમાં ખુલાસો માગવામાં આવ્યો છે તેમજ શિક્ષિકાને ડિસમિસ કરવાનો આદેશ પણ કરવામાં આવ્યો છે. આ ઉપરાંત સ્કૂલમાં જે ઘટના બની તેનો રિપોર્ટ એક દિવસમાં કચેરીએ સબમિટ કરવાનો પણ આદેશ આપવામાં આવ્યો છે. પોલીસ ફરિયાદ પણ કરવામાં આવશે: DEO
આ અંગે DEO રોહિત ચૌધરીએ જણાવ્યું હતું કે, કોઇપણ સ્કૂલમાં વિદ્યાર્થીને માર મારી શકાય નહીં. નિયમ મુજબ વિદ્યાર્થીને માર મારવામાં આવે તો વિદ્યાર્થીને મારનાર શિક્ષક સામે શિક્ષાત્મક કાર્યવાહી તથા પોલીસ ફરિયાદ કરવામાં આવી શકે છે. આ કેસમાં પણ તપાસ કરવામાં આવશે અને જરૂર પડે તો પોલીસ ફરિયાદ પણ કરવામાં આવશે. અમે શિક્ષિકાને ડિસમિસ કર્યા છે: સ્કૂલના સુપરવાઇઝર
સ્કૂલના સુપરવાઇઝર ભારતી દુબેએ જણાવ્યું હતું કે, વાલીએ શાળામાં ફરિયાદ કરી ત્યાર બાદ અમે શિક્ષિકાને ડિસમિસ કર્યા છે. આ પ્રકારની ઘટના ફરીથી ન બને તે માટે સ્કૂલના અન્ય શિક્ષકોને પણ સૂચના આપવામાં આવી છે.