સુરત મહાનગરપાલિકાના હજારો કર્મચારીઓ આજે બપોર બાદ કામકાજથી અળગા રહ્યા હતા અને માસ સીએલ ઉપર ઉતરી ગયા હતા. જેને કારણે અલગ અલગ ઝોનમાં રાબેતા મુજબની કાર્યવાહી ખોરવાઈ ગઈ હતી. કોર્પોરેશનના કેમ્પસમાં જ મોટી સંખ્યામાં કર્મચારીઓ એકત્રિત થઈને કર્મચારીઓને રહેમ રાહે નોકરી આપવામાં આવે તેવા ઠરાવનો અમલ કરાવવા વિરોધ નોંધાવ્યો હતો. અધિકારીઓ જો નિયમનું પાલન ન કરાવી શકતા હોય તો શાસકોએ પણ રાજીનામું આપી દેવું જોઈએ તેવા સુત્રોચ્ચાર કર્યા હતા. પડતર પ્રશ્નોના નિરાકરણ માટે વિરોધ પ્રદર્શન
સુરત મહાનગરપાલિકામાં હજારોની સંખ્યામાં કર્મચારીઓ કામ કરી રહ્યા છે. વર્તમાન સમયમાં સારી રીતે કામ કરી શકે તેની સાથે સાથે તેનું ભવિષ્ય પણ સચવાઈ જાય તે પ્રકારના નીતિ નિયમોનો અમલ થવો જરૂરી છે. સુરત મહાનગરપાલિકામાં પહેલા કોઈપણ કર્મચારીનો અકસ્માતથી અથવા કુદરતી મોત થાય તો તેના પરિવારના કોઈપણ એક સભ્યને નોકરી આપવામાં આવતી હતી, પરંતુ હવે તે રહેમરાહે નોકરી આપવામાં આવી રહી નથી. એટલું જ નહીં પરંતુ જે વર્ગ ત્રણ અને ચારના કર્મચારી છેલ્લા 20 વર્ષથી ફરજ બજાવતા હોય અને તેઓ સ્વેચ્છિક નિવૃત્તિ લઈ લે તો તેના પરિવારના એક સભ્યને નોકરી આપવામાં આવે તેવી માંગણી કરવામાં આવી રહી છે. આવા કેટલાક પડતર પ્રશ્નોને કારણે આજે સુરત મહાનગરપાલિકાની મુખ્ય કચેરી ખાતે મોટી સંખ્યામાં કર્મચારીઓ માસ સીએલ પર ઉતરી કામકાજથી અળગા રહ્યા હતા. અમે અમારો હક મેળવીને રહીશું
સુરત મહાનગરપાલિકા કર્મચારી મહામંડળના પ્રમુખ ઈકબાલ શેખે જણાવ્યું કે, અલગ અલગ વિભાગોના કર્મચારીઓને અનેક પ્રકારની મુશ્કેલીઓ થઈ રહી છે. સૌથી મહત્ત્વની બાબત એ છે, કે વર્ગ ત્રણ અને ચારમાં રહેમરાહે નોકરી કોર્પોરેશનમાં આપવામાં આવતી હતી તે બંધ કરી દેવામાં આવી છે. કોર્પોરેશનમાં ફરજ બજાવતા વ્યક્તિના પરિવારજનો તેના ઉપર આશ્રિત હોય છે, ત્યારે તેમનું જ્યારે નિધન થઈ જાય તો તેમના સ્થાને તેમના પરિવારમાંથી કોઈ પણ એક આશ્રિતને નોકરી આપવી જોઈએ જે મહાનગરપાલિકાએ બંધ કરી દીધું છે. ‘જો શાસકો કામ ન કરાવી શકે તો રાજીનામું આપી દેવું જોઈએ’
વધુમાં તેમણે જણાવ્યું હતું કે, કર્મચારીઓ ઉપર વધારે પડતું કામનું ભારણ આવી રહ્યું છે. નવા નવા વિસ્તારોનો સમાવેશ થયા બાદ પણ હજારોની સંખ્યામાં કર્મચારીઓની ઘટ હોવા છતાં તેની ભરતી થઈ રહી નથી. આવી સ્થિતિમાં કર્મચારીઓની સ્થિતિ પણ દયનીય થઈ રહી છે. અધિકારીઓ કોર્પોરેશનનો જે ઠરાવ છે તેનો અમલ કરી રહ્યા નથી. બીજી તરફ શાસકો પણ જાણે કર્મચારીઓના ભવિષ્યની ચિંતા ન હોય તે પ્રકારની ભૂમિકા ભજવી રહ્યા છે. અમારી સ્પષ્ટ માંગણી છે કે જો અધિકારીઓ નિયમ મુજબ કામ ન કરતા હોય તો શાસકોએ તેમની પાસે કરાવવું જોઈએ અને જો તેઓ કરાવી ન શકતા હોય તો તેમણે રાજીનામું આપી દેવું જોઈએ.