TET-TAT પાસ ઉમેદવારોનું વિરોધપ્રદર્શન રાજ્યભરના TET-TAT પાસ ઉમેદવારોએ ગાંધીનગરમાં વિરોધપ્રદર્શન શરૂ કર્યું. સિવિલથી સત્યાગ્રહ છાવણી પહોંચે એ પહેલાં જ પોલીસે 250થી વધુ ઉમેદવારોની અટકાયત કરી લીધી. આ દરમિયાન ઘર્ષણનાં દૃશ્યો સર્જાયાં હતાં. ગુજકેટની પરીક્ષાની તારીખ કરાઈ જાહેર ગુજકેટ-2025નું પરીક્ષાનું સ્ટ્રક્ચર અને તારીખ જાહેર કરવામાં આવી. 23 માર્ચે ગુજકેટની પરીક્ષા લેવામાં આવશે. 1 લાખથી વધુ વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે. વિશ્વામિત્રીના પૂરથી વડોદરાને બચાવવા બફર લેકનું નિર્માણ વડોદરાને વિશ્વામિત્રી નદીના પૂરથી બચાવવા માટે દેણા ગામ પાસે સૂર્યા નદીના કિનારે 5 હેક્ટર જમીનમાં બફર લેક બનાવવામાં આવશે, જેમાં 125 કરોડ લિટર પાણીનો સંગ્રહ થઈ શકશે.ચોમાસા પહેલાં આ કામગીરી પૂર્ણ થઈ જશે. કારની ટક્કરે સગાં ભાઈ-બહેન સહિત ત્રણનાં મોત સુરતના લસકાણા વિસ્તારમાં કારની ટક્કરે સગાં ભાઈ-બહેન સહિત ત્રણ લોકોનાં મોત નીપજ્યાં. 23 ફેબ્રુઆરીની સાંજે થયેલા અકસ્માતમાં પોલીસે કારચાલક સામે સાપરાધ મનુષ્યવધનો ગુનો દાખલ કરવામાં આવ્યો. મહાશિવરાત્રિ નિમિત્તે સોમનાથમાં ખાસ આયોજન મહાશિવરાત્રિ નિમિત્તે સોમનાથ મહાદેવ સતત 42 કલાક ખુલ્લું રહેશે. સવારે 7 વાગ્યે પ્રાતઃ આરતી બાદ પાલખીયાત્રા કઢાશે, ત્યાર બાદ સોમનાથ દરિયાકિનારે પાર્થિવ શિવલિંગ મહાપૂજાનું આયોજન કરાશે. સુરત મનપાના કર્મચારીઓનું આંદોલન સુરત મનપાના હજારો કર્મચારીઓ માસ CL પર ઊતર્યા. કર્મચારીઓએ પડતર પ્રશ્નોની માગ સાથે સૂત્રોચ્ચાર અને બેનર્સ લઈ વિરોધપ્રદર્શન કર્યું. કર્મચારીઓનો ઉગ્ર સૂર છે કે જો શાસકો નિયમોનું પાલન ન કરાવી શકતા હોય તો રાજીનામું આપી દે. સાતમા ધોરણના વિદ્યાર્થીને શિક્ષકે માર માર્યો મણિનગરની હેબ્રોન સ્કૂલમાં સાતમાં ધોરણના વિદ્યાર્થીને માર મારવાની ઘટના સામે આવી છે. આ મામલે DEO એ સ્કૂલને નોટિસ ફટકારી પોલીસ કાર્યવાહી કરવા સુધીનો આદેશ કર્યો છે. સ્કૂલે પણ માર મારનાર શિક્ષકને બરતરફ કર્યાં છે. શ્રદ્ધા પટેલે કર્યું સુરતનું નામ રોશન સુરતની 19 વર્ષની યુવતીએ જીત્યો મિસ ઇન્ટરકોન્ટિનેન્ટલ ઇન્ડિયાનો તાજ. ભારતમાંથી 14 યુવતીને માત આપીને શ્રદ્ધા પટેલ હવે ઈન્ટરનેશનલ લેવલે દેશનું પ્રતિનિધિત્વ કરશે. 22 ફેબ્રુઆરીએ ક્રાઉન જીતીને આવેલી શ્રદ્ધાનું ખાસ સ્વાગત કરાયું. ટ્રકની અડફેટ રાહદારીનું મોત નીપજ્યું ઊંઝા હાઈવે પર ટ્રકની અડફેટે રાહદારીનું મોત નીપજ્યું. શારીરિક અશક્ત વ્યક્તિને રોડ ક્રોસ કરાવતા સમયે પૂરઝડપે આવતા અજાણ્યા વાહને ટક્કર મારી, જેમાં તેનું મોત નીપજ્યું, જ્યારે મદદ કરનાર યુવકે સતર્કતા બતાવતાં તેનો બચાવ થયો હતો. કાળઝાળ ગરમીમાં શેકાવા તૈયાર થઈ જાઓ સૌરાષ્ટ્ર-કચ્છ અને દ.ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોમાં આગામી પાંચ દિવસ ગરમી અને બફારાનું યલો એલર્ટ જાહેર કરાયું. તો ફેબ્રુઆરીમાં જ એપ્રિલ જેવી ગરમીના અનુભવ વચ્ચે રાજકોટમાં તાપમાનનો પારો 37 ડિગ્રીને પાર પહોંચ્યો.