back to top
Homeદુનિયાઅમેરિકામાં ઘૂસો, સામેથી પકડાવ, મન મૂકીને ડૉલર કમાઓ:USમાં વસવાની ગુજરાતીઓની નવી ટ્રિક,...

અમેરિકામાં ઘૂસો, સામેથી પકડાવ, મન મૂકીને ડૉલર કમાઓ:USમાં વસવાની ગુજરાતીઓની નવી ટ્રિક, ભારતને બદનામ કરતાં પણ નથી અચકાતા

સ્થળ: અમેરિકા-મેક્સિકો બોર્ડર
9 લોકોનું એક ગ્રુપ દીવાલ કૂદીને અમેરિકામાં ઘૂસે છે. અચાનક અમેરિકન બોર્ડર પેટ્રોલિંગ ટીમ કારમાં આવે છે. ગભરાયેલા લોકો સાઈડમાં ઊભા રહી જાય છે. કાર ઊભી રાખીને એક જવાન બહાર આવે છે. વાતચીત ચાલુ કરે છે. સિક્યોરિટી જવાન: કેમ છો તમે બધા? ભારતથી આવો છો? ક્યાં મુંબઈ? દહેરાદૂન?
ગ્રુપમાંથી જવાબ આવે છે: ગુજરાતી
સિક્યોરિટી જવાન: ગુજરાતી?
ગ્રુપમાંથી એક વ્યક્તિ આગળ આવીને કહે : આ પેપર તે વ્યક્તિ એક નાની ચબરખી જવાનને આપે છે. જવાન તે હાથમાં લઈને વાંચે છે. સિક્યોરિટી જવાન: શિકાગો? આ તે જગ્યા છે જ્યાં તમે જઈ રહ્યા છો? તમે ઈન્ડિયામાં શું કરો છો? ગ્રુપમાંથી અમુક લોકો નીચે બેસી જાય છે અને અમુક લોકો ઊભા રહે છે. ગ્રુપમાંથી એક વ્યક્તિ જવાબ આપે છે: કોંગ્રેસ લીડર. કોંગ્રેસ પાર્ટી વર્કર
જવાન: કોંગ્રેસ પાર્ટી વર્કર? ઓકે. તમે મેક્સિકો પ્લેનમાં આવ્યા હતા?
ગ્રુપમાંથી એક વ્યક્તિ જવાબ આપે છે: નો મેક્સિકો
સિક્યોરિટી જવાન: તમે બસમાં આવ્યા છો? પછી સિક્યોરિટી જવાન વૉકીટૉકી પર વાત કરે છે અને કહે છે કે અહીં 9 ભારતીય લોકોનું ગ્રુપ પકડાયું છે. મેક્સિકો-અમેરિકાની બોર્ડર પરનો આવો એક વીડિયો ઇન્ટરનેટ પર ખૂબ વાઇરલ થઈ રહ્યો છે, જેમાં ભાંગ્યું તૂટ્યું અંગ્રેજી બોલતા લોકો પોતે ગુજરાતથી આવે છે અને કોંગ્રેસના કાર્યકર હોવાનું કહે છે. તમને વાંચીને નવાઈ લાગશે કે અમેરિકાની બોર્ડર પર ઝડપાયેલા લોકો પોતાને ગુજરાત કોંગ્રેસના કાર્યકર કેમ ગણાવે છે? પણ અમેરિકામાં વસીને ડૉલર કમાવવા માટેનો આ એક અનોખો રસ્તો છે, જેનો આજકાલ ખૂબ મોટા પ્રમાણમાં ઉપયોગ થઈ રહ્યો છે. અમારી ખાસ સિરીઝ ‘ડૉલર ડ્રીમ્સ’ના પહેલા એપિસોડમાં તમે વાચ્યું કે અમેરિકામાં ગુજરાતી લોકોમાં હાલ કેવો માહોલ છે. હવે આજના બીજા એપિસોડમાં વાંચો અમેરિકામાં સપનું સાકાર કરવા માટે કેવી રીતે ગુજરાતીઓ અસાઇલમના હથિયારનો કરે છે યુઝ? બોર્ડરમાં ઘૂસ્યા પછી કેમ સામેથી પકડાઈ જાય છે? કેવી છટકબારી શોધીને વર્ષો સુધી રહે છે? ‘ડૉલર ડ્રીમ્સ’ સિરીઝનો પહેલો એપિસોડ: અમેરિકામાં ઇલીગલ ગુજરાતીઓમાં ફફડાટ, જીવ પડીકે બંધાયા:કામ પર જવાનું બંધ કરી ઘરમાં કેદ થયા, 3 મહિના આવી સ્થિતિ રહી તો ફાંફાં પડશે અસાઇલમ એટલે આશ્રય કે શરણ માગવું. અસાઇલમ કે રેફ્યુજી બંને યુનાઈટેડ નેશન્સ દ્વારા બનાવેલી ટર્મ છે, જેમાં કોઈ પણ દેશમાં કોઈ વ્યક્તિ ક્લેમ કરે તો જે તે દેશે એકવાર અસાઇલમ એક્સેપ્ટ કરવો જ પડે છે અને તે વ્યક્તિને સાંભળવા માટે તક આપવી પડે. હાલ અમેરિકામાં વસવાટ કરવા માટે અસાઇલમનો મોટા પ્રમાણમાં ઉપયોગ થઈ રહ્યો છે. આ અંગે અસાઇલમના સબ્જેક્ટ વિશે જાણકારી રાખતાં લોકો તેમજ વિઝા એક્સપર્ટ સાથે અમે વાત કરી હતી. સૌ પહેલા 10 વર્ષથી અમેરિકામાં રહેતા અને અસાઇલમના કેસમાં ગુજરાતીઓને મદદ કરતાં જિજ્ઞેશભાઈ બારોટ પાસે આ અંગે વિસ્તૃત જાણકારી મેળવી હતી. જાતે જ બોર્ડર પોલીસ પાસે પકડાઈ જાય
ટેનેસી સ્ટેટના નેશવિલ સિટીમાં રહેતા જિજ્ઞેશભાઈ બારોટે કહ્યું, ‘ટ્રમ્પે તેના પહેલા કાર્યકાળમાં મેક્સિકો બોર્ડર પર દીવાલ બનાવવાનું શરૂ કર્યું હતું. અડધું કામ બાકી હતું ત્યાંથી બધા ઇલીગલી આવે છે. લોકો રાતના સમયે બોર્ડર ક્રોસ કરીને અમેરિકામાં આવે છે અને પછી જાતે જ બોર્ડર પોલીસ એટલે કે ICE (યુએસ ઇમિગ્રેશન અને કસ્ટમ્સ એન્ફોર્સમેન્ટ)ના હાથે પકડાઈ જાય છે. જે ઇલીગલ લોકોને પકડીને ડિટેન્શન સેન્ટર (કેમ્પ)માં લઈ જાય છે. ICE એ સરકારનું બોર્ડર પેટ્રોલિંગ અને સિક્યોરિટી કરતું યુનિટ છે. ગેરકાયદે ઘૂસતા લોકોને રાખવા માટે કેલિફોર્નિયા, ટેક્સાસ, સેન ડીઆગો જેવાં બોર્ડર સ્ટેટમાં ડિટેન્શન સેન્ટર બનાવવામાં આવ્યાં છે. આ સિવાય કેનેડા બોર્ડર પર મોન્ટાના સ્ટેટમાં રઝાઈના બોર્ડર ઉપરાંત અન્ય બે સ્ટેટમાં પણ ડિટેન્શન સેન્ટર છે. લગભગ એક સ્ટેટમાં પાંચેક ડિટેન્શન સેન્ટર છે, કારણ કે પબ્લિક બહુ આવે છે.’ ડિટેન્શન સેન્ટરમાં પોસપોર્ટની વિગત લઈ પૂછપરછ થાય
તેમણે કહ્યું, ‘ડિટેન્શન સેન્ટરમાં ઇલીગલ પકડાયેલા લોકોના પાસપોર્ટ વગેરેની ડિટેલ લેવામાં આવે છે. પૂછપરછ થાય કે તમે તમારો દેશ કેમ છોડીને આવ્યા છો? બધાની પાસે પોતપોતાનાં કારણો હોય છે. એ આધારે એમને અસાઇલમ પેપર તૈયાર કરીને આપવામાં આવે છે. આવા ઇલીગલ લોકોને કહેવામાં આવે કે અમેરિકામાં રિલીઝ કર્યાના 60 દિવસમાં તમારે ICE (યુએસ ઇમિગ્રેશન અને કસ્ટમ્સ એન્ફોર્સમેન્ટ) ડિપાર્ટમેન્ટમાં જાણ કરવી તથા વિઝિટ કરવી અને 365 દિવસ પૂરા થાય એ પહેલાં અસાઇલમના પેપર ફાઇલ કરવાં.’ ડિટેન્શન સેન્ટરમાંથી ચાર અલગ અલગ રીતે છોડવામાં આવે છે
તેમણે આગળ કહ્યું, ‘કોર્ટ મેટર વખતે અસાઇલમ કેસ કરવાનો થાય ત્યારે વકીલની જરૂર પડે છે. ઘણી વાર ત્યાં કોઈ સંબંધી કે ફેમિલી હોય તો એમના સ્ટેટમેન્ટના આધારે રિલીઝ કરી દેતાં હોય છે. જ્યારે સિંગલ છોકરા-છોકરીનું ICE ડિપાર્ટમેન્ટ અને કોર્ટમાં એમ બે ઇન્ટરવ્યૂ થાય છે. ત્યાં એમને પૂછે કે તમારા દેશમાં તમને શું જીવનું જોખમ છે એ કહો. એમને વાતમાં ભરોસો લાગે તો 5થી 10 હજારના બોન્ડ પર રિલીઝ કરી દેતાં હોય છે. કોઈને એમ ને એમ પોઝિટિવ રિઝલ્ટ આપીને પણ પાસ કરીને રિલીઝ કરી દેતા હોય છે. આવા લોકોને ચાર અલગ-અલગ રીતે છોડવામાં આવે છે. જેમ કે બોન્ડ લેવા, સ્પોન્સર લેવા, કોઈ સિટિઝન સ્પોન્સરની ગેરંટી લેવી, અથવા સ્ટેટમેન્ટના આધારે જવા દેવા.’ અમુક લોકોના પગમાં GPS લગાવાય છે
જિજ્ઞેશભાઈ બારોટે કહ્યું, ‘છોડવામાં આવેલા કેટલાકને એંકલ GPS આપતા હોય છે. જેમને ICE ડિપાર્ટમેન્ટ ટ્રેક કરે છે. છૂટેલા લોકો તેમણે આપેલા એડ્રેસ પર રહે છે કે નહીં તેનું સતત ચેકિંગ કરે છે. અમુકવાર વિઝિટ કરે છે. લગભગ ચારેક મહિનાની પ્રોસેસમાંથી પસાર થયા બાદ એ GPS રિમૂવ કરે છે. એ સમયે એમના ફોનમાં એક એપ ડાઉનલોડ કરે છે, જેમાં એમણે દર વીક અથવા મહિને એક વાર પોતાનો ફોટો પાડીને અપલોડ કરવાનો હોય છે. એ રીતે ICE ડિપાર્ટમેન્ટના કોન્ટેક્ટમાં રહેવાનું હોય છે.’ અસાઇલમ અરજીના 180 દિવસ બાદ વર્ક પરમિટ ફાઈલ કરી શકાય
‘પછી અસાઇલમ ફાઇલ કરો એટલે પહેલા વીકમાં સિક નોટિસ આવે. પછી એકથી દોઢ મહિનામાં ફિંગર પ્રિન્ટ આવે. એ પછી 180 દિવસ પછી USCIS (યુનાઇટેડ સ્ટેટ્સ સિટિઝનશિપ અને ઇમિગ્રેશન સર્વિસ)ના નિયમ મુજબ વર્ક પરમિટ ફાઇલ કરી શકો. જેથી છથી સાત મહિનામાં વર્ક પરમિટ અને સોશિયલ કાર્ડ મળી જાય છે’, એમ જિજ્ઞેશભાઈ બારોટે જણાવ્યું હતું. કોર્ટમાં 5-7 વર્ષ સુધી કાર્યવાહી ચાલ્યા કરે
તેમણે આગળ કહ્યું, ‘આટલી પ્રોસેસ બાદ કોર્ટ મેટર સ્ટાર્ટ થાય છે. ત્રણેક તારીખ આવે. એ દરમિયાન એમનો વકીલ દલીલો કરે, પુરાવા રજૂ કરે. વાતમાં કેટલી સાત્ત્વિકતા છે એ ચેક કર્યા પછી ખરેખર અસાઇલમ જરૂર છે કે નહીં? કારણો આપ્યાં હોય તેના પુરાવા પણ હિયરિંગમાં મૂકવા પડે છે. કોર્ટ સમક્ષ રજૂ કરે ત્યારે કોર્ટ એ પુરાવાના આધારે નક્કી કરે કે જે-તે વ્યક્તિ અસાઇલમ માટે એલિજિબલ છે કે નહીં? એ આધારે અસાઇલમ એપ્રૂવ થાય તો એ ગ્રીન કાર્ડ માટે એપ્રૂવ થાય. આ પ્રોસેસ 5થી 7 વર્ષ ચાલે છે. એ દરમિયાન 5 વર્ષની વર્ક પરમિટ હોય જેથી એ કામ કરી શકે.’ જિજ્ઞેશભાઈ બારોટે કહ્યું, ‘અસાઇલમ નામંજૂર થાય તો જે-તે વ્યક્તિએ પોતાના દેશમાં પાછું જવું પડે. એવા લોકો લીગલી અહીં રહી નથી શકતા. કામ પણ નથી કરી શકતા. એમની વર્ક પરમિટ રિન્યૂ નથી થતી.’ અસાઇલમ નામંજૂર થાય તો પણ કોઈ જાતે પાછા આવતું નથી
અસાઇલમ નામંજૂર થાય એ વ્યક્તિ સામાન્ય રીતે શું કરતી હોય છે? તેના જવાબમાં તેમણે કહ્યું, ‘જેમની અસાઇલમ નામંજૂર થઈ હોય એ લોકો અમેરિકામાંથી જાતે ભારત પાછા આવતા નથી. તેઓ જ્યાં સુધી પકડાય નહીં ત્યાં સુધી રહેવાનો પ્રયત્ન કરતાં હોય છે. ત્યારબાદ ભવિષ્યમાં કોઈ કેસમાં પકડાય ત્યારે તેમને પોતાના દેશમાં ડિપોર્ટ કરવામાં આવે છે. ત્યાં સુધી અમેરિકામાં કામ કરતા રહે છે. મોટાભાગે નાની જોબ કરતા રહે છે અને કોઈ ક્રાઇમમાં ન ફસાય ત્યાં સુધી વાંધો આવતો નથી. અમુક લોકો આ રીતે આખી જિંદગી કાઢી નાખે છે.’ અસાઇલમ માટે કેવાં કેવાં કારણો આપે છે?
જિજ્ઞેશભાઈ બારોટે આગળ કહ્યું, ‘ગુજરાતીઓ અસાઇલમ માટે અલગ અલગ કારણો આપે છે. જેમ કે હું આ ધંધો કરતો હતો ત્યાં મારે દેવું થઈ ગયું હતું. હું ભાજપનો કાર્યકર હતો. કોંગ્રેસ તરફથી તકલીફ હતી અથવા કોંગ્રેસનો કાર્યકર હતો અને ભાજપ તરફથી તકલીફ હતી. મને જાનથી મારી નાખવાની ધમકીઓ મળતી એટલે હું મારા પરિવારનો બચાવ કરવા માટે દેશ છોડીને આવી ગયો છું. અમુક લોકો ધાર્મિક કારણો આપે છે. અમુક કારણ આપે છે કે મેં અંતર જ્ઞાતિય લગ્ન કર્યાં છે અને સામેવાળા માથાભારે હતા. મને મારી નાખવાનો પ્રયત્ન કરતા હતા. જેથી મેં બચવા માટે દેશ છોડી દીધો. આવાં બધાં કારણો રજૂ કરતાં હોય છે. અમુક લોકો વાર્તા કરીને ફેક સ્ટોરી બનાવીને અસાઇલમ લે પણ કોર્ટ સમક્ષ પુરવાર નથી કરી શકતા. એમનો કેસ ડીનાય થાય છે.’ અસાઇલમના કેસ માટે વકીલ સરેરાશ 6થી 12 હજાર ડૉલર ફી લે છે
અસાઇલમ કેસમાં વકીલની ફી અંગે તેમણે કહ્યું, ‘અસાઇલમ કેસ જ્યાં સુધી ચાલે ત્યાં સુધીનો બધાનો અલગ અલગ ચાર્જ હોય છે. જે સામાન્ય રીતે 6થી 12 હજાર ડૉલર હોય છે. એમના માટે વકીલ આવ્યા પછી શોધતા હોય છે. ઘણીવાર મારી પાસે આવે ત્યારે અમે એ રહેતા હોય એની નજીકના લોયર ગાઈડ કરીએ. જે કામ બરાબર કરે અને કમ્યુનિકેશનની તકલીફ ના થાય અને પૈસા પણ ઓછા લે. અહીંયાં લોકોને ભાષાની બહુ તકલીફ થાય છે.’ અસાઇલમ નામંજૂર થયા બાદ પણ ક્રાઈમ ન કરો તો વાંધો નથી આવતો
તેમણે કહ્યું, ‘અસાઇલમની 10%થી વધુ ફાઇલો એસેપ્ટ થતી નથી. જેમનું અસાઇલમ મંજૂર નથી થતું એ લોકો પોતાના રિસ્ક ફેક્ટર પર કોઈપણ રીતે અહીંયાં રહી જાય છે. આવા લોકો સાથે એક્સિડન્ટનો બનાવ બંને કે પોલીસની હડફેટે ચડે ત્યારે પોલીસ એમની પાસે આઈડી, સોશિયલ કાર્ડ વગેરે માગે અને તે ન આપી શકે તો કેસમાં પકડાઈ જાય છે. ડિપોર્ટના ભોગ બને છે. મતલબ કબૂતર થઈને રહી ગયા પછી પણ અન્ય કોઈ એક્ટિવિટીમાં ન પકડાય ત્યાં સુધી એમને વાંધો આવતો નથી.’ અસાઇલમ મંજૂર ન થાય તો કેવી રીતે રહે?
જિજ્ઞેશભાઈ બારોટે આગળ કહ્યું, ‘પહેલા વર્ક પરમિટ મળે એ દરમિયાન લાઇસન્સ તો નીકળી ગયું હોય છે પણ અસાઇલમ મંજૂર ન થાય તો વર્ક પરમિટ રિન્યૂ નથી થતી અને તેના લીધે લાઇસન્સ પણ રિન્યૂ નથી થતું. અહીંયાં DMV (ડ્રાઇવિંગ મોટર વ્હીકલ ડિપાર્ટમેન્ટ) ડ્રાઈવિંગ લાઇસન્સ માટે વર્ક પરમિટ માગે છે. જેટલી વર્ક પરમિટ હોય એટલું જ લાઇસન્સ રિન્યૂ થાય છે. પછી એ બધા લાઇસન્સ વગર ડ્રાઈવ પણ નથી કરી શકતા. જોકે બેન્ક એકાઉન્ટ ચાલુ રહે છે. કારણ કે બેન્ક સુધી અસાઇલમ સહિતની માહિતી જતી નથી. ઘણી બેન્કોને એકાઉન્ટ ઓપન કરવા સોશિયલ કાર્ડની જરૂર નથી હોતી. રેસિડેન્ટ પ્રૂફ અને પાસપોર્ટને આધારે અકાઉન્ટ ખોલી દે છે.’ રિલેટિવ ન હોય એ ક્યાં રહે?
તેમણે અંતમાં કહ્યું, ‘લગભગ 80% ઇલીગલ લોકોના રિલેટિવ અહીંયાં રહેતા હોય છે. 20% લોકો જ એવા હશે કે જેમનું અહીં કોઈ નથી. એ ફેમિલી એન્ડ ફ્રેન્ડ્સની હેલ્પ લે છે. અમારા જેવા લોકો સાથે પણ કનેક્ટ થતાં હોય છે. આ રીતે વકીલ સાથે પણ કનેક્ટ થઈ જતાં હોય છે. ‘ ટેનેસી સ્ટેટમાં ગેમરૂમ અને તમાકુ સ્ટોર ચલાવતા લાલાભાઈ દિનેશભાઇ પટેલે ગેરકાયદેસર ઘૂસતા લોકોને અસાઇલમ મેળવવામાં એજન્ટોના રોલ અંગે વાત કરી હતી. લાલાભાઈ પટેલે કહ્યું, ‘જ્યારે ગેરકાયદે ઘૂસેલા લોકોને ડિટેન્શન સેન્ટરમાં લઈ જઈ કયા દેશમાંથી આવ્યા છો તેનું વેરિફિકેશન થાય છે. જોકે એજન્ટે અહીં સુધી પહોંચાડ્યાની વાત કોઈ ઇલીગલ વ્યક્તિ કરતી નથી. ઇલીગલ લોકો પકડાઈ જાય એટલે એજન્ટોએ પહેલેથી વાર્તા શીખવાડી જ રાખી હોય. જેમ કે હું આવ્યો અને મારો પાસપોર્ટ ખોવાઈ ગયો છે.’ અસાઇલમમાં ઈમિગ્રેશન વકીલો હાજર હોય જ છે
લાલાભાઈ પટેલે વધુમાં કહ્યું, ‘અમેરિકા ઇમિગ્રન્ટ દેશ છે. ઇલીગલ લોકો પણ અહીં અસાઇલમના દાવો કરવાના હકદાર છે. અસાઇલમમાં ઇમિગ્રેશન વકીલો હાજર હોય જ છે. કોઈને પકડે ત્યારે પૂછે કે તમારે વકીલ કરવો છે? એમની પાસે રૂપિયા ન હોય તો સરકારી વકીલ પોતાના ખર્ચે આપે છે. જેને ડિસ્ટ્રિક્ટ એટર્ની કહેવાય. ડાયરેક્ટ તમારે ડિફેન્સ કરવું હોય તો એ પણ થાય. પણ નવી વ્યક્તિ આવી હોય એટલે ઈંગ્લિશમાં ટફ પડે, એટલે એ વકીલ રાખે છે. ‘ ગેરકાયદે પકડાયેલી વ્યક્તિ એ જ વકીલને ફોન કરે જે એજન્ટે જણાવ્યો હોય
તેમણે છેલ્લે કહ્યું, ‘ડિટેન્શન સેન્ટર વકીલોનું લિસ્ટ આપે કે તમારે કોઈ વકીલને ફોન કરવો છે? જેથી પકડાયેલો વ્યક્તિ એ જ વકીલને ફોન કરે જે એજન્ટે જણાવ્યો હોય. બધું પહેલાંથી સેટિંગ હોય છે. પકડાયેલા લોકોને ઓળખીતા વકીલને મેળવી આપે છે. એજન્ટને આ બધી ખબર જ હોય છે. જેમ કે કોઈ એજન્ટે 10 લોકોને મોકલ્યા અને તે પકડાઈ ગયા. તો એ બધાના પેપર મૂકી દેવાના. એટલે વકીલ ત્યાં પહોંચી જ જાય. એજન્ટો અને વકીલોનું પણ પહેલાંથી સેટિંગ હોય છે. ટેક્સાસ, કેલિફોર્નિયા, ફ્લોરિડા કે મેક્સિકો બોર્ડર નજીક છે. જે જ્યાંથી આવતું હોય એ નજીકમાં વકીલો સાથે એજન્ટો સતત કનેક્ટ હોય છે.’ જ્યોર્જિયા સ્ટેટના એટલાન્ટા ખાતે રહેતા અને ફેડરેશન્સ ઓફ ગુજરાતી એસોસિયેશન ઓફ યુએસએના પ્રમુખ ડૉ. વાસુદેવ પટેલ કેવી છટકબારી શોધીને ગેરકાયદે લોકો વર્ષો સુધી રહી જાય છે તેના વિશે વાત કરી હતી. ડૉ. વાસુદેવ પટેલે કહ્યું, ‘અમેરિકા માનવતાવાદી દેશ છે. હું ત્રણ વર્ષથી સોશિયલ સર્વિસમાં છું એમાં ઘણા અનુભવો થયેલા છે. ઘણીવાર ભારતના એજન્ટો પહેલાંથી સલાહ આપે કે પ્લેનમાં બેસી જાઓ પછી અમેરિકા ઊતરતા પહેલાં પાસપોર્ટ ફાડીને ટોઈલેટમાં ફ્લશ કરી નાખવો. ઊતરો એટલે કોઈ વસ્તુ ન હોય. ઈમિગ્રેશન રોકે તો એમને કહેવાનું કે મને મારા દેશમાં જાનનું જોખમ છે. અહીં આ રીતે આવેલા અમુક લોકોને હું જાણું છું. જેમણે અસાઇલમ માટે 2002ના રાયોટમાં જીવનું જોખમ હોવાનું કારણ આપ્યું હતું. હિન્દુ એવું કહે કે મને અમને મુસલમાનોથી જોખમ છે. મુસલમાન એવું કહે કે અમને હિન્દુઓથી જોખમ છે. આ રીતનાં અલગ અલગ બહાનાં કાઢીને અસાઇલમ મેળવી લીધું હતું.’ અમેરિકાની કોર્ટ પાસે એવી ફેસિલિટી નથી કે ભારતમાં ક્રોસ ચેક કરે
તેમણે કહ્યું, ‘અસાઇલમ માટે અહીં સ્ટેટમેન્ટ તો ઓરિજિનલ મૌખિક જ આપવાના હોય છે. કોર્ટ પાસે પણ ફેસિલિટી નથી કે ભારતમાં ક્રોસ ચેક કરે. અમેરિકાની સરકાર બધાની સચ્ચાઈ ક્યાં સાબિત કરવા જવાની હતી? FIRની કોપી ખોટી ઊભી કરી દીધી હોય. અહીંયાં એજન્ટો પાસે બધી જ વસ્તુઓ હોય છે. વિષચક્ર જ એટલું બધું ચાલે છે.’ ભારતથી અમેરિકા સુધી આખી લિન્ક છે
તેમણે કહ્યું, ‘અહીંના કાયદા જ એવા છે કે આવા લોકોને પકડીને પોલીસ કોર્ટમાં લઈ જાય. એટલે કોર્ટ પહેલા તો એમ કહે કે આમને ખાવા પીવા માટે કામ કરવાની સગવડ આપો. જેથી ટેમ્પરરી વર્ક પરમિટ મળે. આ લોકો આ ધ્યેયથી જ અહીં આવ્યા હોય છે. આવા લોકોને સ્ટુડન્ટની જેમ કામ કરવાની કોઈ લિમિટ નથી. ભારતથી અમેરિકા સુધી આખી લિન્ક જ હોય છે. લોયરની લોબી પણ તૈયાર હોય છે. એમના 5થી 10 હજાર ડૉલરના ભાવ હોય છે. જે હપ્તે હપ્તે ચૂકવી દેવાના. કાયદા બનાવવામાં કે ચેન્જીસ કરવામાં પણ આ લોયરની લોબી ઘણી પાવરફુલ હોય છે. એ કોર્ટની અંદર ઊભા રહી જાય. કોર્ટની તારીખ મેળવી લે. ત્યાં પણ તારીખ પે તારીખ જેવું જ છે. એમાં પણ ખોવાઈ જાય તો આટલા મોટા દેશમાં પોલીસ ક્યાં શોધવા જવાની છે? ક્રાઇમ ન કરેલો હોય એમને 3 કે 5 વર્ષની વર્ક પરમિટ મળે. પછી ખોવાઈ જાય.’ ડેમોક્રેટ સરકાર સામેથી લોકોને લે છે
તેમણે ઉમેર્યું, ‘સીરિયા જેવા દેશો માટે તો અમેરિકા માનવ અભિગમ દાખવી સામેથી લોકોને લે છે. એમાં પણ ડેમોક્રેટ પાર્ટી સત્તા પર આવે ત્યારે આ થતું હોય છે. આ મારો પર્સનલ ઓપિનિયન છે. ડેમોક્રેટ એટલે આવા લોકોને લાવે છે કે લાંબા ગાળે રહે. કોઈપણ યોજના હેઠળ સિટિઝન થાય તો ડેમોક્રેટ માટે એમની લાગણી હંમેશાં કૂણી જ રહેવાની છે. બેઝિકલી વૉટબેંક ઊભી કરે છે. ટ્રમ્પ રિપબ્લિકન છે. એની વિચારસરણી દેશનું હિત પહેલું છે. ડેમોક્રેટ પણ દેશનું હિત જ જુએ છે પણ એમની સ્ટ્રેટેજી વધુમાં વધુ વૉટબેંક કઈ રીતે ઊભી કરવી એમાં જ છે.’ અસાઇલમવાળાને હોસ્પિટલ કે સ્કૂલ સ્ટેટ્સ ના પૂછી શકે
ડૉ. વાસુદેવ પટેલે કહ્યું, ‘અસાઇલમ પર હો એટલે રહેવાનું લીગલ સ્ટેટસ થઈ ગયું. જેથી હોસ્પિટલ કે પોલીસ તમને ના ન પાડી શકે. અમેરિકામાં કોઈ પણ હોય સ્કૂલને સ્ટુડન્ટનું સ્ટેટસ પૂછવાનો રાઇટ નથી. મેડિકલ સેવા આપવી જ પડે. એમાં ખામી દેખાય તો એમની ઉપર લૉ સ્યૂટ કરી શકે. ઇલીગલ બાળકોને ભણાવવાની જવાબદારી સ્ટેટ (રાજ્ય) લે છે. ઉપરાંત ઘરે આવીને ફ્રી ઑફ ચાર્જ બસ લઈ જાય. પણ ખોટી વસ્તુ એ છે કે ઇલીગલ લોકોને રાઇટ્સ આપીને ભણાવવા જતાં સ્કૂલો ઓવર લોડેડ થઈ ગઈ છે. અમે લીગલ લોકો હાઇ ટેક્સ ભરીએ છીએ. અમારા ત્યાં સારી સ્કૂલ છે, એમાં પણ આવા લોકો ભણવા આવે છે. એના કારણે પરિસ્થિતિ એ છે કે મોટા કન્ટેનરમાં એસી લગાવીને ભણાવવામાં આવે છે.’ જલદી પ્રેગેનન્ટ થઈને બાળકને જન્મ આપે છે
ડૉ. વાસુદેવ પટેલે વધુમાં કહ્યું, ‘બાળક અમેરિકામાં જન્મે એટલે તેને બર્થ રાઇટ મળી જાય છે. બોર્ડર ક્રોસ કરીને આવેલા એ લોકો સૌથી વધુ આ કરે છે. જેમ બને એમ જલદી પ્રેગ્નન્સી થઈ જાય. બાળકનો જન્મ થાય. બર્થ રાઇટ મળે. મોટો થાય. પુખ્ત થાય એટલે એના પરથી આ માતા-પિતાને રાઇટ મળી જાય છે. મારા ધ્યાને એક એવા ભાઈ છે કે અમેરિકામાં વર્ષો પહેલાં ગરેકાયદે ઘૂસ્યા હતા. એ વખતે તેમનાં પત્ની ઈન્ડિયામાં પ્રેગ્નન્ટ હતાં. એમને બેબી જન્મી. તેના મેરેજ પણ થઈ ગયા પણ પિતા હજી અમેરિકા જ છે. ઈન્ડિયા પાછા આવે તો જવાય નહીં. મતલબ લોકોએ આર્થિક વ્યવસ્થાને પ્રાયોરિટીમાં મૂકી છે.’ એક ભાઈ 21 વર્ષ બાદ કંટાળીને ભારત પાછા ગયા
તેમણે કહ્યું, ‘અમારા સર્કલમાં એક ગુજરાતી સમાજના ભાઈ હતા. જે અમેરિકામાં 21 વર્ષ બાદ જાતે થાકીને ઈન્ડિયા પાછા આવતા રહ્યા હતા. કારણ કે છેક સુધી લીગલ થયા જ નહીં. હવે અસાઇલમવાળાના ડ્રાઇવિંગ લાઇસન્સ રિન્યૂ કરવાનું બંધ કરી દીધું છે. ઈન્ડિયન પાસપોર્ટ લીગલ હોય ત્યાં સુધી ડ્રાઇવિંગ લાઇસન્સ રિન્યૂ થઈ શકે. હવે ભારત સરકાર પણ સ્ટ્રિક્ટ થઈ ગઈ છે. વર્ષ 2016 પછી કોઈ લીગલ ડોક્યુમેન્ટ નથી એનો પાસપોર્ટ રિન્યૂ કરવાનું જ બંધ કરી દીધું છે. એટલે કે પાસપોર્ટ રિન્યૂ ન થયો તો એનાં અનેક જોખમ છે. આપણને પણ દયા આવે. ફ્લોરિડામાં રહેતા વ્યક્તિએ શિકાગો પ્લેનમાં જવું હોય તો ન જઈ શકે. લીગલ ડોક્યુમેન્ટ નથી તો ટ્રેન કે બસ પણ બેસવા ન દે. એ રસ્તા એમની માટે બેધ થયા. એક જ રસ્તો પ્રાઇવેટ ટેક્સીનો બચે. એટલાન્ટાથી શિકાગો 4000 ડૉલર ભાડું થાય. આપણા દેશી જ આ કરતાં હોય છે. રેગ્યુલર પ્લેનમાં જાઓ તો 100 થી 150 ડૉલરમાં પતી જાય એના 4000 ડૉલર આપવા પડે.’ 2016 પછી ભારત સરકારે આવા પાસપોર્ટ રિન્યૂ ન કરતાં મુશ્કેલી ઊભી થઈ
‘બીજું, ડ્રાઇવિંગ લાઇસન્સ ન મળે એટલે ટ્રાન્સપોર્ટેશન અટકી જાય. કાર ચલાવો તો બીક રહ્યા કરે. એમનાં બાળકો જન્મે. કોલેજમાં જાય ત્યારે કોઈ લીગલ સ્ટેટસ ન હોય તો એમણે ઇન્ટરનેશનલ સ્ટુડન્ટ તરીકે ભણવું પડે. એની ફી ડબલ ભરવી પડે. એમની માટે દુ:ખ થાય કે ભારત સરકારે આવા લોકોના પાસપોર્ટ રિન્યૂ કરી આપવા જોઈએ. તમને ખબર છે કે તમે જવા દીધા ત્યારે જ ગયા છે. હું ઇલીગલ એક્ટિવિટીની વિરુદ્ધમાં છું. પણ આવા સમયે મદદ કરી શકાય.’ અસાઈલની આંટીઘૂંટી સમજવા માટે અમે અમદાવાદના વિઝા એક્સપર્ટ પાર્થેશ ઠક્કર સાથે પણ વાતચીત કરી હતી, જેમાં તેમણે અસાઇલમ ઉપરાંત U કેટેગરીના વિઝાના નેક્સસ વિશે ચોંકાવનારી માહિતી આપી હતી. કોઈ પણ રેફ્યુજી કે અસાઇલમ ક્લેમ કરે તો જે-તે દેશે એકવાર તો સાંભળવા જ પડે
પાર્થેશ ઠક્કરે કહ્યું, ‘બહુ બધા દેશોમાં અસાઇલમ પ્રોસેસ બહુ જ સ્લો છે. કેનેડામાં એક સમયે પાંચેક વર્ષ લગતાં હતાં. નિયમ એવો છે કે એકવાર અસાઇલમ એક્સેપ્ટ કરવો જ પડે છે. પછી એનું હિયરિંગ થાય. એમાં એક લોયર હાયર કરી શકો છો. એમાં ઘણા ક્લેમ થાય પણ પાંચેક વર્ષ સુધી વ્યક્તિ ત્યાં રહે તો એને ફરજિયાત વર્ક પરમિટ આપવી પડે. જેથી એટલા સમય સુધી ત્યાં ઑફિશિયલી કામ કરીને વ્યક્તિ ઘણા પૈસા કમાઈ શકે.’ અસાઇલમ કેવી રીતે મળે?
તેમણે કહ્યું, ‘સામાન્ય રીતે કોઈને પોતાના દેશમાં જીવનું જોખમ હોય કે મોટી કુદરતી આફત આવી હોય તેમને અસાઇલમ મળે છે. જેમકે ચેન્નાઈ અને શ્રીલંકામાં સુનામી આવી હતી એ સમયે ઘણા લોકોએ અમેરિકા સહિતના દેશોમાં અસાઇલમ ક્લેમ કર્યું હતું અને એમને મળ્યું પણ હતું, કારણ કે એ રિયલ હતું પણ એવું કારણ આપો કે રાજકીય દુશ્મનાવટને કારણે જીવ જોખમ છે તો તમારે તેના પ્રૂફ ઊભા કરવા પડે. લોકો આવા ખોટા પ્રૂફ ઊભા પણ કરે છે. જોકે ત્યાંની સરકાર સમજી જાય છે.’ પહેલાં ગુજરાતીઓ મેનહોલ- ગટરમાં છુપાઈ જતા હતા
તેમણે ઉમેર્યું, ‘હવે અમેરિકાની પોલીસ સ્ટ્રિક્ટ થઈ છે. જેથી કોઈ ભાગી શકતું નથી. મેં સાંભળ્યું છે કે ટેક્સાસ કે ન્યુ મેક્સિકો સ્ટેટમાં બોર્ડર પર ગુજરાતીઓની મોટલ છે. ત્યાં ઘણા લોકો રોડ પર મેનહોલ- ગટરમાં છુપાઈ જતા હતા. ત્યાંથી એમને લઈ જતા હતા. હવે અમેરિકન પોલીસ થર્મલ કેમેરા વાપરે છે. જેનાથી કોઈ બચી જ ન શકે. થર્મલ, લેસર ઇમેજિન, રડાર ટેક્નિક પણ એ વાપરે છે, જેનાથી માણસ પકડાઈ જ જાય. જેથી હવે બધાને ખબર છે કે ભાગીને છુપાઈ શકવાના નથી તો અસાઇલમ ક્લેમ કરીએ.’ એફિડેવિટમાં આપણા જ દેશનું ખરાબ લખે છે
પાર્થેશ ઠક્કરે નારાજગી વ્યક્ત કરતા કહ્યું, ‘એક ખરાબ બાબત એ છે કે આપણા દેશના લોકો ત્યાં અસાઇલમ મેળવવા માટે આપણાં જ દેશનું ખરાબ લખે છે. એફિડેવિટ ફાઈલ કરતી વખતે ઓથ લેવાના હોય છે, જેમાં કહેતા હોય છે કે મને ભારત દેશમાં આટલી તકલીફો છે. ભારતમાં મારી સાથે આવું થઈ રહ્યું છે. મારો જીવ જતો રહેશે. જેથી તમે મને અસાઇલમ આપો. એ ઘણું જ ખરાબ છે કે ઈન્ડિયન પાસપોર્ટ હોલ્ડર ત્યાં જઈને ઈન્ડિયા માટે જ એફિડેવિટ પર ખરાબ લખે છે.’ તેમણે ડિટેન્શન સેન્ટર અંગે કહ્યું, ‘મે સાંભળ્યું છે કે ગેરકાયદે જતાં લોકોને અમુક સમય સુધી ડિટેન્શન સેન્ટરમાં રહેવું પડે છે. જ્યાં ટફ-અનકમ્ફર્ટેબલ સ્થિતિમાં હોય છે. હેલ્થ હાઇજિન સાથે પણ કૉમ્પ્રોમાઇઝ કરવું પડે છે. હવે અમેરિકાની સરકાર એવી સ્થિતિ બનાવશે કે વ્યક્તિને લાગશે કે આ કરીને મેં ભૂલ કરી છે.’ અસાઇલમ ક્લેમ રિજેક્ટ થાય તો બીજા કોઈ દેશના વિઝા મળવા બહુ મુશ્કેલ
અસાઇલમ ક્લેમ રિજેક્ટ થવા અંગે તેમણે કહ્યું, ‘કોઈ રેફ્યુજી કે અસાઇલમ ક્લેમ કરે છે અને તે રિજેક્ટ થાય તો અન્ય કોઈપણ દેશના વિઝા મેળવવા એની માટે નેક્સ્ટ ટુ ઇમ્પોસિબલ થઈ જશે. યુનાઈટેડ નેશન્સનું એક સેફ કન્ટ્રી એગ્રીમેન્ટ છે. જેથી તમે યુએસમાં અસાઇલમ ક્લેમ કર્યું હોય તો કેનેડામાં ન કરી શકો. યુરોપમાં કર્યું હોય તો યુકેમાં ન કરી શકો. મતલબ કોઈપણ એક સેફ કન્ટ્રીમાં અસાઇલમ ક્લેમ કરો તો બીજી કન્ટ્રીમાં ન કરી શકો. જો તમે ક્લેમ કર્યો અને રિજેક્ટ થયો તો બીજી એક પણ કન્ટ્રી વિઝિટર વિઝા પણ નહીં આપે.’ અમેરિકામાં U કેટેગરીના વિઝાનું પણ નેક્સસ
તેમણે દાવો કર્યો, ‘અમેરિકામાં U કેટેગરીના વિઝાનું પણ એક નેક્સસ ચાલે છે. આ વિઝાને વિકટિમ વિઝા પણ કહે છે. વિકટિમ ઓફ ક્રાઇમ. અમેરિકામાં તમે કોઈ પણ પ્રકારના ગુનાના વિકટિમ (પીડિત) બનો તો તમે આ U કેટેગરીના વિઝા માટે એપ્લાય કરી શકો છો. જેમાં વ્યક્તિએ સરકારને ‘હું તમને ક્રાઈમનું ઇન્વેસ્ટિગેશન કરવામાં પૂરેપૂરો સહકાર આપીશ. અને તમે મને ગ્રીનકાર્ડ એપ્લાય કરવા દો’ એવા પ્રકારની એપ્લિકેશન કરે છે.’ પૈસા આપીને પોતાના પર હુમલો કરાવે છે
તેમણે કહ્યું, ‘U વિઝાની કેટેગરીનો પણ બહુ દુરુપયોગ થાય છે. જેના વિઝા લેવાનું આખું નેટવર્ક ચાલે છે. જેમાં વ્યક્તિએ પહેલા સિચ્યુએશન ક્રિએટ કરી રાખી હોય. ક્રિમિનલને પણ પૈસા આપેલા હોય. જે પ્રોફેશનલ ક્રિમિનલ જ હોય છે. એને તો કોઈ ફરક નથી પડતો. જેમાં ક્રિમિનલને પૈસા આપીને પોતાના પર હુમલો કરાવે છે. જેમાં નાની-મોટી ઇન્જરી થાય. ભોગ બનનાર હોસ્પિટલાઇઝ થાય અને ક્રિમિનલ સામે પોલીસ કેસ થાય. પોલીસના ઇન્વેસ્ટિગેશનમાં તમે પૂરેપૂરો સપોર્ટ કરો અને તમને U કેટેગરીના વિઝા મળી જાય છે. આમાં બધા મળેલા હોય છે. મેં એવું પણ સાંભળ્યું છે કે કદાચ સરકારી અધિકારીઓ પણ મળેલા હોય છે. સાચું ખોટું મને ખબર નથી. એવા પણ ઘણા લોકો હતા જેણે વિઝિટર વિઝા પર આવીને આ રસ્તો અપનાવ્યો હતો.’ આખો ક્રાઇમ સીન ક્રિએટ કરે
તેમણે ઉમેર્યું, ‘ચોરી, કાર જેકિંગ, ડ્રગ એડિક્ટ, ગેંગવોર જેવા કોઈ પણ ક્રાઇમ U કેટેગરીમાં આવે છે પણ સામાન્ય રીતે આ કેટેગરીમાં વિઝા મેળવવા માગતા લોકો ઓછામાં ઓછા ગુનેગાર ઇન્વોલ્વ કરે છે, કારણ કે જેટલા ઇન્વોલ્વ કરે એટલા વધારે રૂપિયા આપવા પડે. જેથી નાના સ્કેલ પર આખો ક્રાઇમ સીન રાખે, જેથી વિક્ટિમને વધારે ઇન્જરી પણ ન થાય. જોકે યુએસ સરકાર હવે એ પણ સમજી રહી છે. એને પણ દૂર કર રહી છે.’ અમેરિકાને આની પણ જાણ થઈ ગઈ છે
પાર્થેશ ઠક્કરે કહ્યું, ‘જોકે હવે ટ્રમ્પ સરકારે U વિઝાની મોટાભાગની એપ્લિકેશન અટકાવી દીધી છે. પ્રોસેસમાં નથી લેવાતી અને કદાચ ચાલશે પણ નહીં. યુએસ ગવર્નમેન્ટ વર્ષોથી અફઘાનિસ્તાનમાં હતી. ત્યાં યુએસ મિલિટરીને જે પણ લોકલ અફઘાનીએ મદદ કરી હતી એમને પણ અમેરિકાએ રેફ્યૂઝી વિઝા આપ્યા હતા. આવા 1800 જેટલા લોકોની ગ્રીનકાર્ડની એપ્લિકેશન એપ્રૂવ થઈ ગઈ હતી પણ એ સ્ટોપ કરી દીધી છે.’ ફેક મેરેજ વિઝા
પાર્થેશ ઠક્કરે વધુમાં કહ્યું, ‘આ સિવાય ઘણા મેરેજ કરીને પણ વિઝા લેતા હતા. ઘણા આ રીતે કેનેડા પણ જતા હતા. તો તે નિયમ લાવ્યા કે તમે કેનેડિયન પીઆર કે સિટિઝન છો અને મેરેજ કર્યા, બહારથી કોઈને સ્પોન્સર કર્યું પછી તેને ડિવોર્સ આપ્યા તો પાંચ વર્ષ સુધી અન્ય કોઈ વ્યક્તિને સ્પાઉસ વિઝા સ્પોન્સર ન કરી શકો. મેરેજ કરી શકો પણ કેનેડામાં પાંચ વર્ષ બોલાવી ન શકો. જેથી કેનેડામાં ફેક મેરેજ થતાં હતાં એ બંધ થઈ ગયાં. ‘ 28 વર્ષથી યુએસમાં રહેતા અને 42 સમાજ ઓફ નોર્થ અલાબામાના કમિટી મેમ્બર આદેશભાઈ પટેલનો પણ મત જાણ્યો હતો. આદેશભાઈ પટેલે કહ્યું, ‘અસાઇલમના 1% કેસ જ એપ્રૂવ થાય છે. એટર્ની સલાહ આપે એના પર ફોલોઅપ કરવું પડે. ઘણીવાર પતિ-પત્ની હોય એમાંથી પત્નીના નામે કેસ ચાલતો હોય અને પતિને બીજી રીતે વર્ક પરમિટ આવી હોય તો બંનેને મર્જ કરીને ગ્રીનકાર્ડ મળી શકે. મેં એવા કેસ જોયા છે જે 15 વર્ષ સુધી ચાલે છે.’ અમેરિકાની અંદર આવીને હાથ અધ્ધર કરી દેવાના
આદેશભાઈ પટેલે કહ્યું, ‘ટૂંકમાં કહીએ તો અમેરિકાની અંદર આવીને હાથ અધ્ધર કરીને કહી જ દેવાનું હોય છે કે મને તકલીફ છે. અહીંનું તંત્ર તેનો ઇન્ટરવ્યૂ લે. એમાં પૂછે કે શું તકલીફ છે? એના બેઝ પર કેસ બનાવે. પછી આ દેશમાં છોડી મૂકે. કોર્ટની ડેટ આપે. એ દરમિયાન વર્ક પરમિટ ઇશ્યૂ થાય. આ દરમિયાન ઇલગીલ લોકોએ ક્રાઇમ નહીં કરવાનો. ઘણીવાર ઓવર સ્પીડિંગ કે ડ્રિંક એન્ડ ડ્રાઈવને પણ સિરિયસ કન્સિડર કરવામાં આવે છે.’ તેમણે કહ્યું, ‘અસાઇલમનો લાંબો કેસ લગભગ 20 વર્ષ જૂનો છે. એ હજુ ચાલુ જ છે. રોનાલ્ડ રેગન પ્રેસિડેન્ટ હતા. એ સમયે ફાર્મર લૉ બહાર પડ્યો હતો. એમાં ઘણા કેસ નાખવામાં આવ્યા હતા. એમાં ઘણા કેસ એવા હતા કે જેમણે સાથે અસાઇલમ પણ કર્યું હોય. એવા કેસનું રિઝલ્ટ ઘણીવાર નથી આવ્યું. આવા કેસ તો ઘણા છે. જે પેન્ડિંગમાં જાય, ફાઇલ ન મળતી હોય એવું બને. જોકે એ રેર છે.’ ગુજરાતી સમાજ ઓફ હ્યુસ્ટનના પ્રમુખ પ્રકાશ વી પટેલે અસાઇલમ માટે અમુક લોકો દ્વારા દેશને બદનામ કરતાં કારણો આપવા પ્રત્યે નારાજગી વ્યક્ત કરી હતી. પ્રકાશ વી પટેલે કહ્યું, ‘અસાઇલમ માટે આપણા લોકો અમેરિકામાં ભારતને બદનામ કરતાં કારણો આપે છે. એ કેટલું ખોટું છે. એક તો ગુનો કરો છો. ઉપરથી સરકારને બદનામ કરો છો. આવું કરવાથી ત્યાં લીગલ રહેતા ભારતીયોને પણ અન્યાય થાય છે.’ અમારી ખાસ સિરીઝ ‘ડૉલર ડ્રીમ્સ’ના આવતી કાલે ત્રીજા એપિસોડમાં વાંચો ગુજરાતીઓ જીવના જોખમે કેવી રીતે ગુજરાતીઓ યુએસમાં ઘૂસણોખોરી કરે છે? રસ્તામાં કેવી રીતે થાય છે મહિલાઓનું શોષણ? નોર્મલ લાઈન અને વીઆઈપી લાઈનમાં શું ફેર હોય છે? ‘ડૉલર ડ્રીમ્સ’ સિરીઝનો પહેલો એપિસોડ: અમેરિકામાં ઇલીગલ ગુજરાતીઓમાં ફફડાટ, જીવ પડીકે બંધાયા:કામ પર જવાનું બંધ કરી ઘરમાં કેદ થયા, 3 મહિના આવી સ્થિતિ રહી તો ફાંફાં પડશે તમારી પાસે કોઈ માહિતી હોય કે તમને કોઈ ઈશ્યૂ હોય તો અમારી સાથે dvbbhaskar123@gmail.com પર શૅર કરો. અમે તમારો સંપર્ક કરીશું.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments