અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ઈમેલનો જવાબ ન આપવા બદલ સરકારી કર્મચારીઓને કાઢી મૂકવાની ધમકી આપવાના મામલામાં ઈલોન મસ્કનું સમર્થન કર્યુ છે. મેક્રોન સાથેની પ્રેસ કોન્ફરન્સમાં ટ્રમ્પે કહ્યું કે ઘણા લોકો કામ ન કરી રહ્યા હોવાથી ઈમેલનો જવાબ નથી આપી રહ્યા. ટ્રમ્પે કહ્યું- મને લાગે છે કે તે અદ્ભુત છે. કારણ કે આપણી પાસે ઘણા એવા લોકો છે જે કામ પર નથી આવતા અને કોઈને ખબર નથી કે તેઓ સરકાર માટે શું કામ કરી રહ્યા છે. ટ્રમ્પે કહ્યું કે દરેક સ્ટાફે આ અઠવાડિયે તેમણે શું કામ કર્યું છે તેની માહિતી આપવી જોઈએ. જેથી ખબર પડશે કે તેઓ ખરેખરમાં કામ કરી રહ્યા છે કે નહીં. આના દ્વારા સરકારને એ પણ ખબર પડશે કે કોઈ કામ કર્યા વિના કોને પૈસા મળી રહ્યા છે. જો કોઈ માહિતી નહીં આપે તો તેને ટૂંક સમયમાં નોકરીમાંથી કાઢી મૂકવામાં આવશે. ટ્રમ્પે કહ્યું કે DOGE એ સેંકડો અબજો ડોલરના કૌભાંડનો પર્દાફાશ કર્યો છે. તપાસમાં જાણવા મળ્યું છે કે જે કર્મચારીઓ હાજર પણ નથી તેઓ પણ પગાર મેળવી રહ્યા છે. જો કે, ટ્રમ્પે પોતાના દાવાના સમર્થનમાં કોઈ પુરાવા રજૂ કર્યા ન હતા. મસ્કે કહ્યું- મને 7 દિવસનો હિસાબ આપો અથવા નોકરી છોડી દો
ઈલોન મસ્કના DOGE વિભાગે અમેરિકાના તમામ ફેડરલ કર્મચારીઓને 3-લાઇનનો એક ઇમેઇલ મોકલ્યો. આમાં તેમને પૂછવામાં આવ્યું હતું કે તેમણે છેલ્લા એક અઠવાડિયામાં શું કામ કર્યું. તેમણે આનો જવાબ 5 પોઈન્ટમાં આપવાનો હતો. આ ઈમેલ યુએસ ઓફિસ ઓફ પર્સનલ મેનેજમેન્ટ (OPM) તરફથી આવ્યો હતો, જેનો વિષય ‘ગયા અઠવાડિયે તમે શું કર્યું?’ હતો. આ ઇમેઇલ 23 લાખ ફેડરલ કર્મચારીઓને મોકલવામાં આવ્યો હતો અને તેમણે સોમવારે રાત્રે 11:59 વાગ્યા સુધીમાં તેનો જવાબ આપવાનો હતો. જો કે, ઈમેલમાં એવું લખ્યું ન હતું કે આમ ન કરવા પર નોકરીમાંથી કાઢી મુકવામાં આવશે. મસ્કે બાદમાં ચેતવણી આપી હતી કે જો કોઈ કર્મચારી જવાબ નહીં આપે, તો તેને તેનું રાજીનામું માની લેવામાં આવશે. કાશ પટેલે કહ્યું હતું- કોઈપણ ઈમેલનો જવાબ ન આપો
મસ્કના ઈમેલના જવાબમાં, નવા નિયુક્ત FBI ડિરેક્ટર કાશ પટેલે તેમના કર્મચારીઓને હાલ પૂરતા કોઈપણ ઈમેલનો જવાબ ન આપવા જણાવ્યું. કાશ પટેલને FBIના 9મા ડિરેક્ટર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. કર્મચારીઓને કાઢી મૂકવાની મસ્કની ધમકીનો મામલો હવે કોર્ટમાં પહોંચ્યો છે. સોમવારે કેલિફોર્નિયાની ફેડરલ કોર્ટમાં ફેડરલ કર્મચારીઓએ રાષ્ટ્રપતિ ટ્રમ્પ અને તેમના સલાહકાર મસ્ક સામે કેસ દાખલ કર્યો. મસ્કના આદેશ સામે સેંકડો કર્મચારીઓ કોર્ટમાં ગયા
ફેડરલ કર્મચારીઓના વકીલોએ સોમવારે જણાવ્યું હતું કે રાષ્ટ્રપતિ ટ્રમ્પના અબજોપતિ સલાહકાર મસ્કે સરકારી કર્મચારીઓને કાઢી મૂકવાની ધમકી આપીને કાયદાનું ઉલ્લંઘન કર્યું છે. કેસમાં જણાવાયું છે કે અમેરિકાના ઇતિહાસમાં ક્યારેય કોઈ કર્મચારી પાસેથી આવો રિપોર્ટ માંગવામાં આવ્યો નથી. આ દરમિયાન, વોશિંગ્ટન પોસ્ટે સૂત્રોને ટાંકીને જણાવ્યું છે કે યુએસ ઓફિસ ઓફ પર્સનલ મેનેજમેન્ટ (OPM) એ તેના કર્મચારીઓને આ ઇમેઇલને ઈગ્નોર કરવા કહ્યું છે. તેમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે ઇમેઇલનો જવાબ આપવો સ્વૈચ્છિક હતો.