પોરબંદર-દ્વારકા હાઈવે પર કુછડી ગામ નજીક સોમવારે મોડી રાત્રે એક ગંભીર અકસ્માત સર્જાયો હતો. કર્ણાટકના વિજાપુર જિલ્લાના ચડચણ તાલુકાની યાત્રાળુઓથી ભરેલી બસ બંધ પડેલી ટ્રક સાથે અથડાઈ હતી. આ અકસ્માતમાં બે યાત્રાળુઓ મહાદેવ લક્ષ્મણ મૈત્રી (ઉ.વ 61) અને મલ્લિકાર્જુન સરમણખા અદલગી (ઉ.વ 45)ના ઘટનાસ્થળે જ મૃત્યુ થયાં હતાં. અકસ્માતમાં 10 યાત્રાળુઓને ઈજાઓ પહોંચી હતી. તમામ ઘાયલોને સારવાર માટે પોરબંદરની ભાવસિંહજી સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું કે યાત્રાળુઓની બસ સોમનાથથી દ્વારકા તરફ જઈ રહી હતી. કુછડી ગામ નજીક ગોલાઈ પાસે રસ્તા પર બંધ પડેલા ટ્રક સાથે બસ અથડાઈ હતી. અકસ્માતની જાણ થતાં સ્થાનિક પોલીસ અને આરોગ્ય વિભાગની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી. પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી છે. ઈજાગ્રસ્તોનાં નામ કર્ણાટકથી આઠ દિવસના પ્રવાસે નીકળ્યા હતા
આ બનાવ અંગે બસમાં સવાર યાત્રાળુ સોમ શેખરે જણાવ્યું હતું કે, અમે સોમનાથથી દ્વારકા જઇ રહ્યા હતા. આ દરમિયાન ટર્ન લેતા સમયે રોડ પર કોઇપણ પ્રકારનાં સિગ્નલ વિના જ એક બંધ ટ્રક પડી હતી તેની પાછળ અમારી લક્ઝરી બસ અથડાઇ. આ અકસ્માતમાં મારા કાકાનો દીકરો વિશ્વનાથ અને અન્ય એક યુવક મલપ્પાનું મોત થયું છે. અમે કર્ણાટકથી આઠ દિવસના પ્રવાસે નીકળ્યા હતા. અમે શિરડી દર્શન કરી પછી સોમનાથ આવ્યા હતા અને દ્વારકા તેમજ નાગેશ્વર દર્શન માટે જઈ રહ્યા હતા.