વડોદરા | ઈ.સ. 1026માં મહમૂદ ગઝનવીએ સોમનાથ મંદિર અને શિવલિંગને તોડ્યું હતું. અગ્નિહોત્રી બ્રાહ્મણોએ આ શિવલિંગના ટુકડાઓને સાચવી રાખીને તેમને સુરક્ષિત સ્થાને લઈ જવામાં આવ્યા હતા. પેઢી દર પેઢી સાચવવામાં આવેલા આ શિવલિંગના અંશ પૈકી 4 અંશ આર્ટ ઓફ લિવિંગના પ્રણેતા શ્રીશ્રી રવિશંકરજી પાસે હોવાનું તેમણે જાહેર કર્યું છે. આ અંશ તાજેતરમાં મહા કુંભ પહેલાં જ તેમને પ્રાપ્ત થયાનું પણ તેમણે જણાવ્યું છે. આ અવશેષોને એક વસ્ત્રમાં સંભાળપૂર્વક લાવવામાં આવ્યા ત્યારે તેમાંથી એક વિશિષ્ટ ચુંબકીય શક્તિનો અનુભવ થઈ રહ્યો હતો. આ 4 અંશ પૈકી 2ની સ્થાપના બેંગ્લોરમાં કરાશે, જ્યારે અન્ય 2નું સોમનાથમાં પુન: સ્થાપન કરવાની પણ વિચારણા કરાઈ રહી છે. શિવલિંગના અંશ શ્રીશ્રી સુધી પહોંચવા સુધીની ઘટના એવી છે કે, છેલ્લી સદીના પ્રારંભમાં સ્વામી પ્રણવાનંદ સરસ્વતીએ તેમના ગુરુ પાસેથી અવશેષો પ્રાપ્ત કર્યા હતા. તેઓ તેને કાંચી શંકરાચાર્ય સ્વામી ચંદ્રશેખરેન્દ્ર સરસ્વતી પાસે લઈ ગયા હતા. જ્યાં તેને 100 વર્ષ સુધી ગુપ્ત રાખવા માટે કહ્યું. ત્યારબાદ અવશેષો સીતારામ શાસ્ત્રીજીના પરિવારને સોંપવામાં આવ્યા અને 100 વર્ષ પછી તે વર્તમાન કાંચી શંકરાચાર્ય સ્વામી વિજયેન્દ્ર સરસ્વતી પાસે પહોંચ્યા હતા. શંકરાચાર્યજીના નિર્દેશ મુજબ આ અવશેષ પુન: સ્થાપિત કરવા માટે શ્રીશ્રીને સોંપવામાં આવ્યા છે. જે પૈકી 2 અવશેષ બેંગ્લોરમાં અને 2 અવશેષ સોમનાથમાં સ્થાપવા માટેની વિચારણા હાથ ધરાઇ છે. 1 હજાર વર્ષ પછી મૂળ સોમનાથ લિંગની મહિમાનું પુનઃ સ્થાપન થઈ રહ્યું છે. શિવલિંગના ચુંબકીય તત્ત્વથી વિજ્ઞાનિકોને આશ્ચર્ય 2007માં વૈજ્ઞાનિકોએ આ અવશેષોની રચનાનો અભ્યાસ કર્યો હતો. તેમને કેટલાંક આશ્ચર્યજનક તારણો મળ્યાં હતાં, જેનાથી આ શિવલિંગનું રહસ્ય વધુ ઘેરું બન્યું હતું. વૈજ્ઞાનિકોને માલૂમ પડ્યું કે, કેન્દ્રમાં એક મજબૂત ચુંબકીય ક્ષેત્ર છે, જે અત્યંત અસામાન્ય છે. આ વિશિષ્ટ ચુંબકીય પથ્થર હોવો જોઈએ જે અત્યંત દુર્લભ છે. એવું માનવામાં આવે છે કે, આ શિવલિંગ કોઈ ઉલ્કાપિંડમાંથી બનેલું હોઈ શકે છે, જે બાહ્ય અવકાશમાંથી આવેલું હોય. 2ની સ્થાપના બેંગલુરુમાં વડાપ્રધાન સાથે વાત કર્યા પછી કાર્યવાહી થશે
તત્કાલીન બ્રાહ્મણોએ શિવલિંગના અંદાજિત 10 થી 12 ટુકડામાં સાચવ્યા હતા. જે પૈકીના 4 અંશ બેંગ્લોર ખાતે છે. હવે શ્રીશ્રી રવિશંકરજી વડાપ્રધાન સાથે વાતચીત કરીને તેને સોમનાથ અને બેંગ્લોરમાં સ્થાપના માટેની કાર્યવાહી કરી શકે છે. – જીતેન્દ્ર ખીમલાની, ગુજરાત સ્ટેટ મીડિયા કોર્ડિનેટર, આર્ટ ઓફ લિવિંગ