સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશન (CBSE)એ 2026 થી વર્ષમાં બે વાર ધોરણ 10ની બોર્ડ પરીક્ષાઓ યોજવા માટેના ડ્રાફ્ટ રેગ્યુલેશનને મંજૂરી આપી દીધી છે. બધા સ્ટેક હોલ્ડર્સ 9 માર્ચ સુધી ડ્રાફ્ટ પર પોતાનો પ્રતિભાવ આપી શકે છે, ત્યારબાદ આ પોલિસીને અંતિમ સ્વરૂપ આપવામાં આવશે. બોર્ડની પરીક્ષા બે વાર ક્યારે લેવામાં આવશે, શું બે વાર પરીક્ષા આપવી જરૂરી રહેશે, અંતિમ પરિણામ કેવી રીતે નક્કી થશે? દરેક સવાલોનો જવાબ જાણો- સવાલ-1: બોર્ડની પરીક્ષા બે વાર લેવાનો નિયમ ક્યારે લાગુ થશે?
જવાબ: આ નિયમ 2025-26 સત્રથી લાગુ થશે. આનો અર્થ એ થયો કે વર્ષ 2026માં, બોર્ડ પરીક્ષાઓ બે વાર લેવામાં આવશે. પરીક્ષાનો પ્રથમ તબક્કો 17 ફેબ્રુઆરીથી 6 માર્ચ 2026 સુધી ચાલશે, જ્યારે બીજો તબક્કો 5 મે થી20 મે 2026 સુધી ચાલશે. સવાલ-2: શું બંને વખત પરીક્ષા આપવી જરૂરી રહેશે?
જવાબ: ના. વિદ્યાર્થીઓ પાસે 3 વિકલ્પો હશે-
1. વર્ષમાં એકવાર પરીક્ષા આપો.
2. બંને પરીક્ષાઓમાં બેસવું.
3. જો તમે કોઈપણ વિષયમાં સારો દેખાવ ન કરો, તો બીજી પરીક્ષામાં તે વિષયની પરીક્ષા ફરીથી આપો. સવાલ- 3: જો તમે બે વાર પરીક્ષા આપી હોય, તો પરિણામ કેવી રીતે નક્કી થશે?
જવાબ: જે વિદ્યાર્થીઓ બંને વખત બોર્ડની પરીક્ષા આપે છે, તેમના માટે બંનેમાંથી જે પરિણામ સારું હશે તેને અંતિમ ગણવામાં આવશે. એટલે કે, જો બીજી વખત પરીક્ષા આપ્યા પછી ગુણ ઘટે છે, તો પ્રથમ પરીક્ષાના ગુણ અંતિમ ગણવામાં આવશે. સવાલ-3: શું બંને પરીક્ષાઓમાં અડધો અભ્યાસક્રમ પૂછવામાં આવશે?
જવાબ: ના. બંને પરીક્ષાઓ સંપૂર્ણ અભ્યાસક્રમ પર આધારિત હશે. બંને પરીક્ષાઓમાં પરીક્ષાનું ફોર્મેટ પણ એકસરખું રહેશે. સવાલ-5: શું બે પરીક્ષાઓ પછી પૂરક પરીક્ષા આપવાની તક મળશે?
જવાબ: ના. ધોરણ 10ની પૂરક પરીક્ષા હવે નાબૂદ કરવામાં આવશે. JEEની જેમ, બોર્ડ પરીક્ષા બે વાર આપવી વૈકલ્પિક રહેશે તેનો ડ્રાફ્ટ ઓગસ્ટ 2024માં તૈયાર કરવામાં આવ્યો હતો. આ દરમિયાન શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને કહ્યું હતું કે- જેમ વિદ્યાર્થીઓ પાસે એન્જિનિયરિંગ કોલેજોમાં પ્રવેશ માટે વર્ષમાં બે વાર સંયુક્ત પ્રવેશ પરીક્ષા આપવાનો વિકલ્પ છે, તેવી જ રીતે વિદ્યાર્થીઓ વર્ષમાં બે વાર ધોરણ 10ની પરીક્ષા આપી શકશે.