ચિંતન આચાર્ય
અમેરિકાએ દરિયાઇ કાચબાનાં સંરક્ષણ માટે ભારતીય માછીમારોને ચેતવણી આપી હતી. તેમણે જણાવ્યું હતું કે જો ભારતીય માછીમારો તેમની જાળમાં કાચબા માટેની છટકબારી એટલે કે ટર્ટલ એક્સ્કલુડર ડિવાઇસ(TED)નો ઉપયોગ નહીં કરે તો તેઓ ભારતમાંથી માછલી, ઝિંગા સહિતના દરિયાઇ ઉત્પાદનોની નિકાસ બંધ કરી દેશે. આ જોતાં ગુજરાત સરકારે હવે પોતાના ગુજરાત માછીમારી નિયમો, 2003માં સુધારો લાવવાનું નક્કી કર્યું છે. આ માટે આગામી દિવસોમાં સરકાર વિધાનસભામાં એક વિધેયક લાવી અગાઉના નિયમમાં માછીમારીની જાળમાં TED ફરજિયાત લાગેલું હોવું જોઇએ તે જોગવાઇ ઉમેરશે. દરિયાઇ કાચબાં પાણીને સ્વચ્છ રાખતાં હોઇ પર્યાવરણીય સુરક્ષા માટે અમેરિકા તેના સંરક્ષણનો આગ્રહ રાખે છે.
આ માટે સરકારે એક ડ્રાફ્ટ તૈયાર કર્યો છે. નિયમોમાં સંભવિત સુધારાની અસર પામનારાં માછીમારો આ અંગે પોતાના વાંધા સૂચનો સરકારના કૃષિ, પશુપાલન અને મત્સ્યોદ્યોગ વિભાગને મોકલી શકે છે. અંતિમ નિર્ણય કરતા પહેલા સરકાર આ સૂચનો પર વિચારણા કરશે. હાલ સુધારાને લઇને તૈયાર થયેલાં ડ્રાફ્ટમાં માછીમારી નિયમોના નિયમ 44માં “ટ્રોલ નેટ દ્વારા માછીમારી કરતી વખતે, ટ્રોલ નેટના છેવાડે ટર્ટલ એક્સક્લૂડર ડિવાઈસ (TED) જોડ્યા વિના કોઈ ટ્રોલ નેટનો ઉપયોગ થઈ શકશે નહીં.” તે પ્રકારનો ઉમેરો કરવામાં આવ્યો છે.
ભારતને વર્ષે 25 હજાર, ગુજરાતને 1 હજાર કરોડનું નુક્સાન થઇ શકે અમેરિકાએ ભારતીય ફિશરીઝ પ્રોડક્ટના બહિષ્કારની ચેતવણી આપતાં વર્ષે દહાડે ભારતને 3 અબજ ડોલર અને ભારતીય ચલણ પ્રમાણે 25,000 કરોડ રૂપિયાનું નુક્સાન જઇ શકે છે. ભારતના કુલ દરિયાઇ ખાદ્યોની નિકાસમાં ગુજરાતના યોગદાનના હિસાબે રાજ્યના માછીમારોને વર્ષે 1000 કરોડ રૂપિયાનો ફટકો પડી શકે છે. અગાઉ પણ પ્રતિબંધ મૂકાતાં માછીમારોને નુક્સાન થયું હતું
2018માં, અમેરિકાની નેશનલ ઓશનિક એન્ડ એટમોસ્ફેરિક એડમિનિસ્ટ્રેશન (NOAA) ફિશરીઝના પ્રતિનિધિમંડળે ભારતની મુલાકાત લીધી હતી. અહીં તેમણે માછલીની જાળમાં TED ન હોવાથી ભારતમાંથી ઝિંગાની નિકાસ રોકી દીધી હતી. તેને કારણે ભારતની નિકાસમાં સીધો 5000 કરોડનો વાર્ષિક ઘટાડો થયો છે.