કીમ માંડવી સ્ટેટ હાઇવે પર નવાપરા વિસ્તારમાં એક પિકઅપ વાન ખુલ્લી ગટરમાં પડવાની ઘટના સામે આવી છે. પિકઅપ ચાલક વાહન રિવર્સ કરી રહ્યો હતો ત્યારે રસ્તાના ઢાળને કારણે વાહનનું ટાયર ગટરમાં ફસાઈ ગયું હતું. પરિણામે આખી પિકઅપ વાન ગટરમાં પડી ગઈ હતી. આસપાસના રાહદારીઓ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને ચાલકને સુરક્ષિત બહાર કાઢ્યો હતો. ત્યારબાદ ક્રેનની મદદથી ગટરમાં પડેલી પિકઅપ વાનને બહાર કાઢવામાં આવી હતી. સદનસીબે આ અકસ્માતમાં કોઈ જાનહાનિ થઈ ન હતી. સ્થાનિક રહેવાસીઓના જણાવ્યા મુજબ, આ વિસ્તારમાં આવેલી ખુલ્લી ગટરો સ્થાનિકો અને વાહન ચાલકો માટે મોટી સમસ્યા બની છે. અવારનવાર રખડતાં પશુઓ અને વાહનો ગટરમાં પડવાની ઘટનાઓ બને છે. આવા અનેક બનાવો છતાં તંત્ર દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં આવતી નથી. તંત્રની આ બેદરકારીને કારણે સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. સમગ્ર ઘટના નજીકના સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ છે.