back to top
Homeદુનિયાગેરકાયદેસર US જતી યુવતીઓ રૂટમાં બને છે હવસનો શિકાર:પતિથી પત્નીને અલગ કરી...

ગેરકાયદેસર US જતી યુવતીઓ રૂટમાં બને છે હવસનો શિકાર:પતિથી પત્નીને અલગ કરી દે છે, મજબૂરીનો ફાયદો ઉઠાવે છે માફિયા, જીવ જવાનો રહે છે ખતરો

‘અમે જંગલનો રસ્તો વધુ સારા ભવિષ્યની શોધ માટે પસાર કર્યો હતો, નહીં કે અમારા જીવનનો અંત લાવવા. રસ્તામાં ઝેરી સાપ તમારી જિંદગી નથી છીનવી લેતા પણ દુષ્કર્મ કરનારા માણસો તમારું જીવન ખતમ કરી નાખે છે. મારા પર પાંચ વખત રેપ ગુજારવામાં આવ્યો હતો. એટલું જ નહીં ડેરિયન ગેપના જંગલમાં માફિયાઓ ગેરકાયદેસર યુએસ જતાં આખા ગ્રુપના લોકોને ધમકાવી નગ્ન કરીને માર માર્યો હતો. જ્યારે અમુક મહિલાઓને ઉઠાવી જઈને વારાફરતી અનેક લોકોએ રેપ કર્યો હતો.’ વેનેઝુએલાની મહિલાની રડાવી દેતી આ વ્યથા છે. જે આંખોમાં અમેરિકામાં વસવાના સપનાં લઈને ઘરેથી નીકળી હતી ‘મારા પર 20થી વધુ લોકોએ રેપ કર્યો. હું મારા પતિ અને બે બાળકી સાથે અમેરિકાની બોર્ડર તરફ જઈ રહી હતી. મેક્સિકોના રેનોસા સિટી પાસે અમારી બસ આગળ એક ટ્રક આવીને ઊભી રહી, જેમાં ગન સાથે માફિયાઓ હતા. જેમણે અમારી પાસે પૈસા માગ્યા. મે કહ્યું અમારી પાસે રૂપિયા નથી તો મને મારા પતિ સામે જ નગ્ન કરીને મારવામાં આવી. માફિયાઓએ કહ્યું પૈસા ન હોય તો તારે તારા શરીરથી ચૂકવણી કરવી પડશે. પછી 20 લોકોએ મને હવસનો શિકાર બનાવી.’ ગ્વાટેમાલાની મહિલાની આ દર્દનાક આપવીતી છે. ‘હું મારા દેશ અલ સાલ્વાડોરથી મારી મિત્ર સાથે અમેરિકા તરફ જવા નીકળી હતી. રસ્તામાં કોઈ દુષ્કર્મ જેવી ઘટના બને તો એ વિચારીને દેશ છોડ્યા પહેલા મારી મિત્રએ ગર્ભનિરોધક ઇન્જેકશન લીધું હતું. જેનાથી ત્રણ મહિના સુધી પ્રેગનન્સી ટાળી શકાય. એના બદલામાં તેણે ડૉક્ટરને 15 ડોલર ચૂકવ્યા હતા.’ આ શબ્દો છે અલ સાલ્વાડોરથી અમેરિકા જવા નીકળેલી યુવતીના. આ ત્રણ રિયલ કિસ્સા વાંચીને તમારી કંપારી છૂટી જશે. પણ આવી તો અનેક મહિલાઓ અત્યાર સુધી શારીરિક શોષણનો ભોગ બની ચૂકી છે. જે અમેરિકામાં કાયમી વસવાટ કરવાના સપનાં જોતી હતી. જો તમે વિચારતા હો કે અમેરિકા જઈને ડૉલરમાં કમાણી કરીને મોજ કરવા મળશે પણ અહીં પહોંચતા પહેલાં તમારે જીવ અને ઈજ્જતના જોખમે અનેક મુસીબતોનો સામનો કરવો પડી શકે છે. દિવ્ય ભાસ્કરની ખાસ સિરીઝ ‘ડૉલર ડ્રીમ્સ’ના પહેલા એપિસોડમાં અમેરિકામાં રહેતા ઇલીગલ ગુજરાતીઓમાં હાલ કેવો માહોલ છે, બીજા એપિસોડમાં અસાઇલમને કેવી રીતે હથિયાર બનાવવામાં આવે છે તેના વિશે વાંચ્યું. હવે આજના ત્રીજા એપિસોડમાં વાંચો ગુજરાતીઓ જીવના જોખમે કેવી રીતે યુએસમાં ઘૂસે છે અને કેવી રીતે રસ્તામાં મહિલાઓને હવસનો શિકાર બનાવવામાં આવે છે. ‘ડૉલર ડ્રીમ્સ’ પહેલો એપિસોડ: અમેરિકામાં ઇલીગલ ગુજરાતીઓમાં ફફડાટ, જીવ પડીકે બંધાયા:કામ પર જવાનું બંધ કરી ઘરમાં કેદ થયા, 3 મહિના આવી સ્થિતિ રહી તો ફાંફાં પડશે ‘ડૉલર ડ્રીમ્સ’ બીજો એપિસોડ: અમેરિકામાં ઘૂસો, સામેથી પકડાવ, મન મૂકીને ડૉલર કમાઓ:USમાં વસવાની ગુજરાતીઓની નવી ટ્રિક, ભારતને બદનામ કરતાં પણ નથી અચકાતા ફેડરેશન્સ ઓફ ગુજરાતી એસોસિએશન ઓફ યુએસએના પ્રમુખ ડૉ વાસુદેવ પટેલ સાથે વાતચીત કરતી વખતે પણ ડંકી રુટથી આવતી મહિલાઓના શારીરિક શોષણનો મુદ્દો સામે આવ્યો હતો. ડૉ. વાસુદેવ પટેલે કહ્યું, ‘અમેરિકા આવવા માટેના ડંકી રૂટમાં હરિયાણા-પંજાબમાં 20થી 40 લાખ રૂપિયા ચાલે છે. જ્યારે ગુજરાતમાં 50 લાખ ભાવ ચાલે છે. તો એમને સર્વિસ પણ એવી આપે છે. 50 લાખ આપીને આવ્યા હોય એને વ્યવસ્થિત સુવાની કે ટેન્ટની સગવડ મળે. ઓછા પૈસે આવ્યા હોય એમણે વરસાદ હોય કે ઠંડી ઝાડ નીચે સૂવું પડે છે.. મતલબ આમાં પણ નોર્મલ લાઇન અને વીઆઇપી લાઇન ચાલે છે. ત્યાં કોઈ મરી જાય તો ત્યાંની સરકારે ભારત સરકારને જાણ કરવી પડે. છેલ્લા 10 વર્ષના મારા સક્રિય અનુભવમાં જે પણ એમ્બેસેડર અલગ અલગ દેશોમાં છે એ બધા જ ભારતીયો માટે ખૂબ એક્ટિવ છે. તેમ છતાંય આ રોકાતું તો નથી જ.’ રસ્તામાં જીવજંતુ કારડવાથી પણ લોકોના મોત થાય છે
‘અલગ-અલગ દેશોમાં થઈને અમેરિકામાં ઘૂસતા પહેલા જંગલોમાં ચાલવું પડે છે. રોજેરોજ પથરામાં ચાલવાને કારણે શૂઝમાં કાણાં પડી જાય છે. મોટેભાગે રાત્રે જ ચલાવે, જેથી બોર્ડર પોલીસ જોઈ ન શકે. હેલિકોપ્ટર આવે તો જમીન, જંગલ, રેતી, નદીઓમાં સુઈ જવાનું. દરમિયાન જીવજંતુ કરડવાથી પણ લોકોના મોત થાય છે. પાંચેક વર્ષ પહેલા જળમાર્ગે આવતા એક બોટ ઉથલી પડી હતી, એમાં મેજોરિટી ગુજરાતી જ હતા. તો પણ એ ગામના બીજા લોકો આવવા તૈયાર જ હશે. એમના વિચાર એવા હોય કે એમનું નસીબ હશે એટલે આવું થયું. અમારી સાથે નહીં થાય.’ એકલી સ્ત્રી શું કરી શકવાની હતી?
ડૉ. વાસુદેવ પટેલે કહ્યું, ‘ઘણીવાર અમેરિકા ઘૂસવા માગતી સ્ત્રીઓના પણ રૂટમાં પુષ્કળ શારીરિક શોષણ થતાં હોય છે. ઉદાહરણ તરીકે મેક્સિકોમાં જાઓ તો જંગલમાં ઉતારે. ત્યાં પોલીસ આવવાની નથી. માફિયા બધા મશીનગન લઈને જ ફરતા હોય છે. એ પણ માણસ છે. એ સ્ત્રી અને પુરુષને જુદા જ કરી દેતાં હોય છે. એમાં કઈ પણ થાય તો સ્ત્રી શું કરી શકવાની હતી? પાસપોર્ટ અને બીજું બધું લઈ લીધું હોય છે. તમે નિર્બળ છો. 20થી 30% કિસ્સામાં આવું થતું હોય છે. ‘ તેમણે કહ્યું, ‘આસપાસના દેશોમાં ફરવા જઈએ અને સરકારી અધિકારીઓને મળીએ ત્યારે આ બધી વસ્તુની વધારે ખબર પડે. આવું થવા છતાં લોકો માટે આર્થિક પ્રલોભન સૌથી ઉપર છે. એ માટે એ કોઈપણ સ્થિતિ ભોગવવા તૈયાર રહે છે. ‘ એક મહિલા પર ગેંગરેપ થયો તો મરવાની સ્થિતિએ પહોંચી ગઈ હતી
ડૉ. વાસુદેવ પટેલે કહ્યું, ‘ગયા વર્ષે અમે સાઉથ અમેરિકાના ગ્વાટેમાલા ખાતેના એમ્બેસેડરને મળ્યા હતા. અમેરિકામાં ઘૂસવા માટે ભારતીયો પહેલા આ દેશમાં આવે છે. એ દેશ આ બધા માટે જાણીતો છે. ત્યાંનાં ભારતીય એમ્બેસેડરે પણ મને કહ્યું કે ‘વાસુભાઈ ઐસા હોતા હૈ. કયા કર સકતે હે?’ મહિલા પર ગેંગરેપનો કિસ્સો સામે આવ્યો હતો. મહિલા મરવાની કક્ષાએ પહોંચી જાય એટલું બ્લીડિંગ થયું હતું. ત્યારે ક્યાંક તો મેડિકલ હેલ્પ માટે જવું જ પડે. પીડિત મહિલા શહેરના દવાખામાં આવી એટલે ખબર પડી. પછી ત્યાંની સરકારે ભારત સરકારને જાણ કરી હતી. ત્યારે આ વસ્તુ બહાર આવી હતી. ન્યૂ યોર્કના પણ મિત્ર સર્કલમાંથી આવા એક-બે કિસ્સા મલ્ટિપલ ગેંગ રેપના જાણમાં આવેલા. એમને ખબર પડી તો એમણે મદદ કરી હતી. એટલું નહીં બળજબરી વખતે સ્ત્રી તાબે ન થાય તો એને મારવાના કિસ્સા પણ બન્યા છે.’ અમેરિકામાં મેડિકલ કરાવવા જાય ત્યારે આવા કિસ્સા બહાર આવે છે
ડૉ. વાસુદેવ પટેલે ઉમેર્યું, ‘એ દેશોમાં તમારી મદદે કોણ આવે? ભગવાનને પ્રાર્થના કર્યા સિવાય કંઈ જ નથી. શિકાર બનેલી મહિલાને છેલ્લી કક્ષાની ઇન્જરી થાય અને અમેરિકામાં આવીને મેડિકલ હેલ્પ લે ત્યારે આ પ્રકારના બનાવ બહાર આવે છે. જોકે આવા છૂટા છવાયા કિસ્સાની જાણ થતી હોય છે. પણ ક્યારેય બહાર નહીં આવેલા પણ અનેક કિસ્સા છે. આમાં તમારો દેખાવ કેવો છે એના પર છે. એની ઉપર આવી ઘટના બનવાના ચાન્સ છે. પણ એની તૈયારી સાથે પણ લોકો આવતા હોય છે. ફિજિકલ એબ્યુઝ પણ થતાં જ હોય. તમે કોને કહેવાના છો. સ્ત્રીઓના ચારેક કિસ્સા મને ખબર છે કે એમનું ખરાબ રીતે ક્રૂરતાપૂર્વક ફિજિકલ એબ્યુઝ થયું હોય પછી ત્યાં આવીને એમને સહાય લેવી પડી હોય. પછી પોલીસ રિપોર્ટમાં આ ઘટના બહાર આવે.’ આપણી સાથે આવું નહીં થાય વિચારીને લોકો યુએસ આવવા નીકળે છે
તેમણે કહ્યું, ‘100 લોકો આવે એમાંથી 2-4 લોકો સાથે શારીરિક શોષણના બનાવ બને છે અને એની જાણ ગામમાં તો થાય જ. તો પણ લોકો આવતા હોય તો આપણે બીજું શું માની શકીએ? ભારતથી નીકળતા પહેલા આવું બધું ખબર હોવા છતાં લોકો વિચારે છે અમારી સાથે તો આવું નહીં જ થાય.’ વધુ પૈસા આપો તો વધુ ફેસિલિટી અને સિક્યોરિટી
અમેરિકા ગેરકાયદે જવા માંગતા લોકોને પૈસા પ્રમાણે ફેસિલિટી અને સિક્યોરિટી એજન્ટો આપતા હોય છે. અમુક ગુજરાતીઓ જે વધુ પૈસા આપે તો તેમને પહેલા યુરોપ કે આફ્રિકાના દેશોમાં લઈ જવામાં આવે છે. ત્યાંથી મેક્સિકોના વિઝીટર વિઝા લઈને મોકલવામાં આવે છે. બાદમાં ત્યાંથી સીધા અમેરિકા ઘૂસાડવામાં આવે છે. જે લોકો ઓછા પૈસા આપીને જાય છે તેમને સાઉથ અમેરિકાના કોઈ દેશમાં ઉતારવામાં આવે છે. જેમણે કોલમ્બિયા થઈને પનામા, અલ સાલ્વાડોર અને ગ્વાટેમાલા થઈને મેક્સિકો મોકલવામાં આવે છે. રુટમાં ખૂહ જોખમી માર્ગ આવે છે અને માફિયાનો ખૂબ ડર રહે છે. ગુજરાતી સમાજ ઓફ હ્યુસ્ટનના પ્રમુખ પ્રકાશ વી પટેલે પણ અમેરિકા આવતા લોકોના શોષણની વાતને સમર્થન આપ્યું હતું. પ્રકાશ વી પટેલે કહ્યું, ‘અહીં અમેરિકામાં ગેરકાયદે આવતાં લોકોને માનવતાની દૃષ્ટિએ અમે જે કંઈ હેલ્પ કરી શકીએ એ કરીએ છીએ પણ કાયદાકીય દૃષ્ટિએ અમેરિકા કે કોઈપણ દેશમાં ઇલીગલ ઇમિગ્રન્ટ તરીકે જવું એ ગુનો છે. આપણે ત્યાંનાં કાયદા માનવા આધીન છીએ. જોકે હું તેમને કહીશ કે લીગલી કે H1 લઈને આવો પણ આ ગેરકાયદે રીતે ન આવો. અહીનું આકર્ષણ સ્વાભાવિક છે પણ જે માર્ગે આવે છે એ ખૂબ જ તકલીફવાળો હોય છે. કેટલાય દેશોમાંથી પસાર થાવ ત્યારે અમેરિકાની બોર્ડર સુધી પહોંચી શકો. નિકારાગુઆ, અલ સાલ્વાડોર, હોન્ડુરસ, ગ્વાટેમાલા, મેક્સિકો થઈને અમેરિકાની બોર્ડરમાં એન્ટર થવું પડે.’ લોકો પ્રાણી કરતાં પણ ખરાબ દશામાંથી પસાર થાય છે
પ્રકાશ વી પટેલે કહ્યું, ‘2-3 ઇમિગ્રન્ટ સાથે મારી પર્સનલ વાત થઈ હતી તેનાથી મને ખબર પડી કે તેઓ કેવી મુશ્કેલીમાંથી પસાર થઈને બોર્ડર ક્રોસ કરીને આવ્યા હતા. જેટલી મીડિયામાં આવે છે તેનાથી વધુ તકલીફો વેઠવી પડે છે. બાળકો અને મહિલાઓનું પુષ્કળ પ્રમાણમાં એબ્યુઝ થાય છે. માફિયા જેવી ગેંગ તેમને એક દેશમાંથી બીજા દેશમાં જંગલોમાં થઈને લાવ્યા હતા. જમવાનું કંઈ ઠેકાણું નથી હોતું. વેજીટેરિયન તો બાજુમાં રહ્યું, જે મળે એ ખાઈ લેવું પડે છે. પ્રાણી કરતાં પણ ખરાબ દશામાંથી પસાર થાય છે. તેઓ એકલા રૂપિયા નથી પડાવતા. અમેરિકાની બોર્ડર ક્રોસ કરીને આવ્યા પછી પણ ઘણી તકલીફોનો સામનો કરવો પડે છે.’ તેમણે કહ્યું, ‘ગેરકાયદે આવતાં લોકો સાથે ગેંગરેપની વાતો પણ ઘણી સાંભળી છે. આવી જ એક મહિલાનો ટીવી ઈન્ટરવ્યૂ જોયો હતો, જેમાં તેનું એક વર્ષ સુધી શોષણ કરવામાં આવ્યું હતું.’ સાઉથ અમેરિકાના દેશોમાં પણ આપણી છાપ ખરાબ થઈ ગઈ છે
પ્રકાશ વી પટેલે શોકિંગ ઘટસ્ફોટ કરતાં કહ્યું, ‘સાઉથ અમેરિકાના દેશોમાં પણ આપણી ખરાબ છાપ પડી ગઈ છે. ઈન્ડિયન્સ એટલે ઇલીગલ ઇમિગ્રન્ટ્સ. અમે એક વખત સાઉથ અમેરિકાના દેશ ગ્વાટેમાલા, નિકાયગુઆ સાલ્વા દોર, હોન્ડુરસ, મેક્સિકોમાં ફરવા ગયા ત્યારે ત્યાંના લોકો એમ પૂછતાં કે તમારી પાસે અહીંના વિઝા છે? તમે ઇલીગલ છો? ત્યાંના લોકો લીગલી ફરવા આવતા ભારતીયોને પણ ધૃણાની દૃષ્ટિએ જોતા થઈ ગયા છે. ભારતને બદનામ કરવું ખોટી વસ્તુ છે.’ ગુજરાતી સમાજ ઓફ ન્યુયોર્કના પ્રમુખ હર્ષદ પટેલે પણ ડંકી રુટથી અમેરિકા આવતી મહિલાના શોષણ અંગે ખૂલ્લીને વાત કરી હતી. હર્ષદ પટેલે કહ્યું, ‘મહિલાઓ સાથે ફિજિકલ એબ્યુઝ પર તો બૂક લખાય એટલા એક્ઝામ્પલ છે પણ દરેકે મૌન સેવેલું છે, કારણ કે કોઈ સ્ત્રી સાથે આવો બનાવ બને તો એ થોડી એના પતિને કે સાસરિયામાં વાત કરવાની હતી? કરે તો એને ડિવોર્સ આપી દે. એ તો એમને જ સહન કર્યું છે પણ અમે સાંભળેલું તો છે જ.’ આપણઆ લોકોની મજબૂરીનો ફાયદો ઉઠાવાય છે
હર્ષદ પટેલે કહ્યું, ‘અમેરિકામાં ગેરકાયદેસર આવતાં ગ્રુપમાં કોઈ સ્ત્રી એબ્યુઝ થઈ તો સામાન્ય રીતે એ અમેરિકા આવીને કોઈને કહેતી નથી પણ ગ્રુપના બીજા પુરુષો હોય તેના થકી કિસ્સા બહાર આવતા હોય છે. મહિલાઓને ડંકી રુટમાં મેક્સિકો જેવા દેશોમાંથી પસાર થવું પડે છે. જે મહિલાઓના શોષણ માટે કુખ્યાત છે. એમના માટે યુવતીને લઈ જવી બહુ ઇઝી છે. આપણાં લોકો મજબૂર હોય છે. એક કરોડ રૂપિયા આપીને આવ્યા હોય જો પાછા જવાનું થાય એના કરતાં જીવનના 2-3 દિવસ ભૂલી જઈશું એમ સમજીને ગીવ-અપ કરીને આગળ વધે છે. મેં આવું સાંભળ્યું છે.’ તેમણે ઉમેર્યું, ‘કોઈએ ઓપનલી મને નથી કહ્યું પણ એમની સાથે રહેલા હોય એમણે કહેલા એક્ઝામ્પલ છે. એ લોકો સારી છોકરીઓ હોય તો લઈ જાય. બંને સાથે આવ્યા હોય તો એના પતિને પણ ખબર હોય. પછી મૂકી જાય. પછી આવું કંઈ બહાર ન આવે. છોકરીઓ પણ વિરોધ કરવાની સ્થિતિમાં નથી હોતી.’ સુંદર છોકરીને પતિથી અલગ કરીને બીજા ગ્રુપમાં નાખી દે
‘કોઈ કપલમાં આવ્યું હોય અને છોકરી સુંદર હોય તો આ લોકો તેને ગ્રુપમાંથી દૂર કરીને બીજા ગ્રુપમાં રાખે. અહીંના એજન્ટો છેક સુધી સાથે ન હોય. પછી બધા ગ્રુપને અલગ કરી દે. પતિ-પત્ની બંનેને પર્પઝલી બંનેને છુટા પાડે. એટલે લોકો અનુમાન કરી લે. પાછા આવ્યા પછી બોર્ડર ક્રોસ કર્યા પછી પણ છોકરી નિરાશ- દુ:ખી રહ્યા કરે. એના બિહેવીયર પરથી ખબર પડે. ઘણીવાર આ સ્ટંટ પણ હોય છે. તમને લાગે કે છોકરી ગઈ ત્યારે સ્વભાવ જુદો હતો. આવી ત્યારે ડીસએપોઇન્ટ થઈ ગઈ. કોઇની સાથે બોલતી નથી. એનું બિહેવીયર એકદમ ચેન્જ થઈ જાય. જંગલમાંથી પસાર થાઓ તો ભેડીયા તમારો શિકાર કરે તેના ચાન્સિસ ખરા. ‘ તેમણે વધુમાં કહ્યું, ‘આ સિવાય ગેરકાયદેસર અમેરિકા આવતાં ઘણા લોકો રસ્તામાં ગાયબ કે મરી જાય છે. આ બધુ બહાર નથી આવતું. જેને સહન કર્યું હોય એ મનમાંને મનમાં સહન કરે. બીજું શું કરે? અમેરિકાનો મોહ જ એવો છે.’ આ ઉપરાંત અમેરિકાના ટેક્સાસ સ્ટેટના ગર્વનર ગોબેર્નાડોર ગ્રેગ અબોટ ગેરકાયદેસર લોકોને ચેતવવા માટે એક બીલબોર્ડ કેમ્પેઈન પણ ચલાવી રહ્યા છે. જેમાં ઇલીગલ મહિલાઓ પર થતા અત્યાચારની વાત હાઇલાઇટ કરી રહ્યા છે. કેમ્પેઈનની લાઈન કંઈક આ પ્રકારે છે- ‘તમારી સફરની કિંમત તમારી પત્ની અને પુત્રીએ તેમના શરીર સોંપીને કરવી પડશે. તમારા પરિવારને જોખમમાં ન નાખો.’ ‘અંતિમ ચેતવણી. જો તમે ગેરકાયદેસર રીતે સરહદ પાર કરો છો, તો તમારા પર કાર્યવાહી કરવામાં આવશે અને જેલવાસ કરવામાં આવશે.’ અમારી ખાસ સીરિઝ ‘ડૉલર ડ્રીમ્સ’માં આવતી કાલે ચોથા એપિસોડમાં વાંચો, અમેરિકામાં વર્ષો પહેલા ઇલીગલ ઘૂસીને હાલ ડૉલર કમાતા ગુજરાતી લોકોના સંઘર્ષ અને એ પછીની વાત ‘ડૉલર ડ્રીમ્સ’ સિરીઝનો પહેલો એપિસોડ: અમેરિકામાં ઇલીગલ ગુજરાતીઓમાં ફફડાટ, જીવ પડીકે બંધાયા:કામ પર જવાનું બંધ કરી ઘરમાં કેદ થયા, 3 મહિના આવી સ્થિતિ રહી તો ફાંફાં પડશે ‘ડૉલર ડ્રીમ્સ’ સિરીઝનો બીજો એપિસોડ: અમેરિકામાં ઘૂસો, સામેથી પકડાવ, મન મૂકીને ડૉલર કમાઓ:USમાં વસવાની ગુજરાતીઓની નવી ટ્રિક, ભારતને બદનામ કરતાં પણ નથી અચકાતા તમારી પાસે કોઈ માહિતી હોય કે તમને કોઈ ઈશ્યૂ હોય તો અમારી સાથે dvbbhaskar123@gmail.com પર શૅર કરો. અમે તમારો સંપર્ક કરીશું.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments