છોટાઉદેપુર જિલ્લાના સંખેડા વિસ્તારમાં આજે વહેલી સવારે સ્કૂટર અને આઇ-ટ્વેન્ટી કાર વચ્ચે અકસ્માત સર્જાયો હતો. એના કારણે સ્કૂટર પર લઈ જવાતી વિદેશી દારૂની બોટલો રસ્તા પર વેરાઈ ગઈ હતી. એને જોઈને લોકોમાં કુતૂહલ સર્જાયું, જોકે એક જાગ્રત નાગરિકે જાણ કરતાં પોલીસે ઘટનાસ્થળે પહોંચી ખેપિયાને વિદેશી દારૂ સાથે ઝડપી લીધો હતો. ત્યારે પ્રશ્ન થાય છે કે શું આ છે ડ્રાય સ્ટેટ ગુજરાત, જ્યાં રોજ ક્યાંક ને ક્યાંક દારૂની રેલમછેલ જોવા મળે છે. નોંધનીય છે કે માત્ર બે દિવસ પહેલાં જ સ્ટેટ મોનિટરિંગ સેલે સંખેડાની એક હોટલના પાર્કિંગમાંથી ચોખાના કટ્ટાની આડમાં સંતાડેલો વિદેશી દારૂ જપ્ત કર્યો હતો. આમ, બે દિવસમાં બે વખત દારૂની હેરાફેરી પકડાતાં સંખેડા પોલીસની કામગીરી સામે પ્રશ્નો ઊભા થયા છે. અકસ્માત થતાં રસ્તા પર વેરાયો વિદેશી દારૂ
છોટાઉદેપુર જિલ્લો સરહદી જિલ્લો છે, જેથી પરપ્રાંતમાંથી વિદેશી દારૂ ઘુસાડવાના પ્રયત્નો અવારનવાર થતા હોય છે. આજે વહેલી સવારે સંખેડાના લોટિયા ચોકડી પર એક અકસ્માત સર્જાયો હતો. વિદેશી દારૂ લઇને જતાં ખેપિયાનું સ્કૂટર લોટિયા ચોકડી પસાર કરતી વખતે ડભોઇ તરફથી આવતી આઇ-ટ્વેન્ટી કાર સાથે અથડાયું હતું. સ્કૂટર પર લઈ જવાતા વિદેશી દારૂની બોટલો રસ્તા પર વિખેરાઈ ગઈ હતી. એને લઇ ઘટનાસ્થળે એકત્રિત રાહદારીઓમાં કુતૂહલ સર્જાયું હતું. સ્કૂટર પર દારૂની બોટલો લઈ જતો ખેપિયો ઝડપાયો
જોકે એક જાગૃત નાગરિકે આ અંગેની જાણ કરતાં સંખેડા પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગઇ હતી, જ્યાં ખેપિયા જિતુ મનુભાઈ તડવી (રહે.નિશાળ ફળિયા, મોટી કડાઈ, તા.કવાંટ, જિ.છોટાઉદેપુર)ને રૂ.48,600ના વિદેશી દારૂ, સ્કૂટર સહિત કુલ રૂ.1,03,600ના મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યો હતો. વીડિયોમાં સ્પષ્ટ જોઇ શકાય છે કે રાહદારીઓની મદદથી પોલીસ રસ્તા પર વેરાયેલી દારૂની બોટલો ભેગી કરી રહી છે. બે દિવસ પહેલાં SMCએ ₹26 લાખનો દારૂ જપ્ત કર્યો હતો
મહત્ત્વની વાત એ છે કે બે દિવસ પહેલાં જ સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા સંખેડાના ગોલા ગામડી ખાતેની એક હોટલના પાર્કિગમાંથી ટ્રકમાં ચોખાના કટ્ટાની આડમાં સંતાડીને લઈ જવાતો રૂ.26.30 લાખનો વિદેશી દારૂ ઝડપી પાડ્યો હતો. બે દિવસના ગાળામાં જ સ્કૂટર પર લઈ જવાતો વિદેશી દારૂ મળી આવતાં સંખેડા પોલીસની કામગીરી સામે સવાલો ઊભા થઇ રહ્યા છે. બે દિવસ પહેલાં શું બન્યું હતું?
છોટાઉદેપુર જિલ્લાના સંખેડા તાલુકાના ગોલા ગામડી ખાતે આવેલી અંબર હોટલના પાર્કિગમાંથી 24 ફેબ્રુઆરીએ સવારના સમયે જ ચોખાના કટ્ટા ભરીને એક ટ્રક (નં. RJ 11 GB 7321) ઊભી હતી. આ ચોખાના કટ્ટાની નીચે વિદેશી દારૂ સંતાડેલો હોવાની બાતમી સ્ટેટ મોનિટરિંગ સેલને મળી હતી, જેથી તેમણે તાત્કાલિક રેડ કરી ટ્રકને ઝડપી પાડી હતી. ચોખાના કટ્ટાની આડમાં દારૂની હેરાફેરી
ટ્રકની તપાસ કરતાં ચોખાના કટ્ટા નીચે વિદેશી દારૂ સંતાડ્યો હોવાનું જણાતાં ટ્રકને સંખેડા પોલીસ મથકે લઇ જવાઇ હતી, જ્યાં ચોખાના કટ્ટા હટાવીને જોતાં વિદેશી દારૂની 9,496 બોટલ (કિંમત રૂ.26,30,735) મળી આવી હતી, જેથી સ્ટેટ મોનિટરિંગ સેલે ટ્રકચાલક બરકતખાન રિશલ મેઉં (રહે. બડાલી, મેવાત હરિયાણા) તેમજ તસ્લીમ મુબારિક મેઉ (રહે.આકેડા, હરિયાણા)ની ટ્રક, વિદેશી દારૂ અને રોકડ સહિત કુલ રૂ.75,04,340ના મુદ્દામાલ સાથે ધરપકડ કરી હતી. જિલ્લા પોલીસની કામગીરી પર સવાલો
મહત્ત્વની વાત એ છે કે ગુજરાત રાજ્યમાં દારૂબંધી હોવા છતાં બેરોકટોક રીતે મધ્યપ્રદેશની સરહદથી લગભગ 60 કિલોમીટર અંદર ગોલા ગામડી સુધી આખેઆખી દારૂ ભરેલી ટ્રક આવી ગઈ છતાં એને કોઈએ રોકીને તપાસ સુધ્ધાં ન કરી, જોકે સ્ટેટ મોનિટરિંગ સેલે આ ટ્રકને ઝડપી પાડી હતી, જેથી ક્યાંક ને ક્યાંક જિલ્લા પોલીસની કામગીરી પર સવાલો ઊભા થયા છે.