વલસાડ જિલ્લો અને સંઘ પ્રદેશ દમણ-દાનહમાં ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષાઓ આગામી 27 ફેબ્રુઆરીથી શરૂ થઈ રહી છે. આ પરીક્ષાઓ માટે કુલ ૧૫૧ બિલ્ડિંગમાં પરીક્ષા કેન્દ્રો ઊભા કરવામાં આવ્યા છે. જિલ્લા કલેકટર નૈમેષ દવેએ તમામ ૪૯,૮૪૯ પરીક્ષાર્થીઓને શુભેચ્છા પાઠવી છે. જિલ્લા વહીવટી તંત્ર દ્વારા વિદ્યાર્થીઓ શાંતિપૂર્ણ વાતાવરણમાં પરીક્ષા આપી શકે તે માટે તમામ વ્યવસ્થા પૂર્ણ કરવામાં આવી છે. જિલ્લા શિક્ષણાધિકારી રાજેશ્રી ટંડેલે એક નવતર પહેલ કરી છે. તેમણે પરીક્ષા કેન્દ્રોનું લોકેશન સરળતાથી શોધી શકાય તે માટે ક્યુઆર કોડ વાળી પુસ્તિકા બહાર પાડી છે. આ પુસ્તિકાનો લાભ વિદ્યાર્થીઓ અને વાલીઓ લઈ શકશે. કલેકટર નૈમેષ દવેએ જણાવ્યું કે વિદ્યાર્થીઓ કોઈપણ પ્રકારની ચિંતા કે ભય વગર પરીક્ષા આપી શકે તે માટે તંત્ર સજ્જ છે. તેમણે તમામ વિદ્યાર્થીઓને ઉત્સાહપૂર્વક પરીક્ષા આપી સફળતાના શિખરો સર કરવા માટે શુભકામનાઓ પાઠવી છે.