‘મને પાનખરની બીક ન બતાવો’ એવી ખુમારી અને ‘કેસરિયાળો સાફો ઘરનું ફળીયું લઈને ચાલે’ એવી સંવેદના ધરાવતા કવિ અનિલ જોશીનું 84 વર્ષની વયે નિધન થયું છે. તેમના દીકરા સંકેત જોશીએ આજે સોશિયલ મીડિયા પોસ્ટ કરી આ જાણકારી આપી હતી. કવિ અનિલ જોશીએ 21 ફેબ્રુઆરીએ હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ થઈને તેની છેલ્લી પોસ્ટ કરતાં લખ્યું કે- લગભગ બે અઠવાડિયા ICUમાં રહ્યા પછી, હવે ખુલ્લા આકાશ નીચે ઊભો છું. કવિ અનિલ જોશીએ 22 દિવસ પહેલા જ કવિતાનું સર્જન કર્યું હતું ‘સ્ટેચ્યુ’ નિબંધ સંગ્રહ માટે સાહિત્ય અકાદમી એવોર્ડ પ્રાપ્ત થયો હતો
વર્ષ 1970માં ‘કદાચ’ નામનો અને 1981માં ‘બરફના પંખી’એ નામનો કાવ્યસંગ્રહ આપનાર આ કવિને એમના ‘સ્ટેચ્યુ’ નિબંધ સંગ્રહ માટે સાહિત્ય અકાદમી એવોર્ડ પણ પ્રાપ્ત થયેલ. બાદમાં 1988માં ‘પવનની વ્યાસપીઠે’ નામે પણ એક સરસ નિબંધ સંગ્રહ ભાવકો સુધી પંહોચ્યો છે. આ સિવાય એમના ‘બૉલપેન’, ‘દિવસને અંધારું છે’ વગેરે નિબંધ સંચયો પણ ગુજરાતી વાચકોએ માણ્યા છે. અનિલ જોશી સૌરાષ્ટ્રના ગોંડલના વતની હતા
સૌરાષ્ટ્રના ગોંડલમાં જન્મેલા અનિલ જોશીએ પ્રાથમિક તથા માધ્યમિક શિક્ષણ ગોંડલ અને મોરબીમાં લીધું. અમદાવાદની એચ. કે. આર્ટ્સ કૉલેજમાંથી 1964માં ગુજરાતી તથા સંસ્કૃત વિષયો સાથે બી.એ. થયા. 1962થી 1969 દરમિયાન હિંમતનગર અને અમરેલીમાં શિક્ષક રહેલા. પછી મુંબઈમાં ‘કૉમર્સ’ના તંત્રી વાડીલાલ ડગલીના અંગત સહાયક તરીકે 1971થી 1976 સુધી સેવાઓ આપી. 1976–77માં ત્યાં જ પરિચય ટ્રસ્ટમાં સહસંપાદક રહ્યા. અનિલ જોશી ઇન્ટર આર્ટ્સમાં ગુજરાતી વિષયમાં નાપાસ થયા હતા. ત્યારબાદ તેઓ ગોંડલ ગયા ને તેઓ થોડા દુઃખી રહેતા હતા. આ દરમિયાન તેમને કવિ મનોજ ખંડેરિયાએ મુંબઈ ફરવા જવાની વાત કરી. અનિલ જોશી ભાઈની પરવાનગી લઈને 1970માં મુંબઈ ગયા. ત્યાં તેમની પાસે કોઈ ડિગ્રી નહોતી એટલે તેમને કોઈ નોકરી મળે તેવી શક્યતા નહોતી. અંતે તેમને મ્યુનિસિપલ કોર્પોરેશનમાં સલાહકારની નોકરી કોન્ટ્રાક્ટ પર મળી. થોડા સમય બાદ મ્યુનિસિપલ કોર્પોરેશને ખાસ ઠરાવ પાસ કરીને અનિલ જોશી માટે ખાસ લેંગ્વેજ ઑફિસરની પોસ્ટ ક્રિએટ કરી અને પ્રોફેસરને ગ્રેડ આપી કાયમી કર્યા. તે સમયે અનિલ જોશી માટે રહેવા માટે ઘર નહોતું તો ફ્લેટ સ્પેશિયલ કેટેગરીમાં આપ્યો ને રિટાયર થયા ત્યારે નાગરિક સન્માન કર્યું.