આણંદ જિલ્લામાં મહાશિવરાત્રિ પર્વની ભવ્ય ઉજવણી કરવામાં આવી છે. જિલ્લાભરના શિવાલયોમાં વહેલી સવારથી ભક્તોનો પ્રચંડ ધસારો જોવા મળ્યો છે. શિવાલયોમાં ‘ઓમ નમઃ શિવાય’ અને ‘બમ બમ ભોલે’ના જયઘોષથી વાતાવરણ ભક્તિમય બન્યું હતું. ભક્તોએ શિવલિંગ પર બિલ્વપત્ર, દૂધ અને જળનો અભિષેક કર્યો હતો. આણંદના પ્રસિદ્ધ જાગનાથ મહાદેવ મંદિરમાં સવારથી જ દર્શનાર્થીઓની લાંબી કતારો લાગી હતી. મંદિરમાં લઘુરૂદ્રનું આયોજન કરવામાં આવ્યું હતું. ભક્તોને શિવજીને પ્રિય એવા ભાંગના પ્રસાદનું વિતરણ કરાયુ હતુંય મંદિરમાંથી શિવજીની ભવ્ય શોભાયાત્રા પણ નીકળી હતી. આ ઉપરાંત વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. ભક્તોએ શેરડીનો રસ અને કાળા તલ વડે અભિષેક કરી ધન્યતા અનુભવી હતી.