વાત્રક નદીના કિનારે બિરાજમાન સ્વયંભૂ રક્ષેશ્વર મહાદેવના મંદિરે મહાશિવરાત્રીની ભવ્ય ઉજવણી થઈ રહી છે. વહેલી સવારથી જ ભક્તોએ મંદિરમાં ભગવાન ભોળાનાથના દર્શન માટે ધસારો કર્યો હતો. ભૂદેવો દ્વારા મહાદેવનો દૂધ અને પંચામૃતથી અભિષેક કરવામાં આવ્યો. ષોડશોપચાર વિધિથી પૂજન કરી ફૂલ અને બિલીપત્ર અર્પણ કરાયા. દિવસ દરમિયાન મહાદેવની સાનિધ્યમાં વૈદિક ભૂદેવો દ્વારા રુદ્રપાઠનું આયોજન કરવામાં આવ્યું. માલપુર બ્રાહ્મણ સમાજ દ્વારા રાત્રિ દરમિયાન ચાર પ્રહરની પૂજાનું વિશેષ આયોજન કરવામાં આવ્યું છે. નગરમાં વસતા વણઝારા પરિવાર તરફથી દર્શનાર્થે આવતા તમામ ભક્તો માટે સૂકી ભાજી અને શીરાના મહાપ્રસાદનું નિઃશુલ્ક વિતરણ કરવામાં આવી રહ્યું છે. અરવલ્લી જિલ્લાના તમામ શિવાલયોમાં ‘ઓમ નમઃ શિવાય’ના નાદ ગુંજી રહ્યા છે. ભક્તો દ્વારા સંપૂર્ણ ભાવ અને ભક્તિપૂર્વક મહાશિવરાત્રી પર્વની ઉજવણી કરવામાં આવી રહી છે.