સંદીપ પરમાર
614 વર્ષમાં પહેલી વાર નગરદેવી ભદ્રકાળી માતાની ભાવભરી નગરયાત્રા પૂરી થઈ. ભલે લાખોની મેદની નહોતી, પણ ભક્તિમાં કોઈ કમી ન હતી. વહેલી સવારથી ભદ્રકાળી માતાના મંદિરે લોકો ઊમટી પડ્યા. સાત અશ્વના રથમાં જ્યારે માતાજીની તસવીર, પાદુકા બિરાજમાન કરાયાં ત્યારે ઢોલનગારાં વાગતાં હતાં, શરણાઈઓ સૂર રેલાવતી હતી અને જયનાદ થતા હતા. મહિલાઓ ગરબા રમી રહી હતી અને એટલામાં જ લાલ ધજા સાથે શ્રદ્ધાળુઓ આવીને ઝૂમવા લાગતાં માહોલ વધુ ભક્તિમય બની ગયો. ધીમે ધીમે જોડાનારાં વાહનો, અખાડા, ડીજે પણ આવી ગયા.
પાદુકાને બિરાજમાન કર્યા પછી મેયરે મોરપીંછથી રસ્તો વાળી પહિંદ વિધિ પૂરી કરી. બરાબર 7.46 વાગ્યે ભદ્રકાળી માતાજીના રથે પ્રસ્થાન કર્યું. પોલીસની ગાડીઓ આગળ હતી, તેની પાછળ વાહનો, અખાડા અને માતાજીનો રથ.
જાણે લક્ષ્મીજી રાહ જોઈ રહ્યાં હતાં
નગરયાત્રા ત્રણ દરવાજે પહોંચી ત્યારે ત્યાં બિરાજમાન લક્ષ્મીજી જાણે રાહ જોઈ રહ્યાં હતાં. અહીં ભદ્રકાળી માતા માટે લાલ જાજમ પથરાઈ હતી. માતાજીનો રથ લક્ષ્મીજીની જ્યોત પાસે લવાયો અને આરતી કરાઈ. શહેરની સમૃદ્ધિને જાળવી રાખનારી લક્ષ્મીજીની અખંડ જ્યોતને નગરયાત્રામાં જોડાયેલો એકેએક શ્રદ્ધાળુ નમન કરીને જઈ રહ્યો હતો. થોડી વાર રોકાણ પછી રથ ત્રણ દરવાજાથી કોટ વિસ્તારમાં પ્રવેશ્યો. ત્યાર પછી નગરયાત્રા આગળ વધીને માણેકચોક પહોંચી અને માણેકનાથની સમાધિએ આરતી ઉતારાઈ. પંદરેક મિનિટ પછી નગરયાત્રા મ્યુનિસિપિલ કોઠા જવા આગળ વધી. અહીં તો મહિલાઓ આરતીની થાળી સજાવીને ઊભી હતી, ઠેર ઠેર માતાજીની આરતી ઉતારાતી હતી. માતાજી ઘરે આવ્યાં જેવો ભાવ લાગતાં કેટલાક ભક્તોની આંખો ભીની થઈ જતી હતી. ત્યાર પછી નગરયાત્રા ખાંડની શેરીએ પહોંચી. અહીં મુસ્લિમ બિરાદરોએ સ્વાગત કર્યું. સ્થાનિકોએ પણ ગેલરી, સોસાયટીના દરવાજાએ ઊભા રહી દર્શનનો લહાવો લીધો.
10.03 વાગ્યે જ્યારે માતાજી જગન્નાથજી, સુભદ્રા અને બલરામજીને મળવાં જમાલપુર મંદિરે પહોંચ્યા ત્યારે બીજી વાર રથયાત્રા યોજાઈ રહી હોય તેવો માહોલ સર્જાયો. અહીં પણ લાલ જાજમ અને ફૂલની રંગોળી અને પાંખડીઓ માતાજીનું સ્વાગત કરાયું. મહંત દિલીપદાસજીએ માતાજીની આરતી ઉતારી. આરતી પછી થાળી ભીડમાંથી લઈ જવાતી હતી ત્યારે આરતી માથે લેવા લોકો પડાપડી કરી રહ્યા હતા. કેટલીક મહિલાઓ તો માતાજીના રથને વળગી રહી હતી. પોલીસે માંડ માંડ તેમને રથથી અળગા કરી આગળ વધાર્યો. પરિસરમાં પરિક્રમા કર્યા પછી રથ ઊભો રહ્યો ત્યારે ફરી ભક્તો રથ પાસે પહોંચી ગયા. ભદ્રકાળી માતાજીનો રથ જગન્નાથજી મંદિરમાં 10.30 વાગ્યા સુધી રોકાયેલો રહ્યો અને ત્યાંથી વૈભવ લક્ષ્મી મંદિરે પહોંચ્યો. રથ પહોંચતાં ફુગ્ગા વરસાવી રથનું સ્વાગત કરાયું,. આરતી શરૂ થઈ ત્યારે સૌ બંને હાથ ઊંચા કરી તાળીઓ વગાડી જોડાયાં.
30 મિનિટના વિરામ બાદ રથ વિક્ટોરિયા ગાર્ડનથી આગળ વસંત ચોક પહોંચ્યો. અહીં મરાઠી સમાજે માતાજીને ફૂલનો હાર પહેરાવ્યો. લાલ દરવાજામાં એએમટીએસ કર્મચારીઓ, હોમગાર્ડ જવાનોએ ફૂલહાર પહેરાવી દર્શન કર્યાં અને રથે નિજ મંદિર તરફ પ્રયાણ કર્યું. બપોરે 12.57 વાગ્યે માતાજીનો રથ મંદિરના દ્વારે પહોંચ્યો. નગરયાત્રામાં 10 હજારથી વધુ ભક્તો જોડાયા, જગન્નાથ મંદિર અને વૈભવ લક્ષ્મી મંદિરે 20થી 30 મિનિટ સુધી રોકાઈ જય ભદ્રકાળી નગરયાત્રા જ્યારે નિજ મંદિર પરત ફરી ત્યારે લોકોએ તેમનાં સંતાનોને ખભે ચઢાવીને દર્શન કરાવ્યાં. પહિંદ વિધિ રથમાં તસવીર અન ેપાદુકા વિધિવત્ બિરાજમાન કરાયા બાદ મેયરે મોરપીંછથી રસ્તો વાળી પહિંદ વિધિ કરી હતી. કરતબ યાત્રા દરમિયાન અખાડાએ વિવિધ કરતબ બતાવ્યાં હતાં, તેમાં પણ બાળકો પણ
જોડાયા હતા.