સુરતમાં વધુ એકવાર રફતારનો આતંક જોવા મળ્યો છે. હજુ તો લસકાણામાં કારના ચાલક દ્વારા ત્રણ લોકોનો જીવ લીધો હોવાની ઘટનાની શાહી સુકાઈ નથી. ત્યાં મોટા વરાછા વિસ્તારમાં VIP સર્કલ નજીક કિયા કારના કાર ચાલકે નશામાં ચૂર થઈને પૂરપાટ ઝડપે કાર ચલાવીને બે બાઈકને ઉડાવી હતી. જેમાં મોપેડ પર જઈ રહેલા માતા અને ચાર વર્ષના બાળકને ગંભીર ઇજા પહોંચતી હતી. આ ઘટના બાદ મોટી સંખ્યામાં લોકો એકઠા થઈ ગયા હતા અને કારમાં તોડફોડ કરી હતી. આ સાથે જ કારના ચાલકને રોડ પર જ લોકોના ટોળાએ માર માર્યો હતો. ત્યારબાદ પોલીસને જાણ કરવામાં આવતા કારચાલકને પોલીસને સોંપી દીધો હતો. માતા અને પુત્ર બંને 10થી 20 ફૂટ જેટલા દૂર ફેંકાઈ ગયા
મળતી માહિતી પ્રમાણે, રાત્રે મોટા વરાછા વિસ્તારમાં વીઆઈપી સર્કલ ખાતે આવેલા મૂન ગાર્ડન નજીક કિયા કારના ચાલક દ્વારા નશામાં ચૂર થઈને પૂરપાટ ઝડપે કાર ચલાવવામાં આવી હતી. કારચાલકે ટ્રાફિકથી ધમધમતા રોડ પર એટલી સ્પીડે ચલાવી હતી કે એક બાઈક અને એક મોપેડ તેની અડફેટે આવી ગયા હતા. કા ચાલકે પહેલા બાઇકને ટક્કર મારી હતી ત્યારબાદ મોપેડ પર જતા માતા અને પુત્રને ઉડાવ્યા હતા. જેના પગલે માતા અને પુત્ર બંને 10થી 20 ફૂટ જેટલા દૂર ફેંકાઈ ગયા હતા. નશામાં ધૂત કારચાલકને લોકોએ ધોઈ નાખ્યો
અકસ્માતના પગલે મોટી સંખ્યામાં લોકો એકઠા થઈ ગયા હતા. લોકોએ સૌથી પહેલા 108 બોલાવી ચાર વર્ષના બાળક અને તેની માતાને નજીકમાં આવેલી ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડ્યા હતા. જ્યાં બંનેની હાલત ગંભીર હોવાનું જાણવા મળી રહ્યું છે. જ્યારે અન્ય એક બાઈક ચાલકને સામાન્ય ઇજા હોય તે પ્રકારની માહિતી હાલ મળી રહી છે. જ્યારે અકસ્માતના પગલે એકઠા થઈ ગયેલા લોકોએ કારમાં તોડફોડ કરી હતી. કારચાલક નશામાં હોવાનું સ્થાનિકો દ્વારા જણાતા કારચાલકને ઢોર માર માર્યો હતો. પોલીસે કારચાલક હિરેન ખૂટની અટકાયત કરી
અકસ્માત મામલે પોલીસને જાણ કરવામાં આવતા ઉત્રાણ પોલીસ ઘટના સ્થળે દોડી ગઈ હતી. ત્યારબાદ લોકોએ કારચાલકને પોલીસની હાજરીમાં જ માર પણ માર્યો હતો અને પોલીસને સોંપી દીધો હતો. પોલીસે કારના ચાલક હિરેન કેશુભાઈ ખૂટ નામના યુવકની અટકાયત કરી હતી. હાલ તો આ મામલે ઉત્રાણ પોલીસમાં ફરિયાદ નોંધીને વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. આ સાથે જ કારચાલક દારૂના નશામાં હતો કે નહીં તેને લઈને મેડિકલ ચેકઅપ પણ કરાવવામાં આવ્યું છે. અકસ્માતમાં ઇજાગ્રસ્ત બાળકની હાલત ખૂબ જ ગંભીર
ઉત્રાણ પોલીસ પાસેથી મળતી માહિતી પ્રમાણે, હિરેન કેશુભાઈ ખૂટ નામના કારચાલક દ્વારા પૂરપાટ ઝડપે કાર ચલાવીને પહેલા એક બાઈકને અડફેટે લેવામાં આવી હતી. જોકે તે બાઈક ચાલકને કોઈપણ પ્રકારની ઈજા થઈ ન હતી. ત્યારબાદ મોપેડ પર જઈ રહેલા કૃપા હાર્દિકભાઈ રાદડિયા અને તેના ચાર વર્ષના પુત્ર હેરીનને કાર ચાલકે અડફેટે લઈને ઉડાવ્યા હતા. જેમાં માતા અને પુત્રને ગંભીર ઇજાઓ પહોંચી હતી. બંનેને હાલ ખાનગી હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી રહી છે. જ્યાં બાળકની હાલત ખૂબ જ ગંભીર હોવાનું જાણવા મળ્યું છે.