ગુજરાત માઘ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા આગામી 27 ફેબ્રુઆરીથી ધોરણ 10 અને 12 ની પરીક્ષા શરૂ થઈ રહી છે. જેમાં 76,312 વિદ્યાર્થીઓ પરીક્ષા આપવાના છે ત્યારે કલેકટર, પોલીસ કમીશ્નર, જિલ્લા શિક્ષણ અધિકારી સહિતનાં અધિકારીઓ અલગ અલગ શાળાઓમા બોર્ડના વિદ્યાર્થીઓને આવકારવા જવાના છે. આ દરમિયાન અવનવી રીતે બોર્ડના વિદ્યાર્થીઓને આવકારવામાં આવશે. જેમાં શહેરની સ્વામિનારાયણ ગુરુકુળના છાત્રો ભારતીય સંસ્કૃતિની ઝાંખી કરાવતા ધોતી – ચાદર પહેરી બોર્ડના વિદ્યાર્થીઓનું કુમ કુમ તિલક કરી પ્રસાદ આપી સ્વાગત કરશે અને પરીક્ષા માટે બેસ્ટ ઓફ લક કહેશે. આ ઉપરાંત રાજકોટ શહેર અને જિલ્લામાં 74 દિવ્યાંગો રાઈટર એટલે કે લહીયા સાથે ધોરણ 10 અને 12 ની પરીક્ષા આપશે. 26મી થી જિલ્લાનો કંટ્રોલ રૂમ પણ કાર્યરત થઈ જશે. કલેક્ટર, પોલીસ કમિશનર અને મ્યુનિ.કમિશનર વિદ્યાર્થીઓને આવકારશે
ધોરણ 10માં પ્રથમ ગુજરાતીનું પેપર 10 થી 1.15 વાગ્યા સુધી સુધી હશે. વિદ્યાર્થીઓને અડધો કલાક પહેલા એન્ટ્રી આપવામા આવશે. જેથી સવારે 9.30 વાગ્યે અલગ અલગ શાળાઓમા મહાનુભાવો વિદ્યાર્થીઓને આવકારશે. જેમાં રાજકોટ જિલ્લા કલેકટર પ્રભવ જોશી ઢેબર રોડ ઉપર આવેલી કડવીબાઈ વીરાણી હાઈસ્કૂલમાં જશે. ઉપરાંત પોલિસ કમિશનર બ્રજેશકુમાર ઝા 150 ફૂટ રીંગ રોડ પર આવેલી વી.જે. મોદી સ્કૂલ ખાતે જશે. જ્યારે એસ.પી.હિમકરસિંહ નાનામવા રોડ ઉપરની મહાત્મા ગાંધી સ્કૂલ, જિલ્લા વિકાસ અધિકારી આનંદ સુરેશ ગોવિંદ રૈયા રોડ પરની ન્યુ એરા સ્કૂલ, અધિક પોલિસ કમિશનર મહેન્દ્ર બગડિયા બાલાજી હૉલ પાસેની ધોળકિયા સ્કૂલ, મ્યુનિસીપલ કમિશનર તુષાર સુમેરા કેકેવી ચોક પાસેની જી. ટી. શેઠ વિદ્યાલય અને નિવાસી અધિક કલેકટર એ. કે. ગૌતમ ઢેબર રોડ પરની સ્વામિનારાયણ ગુરુકુળ વિદ્યાલય ખાતે બોર્ડના વિદ્યાર્થીઓનુ મોટુ મીઠું કરી વેલકમ કરશે. કરણસિંહજી હાઇસ્કુલ ખાતે કંટ્રોલ રૂમ કાર્યરત
આ સાથે જ 26 ફેબ્રુઆરીથી 17 માર્ચ સુધી રાજકોટ જિલ્લાનો કંટ્રોલ રૂમ કાર્યરત રહેશે. શહેરની કરણસિંહજી હાઇસ્કુલ ખાતે કંટ્રોલ રૂમ રાખવામાં આવ્યો છે જેના નંબર 76229 211773 રાખવામાં આવેલા છે. જે નંબર પર સવારે 7 થી રાત્રે 8 વાગ્યા સુધી કોઈપણ વિદ્યાર્થીઓ કે વાલીઓ ફૉન કરી શકશે. વિદ્યાર્થીઓ કે વાલીઓને કોઈપણ પ્રકારની મુશ્કેલી પડે તો તેના નિરાકરણ માટે આ કંટ્રોલ રૂમમાં 2 શેસનમાં કર્મચારી ફરજ બજાવશે. આ સાથે જ રાજકોટ શહેર અને જિલ્લામાં 74 જેટલા દિવ્યાંગ વિદ્યાર્થીઓ ધોરણ 10 અને 12 ની પરીક્ષા આપવાના છે. જેમાં રાજકોટ શહેરમાં 36 દિવ્યાંગો રાઈટર સાથે પરીક્ષા આપશે. ધોરાજી, ઉપલેટા, જામકંડોરણા, જેતપુર અને ભાયાવદરમાં 26 તો જસદણ, વીંછિયા, આટકોટ અને ગોંડલમાં 12 દિવ્યાંગો લહિયા સાથે પરીક્ષા આપવાના છે. 65 કેન્દ્રના 308 બિલ્ડિંગમાં 76,312 વિદ્યાર્થી પરીક્ષા આપશે
ઉલ્લેખનિય છે કે, ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા 27 મી ફેબ્રુઆરીથી ધોરણ 10 અને 12 ની પરીક્ષા શરૂ થઈ રહી છે ત્યારે રાજકોટ કલેકટરની અધ્યક્ષતામાં મળેલી જિલ્લા શિક્ષણ અધિકારી સહિતની બેઠકમાં બોર્ડનો એક્શન પ્લાન જાહેર કરવામાં આવેલો છે. જેમાં 65 કેન્દ્રોના 308 બિલ્ડિંગના 2,753 બ્લોક પરથી 76,312 વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે. જે સંખ્યા ગત વર્ષે 80,956 હતી એટલે કે ગત વર્ષની તુલનામાં આ વર્ષે 4,644 નો ઘટાડો નોંધાયો છે. તમામ પરીક્ષા કેન્દ્રો સીસીટીવીથી સજ્જ છે. એક પણ પરીક્ષા કેન્દ્ર ઉપર ગેરરીતિ ન થાય તે માટે જિલ્લાના વર્ગ 1 અને 2 ના અધિકારીઓને ફરજ સોંપવામાં આવશે. જેઓએ પૂરો સમય એટ્લે કે પરીક્ષા શરૂ થાય ત્યારથી પૂર્ણ થાય ત્યાં સુધી હાજર રહેવાનો આદેશ છે. જ્યારે રાજકોટ જિલ્લા કંટ્રોલ રૂમની સાથે હેલ્પ લાઈન નંબર પણ જાહેર કરવામાં આવેલા છે. રાજકોટના ઇન્ચાર્જ જિલ્લા શિક્ષણ અધિકારી કિરીટસિંહ પરમારે જણાવ્યું હતુ કે, 27 મી ફેબ્રુઆરીથી બોર્ડની પરીક્ષા શરૂ થવાની છે. જેમાં ધોરણ 10 માં 40 કેન્દ્રોના 180 બિલ્ડીંગના 1,583 બ્લોક પરથી 45,421 વિદ્યાર્થીઓ, વિજ્ઞાન પ્રવાહમાં 6 કેન્દ્રોના 91 બિલ્ડિંગના 781 બ્લોક પરથી 7,684 વિદ્યાર્થીઓ તથા સામાન્ય પ્રવાહમાં 19 કેન્દ્રોના, 37 બિલ્ડિંગના 389 બ્લોક પરથી 23,207 વિદ્યાર્થીઓ પરીક્ષા આપવાના છે. એટ્લે કે 65 કેન્દ્રોના 308 બિલ્ડિંગના 2,753 બ્લોક પરથી 76,312 વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે.ગત વર્ષે ધોરણ 10 માં 45,680, ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહમાં 8,015 અને રીપીટર 609, જ્યારે ધોરણ 12 માં સામાન્ય પ્રવાહમાં 26,652 એટ્લે કે કુલ 80,956 વિદ્યાર્થીઓએ બોર્ડની પરીક્ષા આપી હતી. ધોરણ 10 અને 12 સાયન્સની પરીક્ષા 27 ફેબ્રુઆરીથી 10 માર્ચ સુઘી ચાલશે. જયારે 27 ફેબ્રુઆરીથી 17 માર્ચ સુધી ચાલશે. પરીક્ષા દરમિયાન કોઈપણ પ્રકારની ગેરેરીતિ ન થાય તે માટે બોર્ડની ખાસ સ્કવોર્ડ રાખવામાં આવશે. આ ઉપરાંત જિલ્લાના વર્ગ 1 અને 2 ના અધિકારીઓની ખાસ તકેદારી અધિકારી તરીકે નિમણૂક કરવામાં આવશે. આ ઉપરાંત જિલ્લાના કંટ્રોલ રુમનો નંબર જાહેર કરવામાં આવેલો છે. જે કરણસિંહજી સ્કૂલ ખાતે 26 ફેબ્રુઆરીથી 17 માર્ચ સુધી રજાના દિવસો સિવાય સવારે 7 થી 1.30 અને બપોરે 1.30 થી રાત્રે 8 વાગ્યા સુધી કાર્યરત રહેશે જેનો નંબર 76229 21173 રાખવામાં આવેલો છે. બોર્ડની વેબ સાઈટ, સ્ટેટ કંટ્રોલ રુમ નંબર, ટોલ ફ્રી નંબર જાહેર શહેર અને તાલુકા વાઇઝ 10 હેલ્પ લાઈન સેન્ટર અને સંયોજકના નંબર DEOનો બોર્ડના વિદ્યાર્થીઓને પરીક્ષા એક ઉત્સવ સમજી એક્ઝામ આપવા અનુરોધ
રાજકોટના ઇન્ચાર્જ જિલ્લા શિક્ષણ અધિકારી કિરીટસિંહ પરમારે વાલીઓ અને પરીક્ષાર્થીઓ જોગ સંદેશ પાઠવતા જણાવ્યું છે કે, રાજકોટ જિલ્લાના શહેર અને ગ્રામ્યના ધોરણ- 10 અને 12 સામાન્ય પ્રવાહ અને વિજ્ઞાન પ્રવાહના પરીક્ષાર્થીઓને આગામી 27/2/2025થી શરુ થતી પરીક્ષા માટે અનેક અનેક શુભેચ્છાઓ. પરીક્ષા સ્થળે આપના ઘરથી અંતરની અગાઉથી ચકાસણી કરી વહેલા પહોંચવા અનુરોધ કરૂ છું. પરીક્ષાને એક ઉત્સવ સમજી પરીક્ષા આપો. પરીક્ષા ખંડ માં પ્રવેશ પૂર્વે કોઈ સાહિત્ય, ડિજિટલ ઘડિયાળ, ડિજિટલ કેલક્યુલેટર, મોબાઈલ, ઇયર ફૉન કે વાઇ ફાઇ એટેચ કરી શકાય એવી કોઈ પણ સામગ્રી આપની પાસે ભૂલથી પણ ના રહે એ ધ્યાન રાખશો. હૉલ ટિકીટ સાથે જ પ્રવેશ કરવો અને પોતાની જ સીટ પર બેસવું અને ખંડ નિરીક્ષકની સૂચનાઓનું પાલન કરી શાંતિપૂર્ણ રીતે તમામ પ્રશ્નપત્રો પૂર્ણ કરશો એવા શુભાશિષ.