સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી શહેરની બજાર વિસ્તારમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. અહીં એક ઠંડા પીણાની દુકાનમાં પાંચ જેટલા શખ્સોએ દુકાનદાર સહિત બે વ્યક્તિ પર હુમલો કર્યો હતો. આ સમગ્ર ઘટના દુકાનના સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી. સીસીટીવી ફૂટેજમાં સ્પષ્ટ દેખાય છે કે આરોપીઓએ દુકાનમાં ઘૂસીને દુકાનદાર અને અન્ય એક વ્યક્તિને ઢીકાપાટુનો માર માર્યો હતો. પ્રાથમિક તપાસમાં જૂની અંગત અદાવતના કારણે આ હુમલો કરવામાં આવ્યો હોવાનું અનુમાન છે. ઘટનાની જાણ થતાં જ સ્થળ પર લોકોના ટોળેટોળા એકઠા થઈ ગયા હતા. લીંબડી પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે તપાસ શરૂ કરી છે. આ ઘટનાથી વિસ્તારના લોકોમાં ભયનો માહોલ છવાઈ ગયો છે. પોલીસે આરોપીઓને પકડવા માટે કાર્યવાહી શરૂ કરી છે.