દેશભરમાં પ્રયાગરાજ ખાતે મહાકુંભનું જે આયોજન કરવામાં આવ્યું છે તેને લઈને ચારે તરફ ચર્ચા થઈ રહી છે, ત્યારે સુરતના અઠવા લાઇન્સ ખાતે ધી સુરત ટેનિસ ક્લબ દ્વારા સુરત શહેરમાં અનોખું આયોજન કરવામાં આવી રહ્યું છે. મહાકુંભની પ્રતિકૃતિ શિવરાત્રીમાં ઊભી કરવામાં આવી
24 અને 26 ફેબ્રુઆરીએ શિવરાત્રીના તહેવારને ધ્યાનમાં રાખીને પ્રયાગરાજ ખાતેના મહાકુંભ જેવું આયોજન ટેનિસ ક્લબ ખાતે કરવામાં આવી રહ્યું છે. સાંજે 5 વાગ્યાથી રાત્રે 10:00 કલાક સુધી અહીં અલગ અલગ આયોજન કરવામાં આવી રહ્યું છે. શિવરાત્રિને ધ્યાનમાં રાખી ભક્તો ભગવાન ભોળાનાથના દર્શન કરવા માટે પહોંચી રહ્યા છે. અલગ અલગ જ્યોતિર્લિંગ પણ આકર્ષણનું કેન્દ્ર બની છે. ઉજ્જૈન થી આવેલા કલાકારોએ સ્ટેજ ઉપર શિવ પાર્વતી નૃત્ય કર્યું
શિવરાત્રીને ધ્યાનમાં રાખીને કરવામાં આવેલા આયોજનમાં ખાસ ઉજ્જૈનથી કલાકારો ઉપસ્થિત રહ્યા હતા તેમના દ્વારા રજૂ કરવામાં આવેલા શિવ પાર્વતી નૃત્યથી ઉપસ્થિત તમામ લોકો મંત્રમુગ્ધ થઈ ગયા હતા. શિવ મંચ ઉપર નૃત્ય દરમિયાન જટામાંથી વહેતી ગંગા અને ત્રીજા નેત્રમાંથી વરસતી અગ્નિ જોઈને સૌ કોઈ આશ્ચર્યચકિત થઈ ગયા હતા. કલાકારો દ્વારા ભસ્મ આરતી કરીને સૌ કોઈને શિવના રંગમાં રંગી દીધા હતા. આખેઆખું વાતાવરણ શિવમય બની ગયું હતું. મોટી સંખ્યામાં અહીં લોકો દર્શનઅર્થ આવ્યા
ટેનિસ ક્લબના સેક્રેટરી મયંક દેસાઈએ જણાવ્યું કે બે દિવસ દરમિયાન ધી સુરત ટેનિસ ક્લબ ખાતે મહા કુંભનો અનુભવ થાય તેવું ભવ્ય આયોજન અમારા ક્લબ દ્વારા કરવામાં આવ્યું છે.જેમાં 6 ફુટનું શિવલિંગ તથા 8 ફૂટ ઊંચું નંદીની પ્રતિકૃતિ બનાવવામાં આવી હતી. શિવ સ્તુતિ, શિવ મહિમા અને શિવપુરાણ ભજનો થશે, ઉજ્જૈનના જાણીતા કલાકારો દ્વારા ભસ્મ આરતીનું આયોજન થશે અઘોરી નૃત્યનું આયોજન શંખનાદ સાથે કરવામાં આવ્યું હતું. કૈલાશ માનસરોવરની પણ પ્રતિકૃતિ ઊભી કરવામાં આવી હતી. જે લોકો મહાકુંભમાં પ્રયાગરાજ ખાતે જઈને ગંગા સ્નાન કરી શક્યા નથી તેમના માટે ખાસ 500 લીટર ગંગાજળ ત્રિવેણી સંગમ માંથી મંગાવવામાં આવ્યું છે અહીં દર્શન કરવા આવનાર તમામ સુરતીઓ ઉપર આ ગંગાજળનો છંટકાવ કરવામાં આવી રહ્યું છે.