દેવાધિદેવ મહાદેવની આરાધના કરવાના મહાપર્વ મહાશિવરાત્રિ નિમિત્તે વડોદરા શહેરમાં હર… હર… મહાદેવના ગગનભેદી જયઘોષ સાથે ભવ્યાતિભવ્ય શિવજી કી સવારી નીકળી હતી. વાજતે-ગાજતે નીકળેલી શિવજી કી સવારીમાં મોટી સંખ્યામાં રાજકીય અગ્રણીઓ, કાર્યકરો અને શહેરીજનો જોડાયા હતા. પ્રતાપનગર ઋણમુક્તેશ્વર મહાદેવ મંદિરના પટાંગણમાંથી નીકળેલી શિવજી કી સવારીમાં સોનાથી મઢેલા નંદી પર સવાર શિવ પરિવારે ભારે આકર્ષણ જમાવ્યું હતું. હર… હર… મહાદેવના ગગનભેદી જયઘોષથી શિવજી કી સવારીના માર્ગો શિવમય બની ગયા હતા. સોનાથી મઢેલા શિવ પરિવારે ભારે આકર્ષણ જમાવ્યું
શિવજીની આરાધના કરતા ભજનો-ગીતો સાથે ઋણમુક્તેશ્વર મહાદેવ મંદિર ખાતેથી નીકળેલી શિવજી કી સવારીમાં આકર્ષણ જમાવનાર સોનાથી મઢેલા નંદી પર સવાર ભગવાન શિવજી, માતા પાર્વતી, ગણેશજી અને કાર્તિકેયના દર્શન માટે માર્ગો ઉપર લોકો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા. ઠેર-ઠેર સવારીનું વિવિધ સંસ્થાઓ, યુવક મંડળો દ્વારા સ્વાગત કરવામાં આવી રહ્યું હતું. આ સાથે યુવક મંડળો અને સંસ્થાઓ દ્વારા સવારીમાં જોડાયેલા લોકો માટે પાણીની વ્યવસ્થા કરવામાં આવી હતી. હર… હર… મહાદેવના ગગનભેદી જયઘોષ
સવારીના માર્ગો ઉપર વિવિધ મંડળો દ્વારા સવારીનું ભવ્ય સ્વાગત કરવામાં આવી રહ્યું હતું. ડી.જે., બેન્ડવાજા, ભજન મંડળીઓ અને ભારે આતશબાજી સાથે નીકળેલી ભવ્ય સવારીએ ભારે આકર્ષણ જમાવ્યું હતું. હર… હર… મહાદેવના ગગનભેદી જયઘોષ, અને ડી.જે.માં ગુજતા શિવજીના ભજનો, ગીતોથી સમગ્ર શહેર શિવમય બન્યું હતું. ટ્રાફિક ડાયવર્જન સાથે પોલીસનો જડબેસલાખ બંદોબસ્ત
શિવજી કી સવારી શાંતિ પૂર્ણ આગળ ધપે તે માટે શહેર પોલીસ તંત્ર દ્વારા સવારીના માર્ગો ઉપરથી ટ્રાફિક ડાયવર્જન કરી દેવામાં આવ્યું હતું. આ સાથે સવારી દરમિયાન કોઇ અપ્રિય ઘટના ન બને તે માટે જડબેસલાખ પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો. પ્રતાપનગર ખાતેથી નીકળેલી શિવજી કી સવારી ચોખંડી, માંડવી, ન્યાય મંદિર, અમદાવાદી પોળ, રાવપુરા રોડ, કોઠી ચાર રસ્તા થઇ મોડી રાત્રે સયાજી હોસ્પિટલ પાસે કૈલાસપુરી ખાતે પહોંચશે.